કૃપાનો વરસાદ મારા પર તમે વરસ્યા,
પ્રેમપ્યાલા કૈંક પાયા પ્રાણને તરસ્યા;
અંધકાર ભરેલ પંથે જ્યોતને રેલી,
મળી કૈંક વખત કરી આનંદની હેલી.
ઋણી છું, કેમ જ વિસારું પ્રેમ દૈવી એ;
તમે આપ્યું વચન સાચું કરો સાઈ હે !
ભક્તને કાજે તમે તો જિંદગી ધારી,
શરણ લે તેને તરત દેતા વળી તારી;
ભાવના આશા મનોરથ સર્વના પૂરો,
કલેશ ચિંતા કષ્ટ પર મૂકો તરત પૂળો.
કેમ ગુણ ગાઉં વિસારું પ્રેમ દૈવી એ;
તમે આપ્યું વચન સાચું કરો સાઈ હે !
'શોક ના ટળતો વળી મારગ નથી મળતો,
ધ્યેય ભૂલીને રહું સાગરમહીં ફરતો;’
શોક ટાળી માર્ગ સાફ કરી પ્રકાશ ધરો,
દિવ્ય જ્યોત ધરી તમારી અંધકાર હરો.
માર્ગદર્શન શે વિસારું પ્રેમ દૈવી એ;
તમે આપ્યું વચન પાળો સિદ્ધ સાઈ હે !
તમારો વિશ્વાસ છે અંતરમહીં જેના,
સફળ છે યત્નો સરળ રસ્તા બધા તેના;
કહ્યું છે એવું કરી દો સાર્થ તો તેને,
તમોને પ્રાર્થે રહે પીડા નહીં એને,
બળ અનંત નહીં વિસારું પ્રેમ દૈવી એ,
તમે આપ્યું વચન સાચું કરો સાઈ હે !
ચિતા ચિંતાની કરો, હોળી દિવાળીમાં
ફેરવો છો વિરહ મિલને રણ વળી રસમાં;
સ્વલ્પ પ્રેમથકી પ્રસન્ન થતા તમે જાણ્યા,
કૃપાસાગર છે તમોને કહ્યા પરમાણ્યા.
કૃપાને ક્યાંથી વિસારું પ્રેમ દૈવી એ,
તમે આપ્યું વચન સાચું કરો સાઈ હે !
કલ્પવૃક્ષ થકી કદીયે કોણ થાય નિરાશ ?
કામધેનુ મળ્યે મનોરથ પૂર્ણ થાય ન ખાસે ?
તમારો મહિમા જગતમાં ખૂબ વખણાયે,
પ્રેમમાં 'પાગલ’ બનીને લોક કૈં ગાયે.
કેમ મહિમાને વિસારું પ્રેમ દૈવી એ,
તમે આપ્યું વચન સાચું કરો સાઈ હે !
માત તાત ગુરૂ તમે પરબ્રહ્મ છો સાચા,
કરી રક્ષા સદા મારી સુણાવી વાચા ;
વિખૂટાંને મિલાવો ને આશ પૂર્ણ કરો,
સિદ્ધ સાઈ, હાથ જોડી સ્તવું, શાંતિ ધરો.
પળેપળ પ્રકટો વહાવો પ્રેમ દૈવી એ,
તમે આપ્યું વચન સાચું કરો સાઈ હે !
- શ્રી યોગેશ્વરજી