બ્રહ્માંડના નાથ અનન્ય છે જે, પિતા વળી વિશ્વતણા મહા છે;
જેનાથકી ઉત્તમ છે નહીં કો, તે સિદ્ધ સાઈ પ્રભુજી પ્રસન્ન હો !
કલ્યાણ કાજે નિજ ભક્તકેરા, કાયા ધરીને પ્રકટ્યા જગે જે,
લીલા કરી દિવ્ય અનંત એવી, હો સિદ્ધ સાઈપ્રભુજી પ્રસન્ન તે !
દયાળુ, પ્રેમાળ, પ્રશાંત કેવા ! ચરાચરે વ્યાપક દેવ એવા;
સમર્થ સર્વેશ્વર છો તમે તો, શ્રી સિદ્ધ સાઈપ્રભુજી પ્રસન્ન હો !
ભક્તોતણા કેવળ કલ્પવૃક્ષશા, જ્ઞાનીતણા અંતિમ ધ્યેયરૂપ જે,
ઉપાસ્ય યોગીજનના અનેરા, હો સિદ્ધ સાઈપ્રભુજી પ્રસન્ન તે !
નમસ્કાર કરું નેહે તમને હું ફરી ફરી;
અર્ચના ભાવથી ભીની તમારી છું રહ્યો કરી.
સુમન અર્પણ શ્રીચરણે કરું, મધુર મંગલ માળ વળી ધરું ;
હૃદયના મુજ નિર્મળ ભાવને, પ્રકટ એમ પ્રસન્નપણે કરું.
પરિમલેભર ધૂપ ધરું વળી, અનુભવું સુખ દીપકને કરી ;
વિવિધ મંગલ દ્રવ્ય સમર્પતાં, પરમશાંતિ રહું હૃદયે ભરી.
નૈવેદ્ય નેહનાં અર્પું પ્રેમથી પ્રભુજી, હવે ;
તમારા વિણ ના કોઈ મારું છે પ્રિય આ ભવે.
અનુરાગથકી આંજી આત્મા આરતિયે કરું,
તમારી જ કૃપા પામી તીક્ષ્ણશા તાપને તરું.
જનમ જ્યાં પણ પ્રાપ્ત મને થતો, મધુ નિવાસ વળી જગમાં બને,
પ્રણય ત્યાં ન મટે કદિ આપણો, મન રમે મધુરાં ચરણોકને.
સતત સ્નેહસુધા વરસાવજો, હૃદયની બસ એ મધુ ભાવના;
પરમ શીતળ છાંય મળ્યા કરો, સફળ હો સઘળીમુજ કામના.
કરી માનસપૂજા મેં તમારી ભાવથી ભરી,
સામાન્ય હો છતાં લેજો અસામાન્યસમી કરી.
પૂજાની વિધિ ના જાણું, વિદ્વત્તા ના મને વરી;
માહિતી નિયમોની ના, ગમ ના શાસ્ત્રની જરી.
સૃષ્ટિ આ સઘળી પૂજા અહોનિશ કર્યા કરે;
પૂજા મારી બની જાયે સંવાદી એમહીં ખરે.
આદિત્ય લાખો કિરણે તમારી અખંડશી આરતિને ઉતારે ;
ને ચંદ્રતારા નિજ તેજ રેલી, નિહાળતાં સુંદરરરૂપ વારે.
સમુદ્ર ને સ્ત્રોત નદી તમારી, ગાથા અનેરી રસપૂર્ણ ગાયે;
સમીર પંખો કરતાં ચરાચરે, પ્રસન્નતાથી દિનરાત વાયે.
કરું અર્પણ મારીયે પૂજા, દેવ, પ્રસન્ન હો;
તમ ને મન સંસ્પર્શે તમારા રસમગ્ન હો.
- શ્રી યોગેશ્વરજી