જગતના તુચ્છકાર સહન કરીને તારી પાસે આવું છું,
ને તારો મધુર મીઠો દૃષ્ટિપાત મળે છે ત્યાં જ હું મારું દુઃખ ભૂલી જાઉં છું.
આપત્તિ ને સંકટથી મુંઝાવું છું;
પણ આખરે તારી પાસે આવું છું ને તારા શરીરની સુવાસ લઉં છું
ત્યારે હું મારું બધુંયે દુઃખ ભૂલી જાઉં છું.
મારે માટે આ નશ્વર જગતમાં કોઈ સ્થાન નથી,
આરામ માટે છાંય પણ નથી.
પણ તારી પાસે આવું છું ને તારો કોમળ કર મારી કાયા પર પડે છે
ત્યાં હું બધું જ ભૂલી જાઉં છું ને શાંતિ અનુભવું છું.
ને તારે ખોળે મસ્તક મૂકીને પ્રેમનાં પુષ્પો પાથરવાનો લહાવ લઉં છું
ત્યારે તો હું બધું જ ભૂલી જઉં છું;
રસ ને રંગ, સ્થિતિ ને કાળ સર્વથી પર થાઉં છું !
- શ્રી યોગેશ્વરજી