તમારી આંખો મારી આંખમાં મળે છે ત્યારે
હું કેમ કરીને કહી બતાવું કે મારા હૈયાને કેવી ટાઢક વળે છે !
અશાંતિના રહ્યાસહ્યા અંકુરનો પણ અંત આવે છે, ને વેદનાનો ભારેલો અગ્નિ શમી જાય છે.
તમારી આંખ મારી આંખમાં મળે છે ત્યારે
હું કેમ કરીને કહી બતાવું કે મારા અંતરને કેટલો આનંદ થાય છે ને કેટલી શાંતિ મળે છે !
હૃદય રાગથી રંગાઈને સંગીતની સહસ્ત્રધારામાં પ્રવાહિત થઈને વહેવા માંડે છે,
ને મારું તન, મન ને અંતર જાણે કે ઉછાળા મારે છે.
મારી બધી જ શંકાનું સમાધાન થઈ જાય છે, સૂધબૂધ ભૂલાઈ જાય છે,
ને સહજ સમાધિ થતાં મને તપ, યજ્ઞ, તીરથ ને વ્રતનું ફળ મળી જાય છે.
તમને કેવી રીતે કહી બતાવું કે મારે કેટલો ઉત્સવ થાય છે !
તમારી આંખમાં આંખનો સંગમ કરીને
દિવસો, મહિમા, વરસો ને યુગો સુધી બેસી રહું એવી મને ઈચ્છા થાય છે.
તમારી આંખમાં આંખનો સંગમ કરીને બેસી રહું એવી મને ઈચ્છા થાય છે.
- શ્રી યોગેશ્વરજી