પત્થર પર બેસી, જોયા કેમ કરો દુઃખ તમે
સમાધિમાંહી પેસી જોયા કેમ કરો દુઃખ તમે ... પત્થર પર બેસી.
વારંવાર કરું પોકારો, પ્રાર્થના કરું ભાવે;
છતાં કેમ ના ઉત્તર આપો, જેમ ન હો પરદેશી ! ... પત્થર પર બેસી.
આંસુની ધારાઓ ચાલે અખંડ વેદન વ્હેતી;
મન મુંજાય કાય ને કંપે, ટકટક જોતા બેસી. ... પત્થર પર બેસી.
દયા ગઈ ક્યાં,પ્રેમ ગયો ક્યાં, કોમળતા ક્યાં ચાલી ?
વચન બધાં ક્યાં ગયાં તમારાં, કેમ રહ્યા છો રે’સી ? ... પત્થર પર બેસી.
એક પલકમાં દુઃખ હઠાવો, મનોરથ કરો પૂરા;
અશક્ય કૈં ના ખરે તમોને, 'પાગલ’ લો આશ્લેષી. ... પત્થર પર બેસી.
- શ્રી યોગેશ્વરજી