સ્તવે તમને પ્રેમથી ને રટ્યા જે તમને કરે
તમારો આધાર રાખી જગતની યાત્રા કરે;
તમોને જ જપે તમારા રાગમાં રંગે રમે,
હઠાવી દો તેમના જીવનતણાં વાદળ તમે !
તમારા સરખા સમર્થ ખરે જગતમાં કો નથી,
તમોને જ વિવિધ સ્વરૂપે રહે નામે સૌ કથી;
ભાવના એવી કરે તે ભક્ત સૌ તમને ગમે,
હઠાવી દો તેમના જીવનતણાં વાદળ તમે !
આંસુ સારે તેમની લુછતા તમે તો આંખને,
દીનહીન અપંગજનની તરત બનતા પાંખને;
પ્રાણજેવા માનતા જે તમોને પૂજે નમે,
હઠાવી દો તેમના જીવનતણાં વાદળ તમે !
તમે ના સંભાળશો સંભાળ લેશે કોણ તો ?
તમે ના સાંત્વન ધરો ધરનાર સાંત્વન અન્ય કો ?
શરણ લે તે સર્વની ચિંતા ટળે સંકટ શમે;
હઠાવી દો તેમના જીવનતણાં વાદળ તમે !
મનોરથ પૂરા કરો ને શાંતિની વર્ષા કરો,
સરળ કરતાં કઠિનને મૃતપ્રાયને જીવન ધરો;
પંથને ઉજ્જવળ કરો; 'પાગલ’ ન ભ્રમણામાં ભમે,
હઠાવી દો તેમના જીવનતણાં વાદળ તમે !
- શ્રી યોગેશ્વરજી