આજે મેં એક અજબ દૃશ્ય જોયું.
શહેરના વિશાળ બગીચામાં લીલાછમ ઘાસ પર એક યુવાન બેઠો હતો.
તેની પાસે આવીને પ્રેમના ઉન્માદમાં એક સુકુમારી તેના અંગને અઢેલીને બેસી ગઈ.
કુમારી તેની પરિચિત હતી.
તેને ખાત્રી હતી કે યુવાન તેના પ્રેમનો સ્વીકાર જરૂર કરશે.
પણ યુવાન તો હાલ્યો પણ નહિ.
પોતાની બેઠક પર બેસી રહીને તેણે કહેવા માંડ્યું :
‘માતા, તારા જેવી કેટલીય કુમારીઓમાં વિશ્વની માતાનું દર્શન કરીને મારે કૃતાર્થ થવું છે.
તારા જેવી કેટલીય કુમારીઓના સ્પર્શમાં મારે વિશ્વની માતાના સ્પર્શનો અનુભવ કરવો છે.
એટલે મને તારો કે કોઈનો ભય નથી.’
ને યુવાને તે કુમારીની ચરણરજને મસ્તક પર ચઢાવી ત્યારે કુમારી હતી જ નહિ,
બગીચામાં આરામ કરતો પવન હાલી ઉઠ્યો;
તેથી પાસેની વલ્લરી પણ કંપી ઉઠી.
- શ્રી યોગેશ્વરજી