વિભીષણનો ઉત્તર

સીતાની શોધ કરતા રામના દૂત પરમભક્ત હનુમાનજી જ્યારે લંકામાં ફરવા લાગ્યા ત્યારે તેમણે એક સુંદર ભવન જોયું. એ ભવનમાં ભગવાનનું અલગ મંદિર પણ બનાવેલું. એ ભવન રામનાં શસ્ત્રોના સુંદર ચિત્રોથી સુશોભિત હતું, તથા તેની બહાર તુલસીક્યારો હતો.

એવા પવિત્ર વાયુમંડળવાળા ભવનને નિહાળીને હનુમાનજીને સ્વાભાવિક રીતે જ આનંદ થયો. એમને થયું કે, લંકાનગરી તો રાક્ષસોથી ભરેલી છે. આવી રાક્ષસી વૃત્તિવાળી નગરીમાં કોઈ સજ્જન કે ભગવદ્ ભક્તનો નિવાસ કેવી રીતે હોઈ શકે ?

એવા એવા અનેક પ્રકારના તર્ક એમના મનમાં પેદા થતા હતા તે જ વખતે એમણે રામનામનો સુમધુર ધ્વનિ સાંભળ્યો. એથી તો એમના હરખનો પાર ના રહ્યો.

વાત એમ હતી કે વિભીષણ રાત્રિના પાછલા પ્રહરમાં જાગ્યા હતા અને રામનામની પાવન સરિતામાં સ્નાન કરતા'તા.

બ્રાહ્મણનું રૂપ લઈને હનુમાનજીએ વિભીષણને ઉદ્દેશીને થોડાંક વચનો કહ્યાં. એ સાંભળીને વિભીષણે એમની પાસે આવીને એમનો પરિચય પૂછ્યો.

ત્યારે હનુમાનજીએ પોતાનો પરિચય આપ્યો તથા રામની કથા પણ કહી સંભળાવી. રામના ગુણગાન સાંભળીને વિભીષણનું શરીર પુલકિત બની ગયું. અને મન પ્રેમના પવિત્ર પારાવારમાં જાણે કે ડૂબી ગયું. એમણે ભાવવિભોર બનીને ગદ્દગદ્ કંઠે કહેવા માંડ્યું કે રામચંદ્રજી મને અનાથ જાણીને મારા પર કોઈ દિવસ દયા કરશે ખરા કે ? શરીરથી કોઈ જાતનું સાધન થઈ શકતું નથી ને મનમાં એમના ચરણકમળની પ્રીતિ નથી. તમારાં દર્શનનો લાભ મળ્યો તેને હું રામની મોટી કૃપા સમજુ છું. કેમ કે હરિની કૃપા વિના સંતોનો સમાગમ નથી થઈ શકતો એવો મારો વિશ્વાસ છે.

હનુમાનજીએ ઉત્તર આપતાં કહેવા માંડ્યું કે રામ પોતાના સેવક પર સદા પ્રેમ રાખે છે, એવો એમનો સ્વભાવ છે. મારામાં કોઈ પ્રકારની વિશેષ યોગ્યતા નથી ને ચંચળતા પણ ઘણી છે છતાં એમનો મારા પર ઘણો પ્રેમ અને અનુગ્રહ છે.

એવું કહેતાં કહેતાં હનુમાનજીની આંખ પણ ઉભરાઈ આવી.

એ ચિરસ્મરણીય વાર્તાલાપ દરમિયાન હનુમાનજીએ પૂછયું કે આવા આસુરી વૃત્તિથી વીંટળાયેલા વાતાવરણમાં તમે કેવી રીતે વાસ કરો છો ? ત્યારે વિભીષણે ઉત્તર આપ્યો કે દાંતની વચ્ચે જેવી રીતે જીભ રહે છે તેવી રીતે આ લંકાપુરીમાં વાસ કરું છું.

રામાયણમાં સુંદરકાંડમાં તુલસીદાસજીએ આલેખેલા આ પ્રસંગમાં અને ખાસ કરીને વિભીષણે આપેલા ટૂંકા પણ માર્મિક ઉત્તરમાં ગઈ કાલની, આજની અને ભવિષ્યની પ્રજાને માટે વિશેષ શક્તિશાળી સંદેશ સમાયેલો છે. એ સંદેશ કયો છે તે જાણો છો ? માણસો વારંવાર દલીલ કરે છે કે વાતાવરણ વધારે ને વધારે વિકૃત બનતું જાય છે, તથા બધી રીતે પ્રતિકૂળ છે. તેમાં રહીને આત્મિક વિકાસ કેવી રીતે કરી શકીએ. અથવા તો ઉચ્ચ આદર્શોને અને જીવનના નૈતિક મૂલ્યોને કેવી રીતે વળગી રહીએ  ? જમાનો તથા વાતાવરણ તદ્દન વિપરીત છે. એવા માણસોએ વિભીષણના શબ્દો યાદ રાખીને એમાંથી બોધપાઠ લેવાનો છે. વિભિષણે વાતાવરણનો દોષ નથી કાઢ્યો. એ તો લંકાના વિકૃત વાતાવરણની વચ્ચે રહીને પણ પોતાના જીવનને ઈશ્વરપરાયણ બનાવી ચૂક્યા છે. એવી રીતે વાતાવરણનો દોષ કાઢીને બેસી રહેવાથી કંઈ જ નહિ વળે. બહારનું વાતાવરણ આપણે માટે સંપૂર્ણપણે સારૂં થાય કે ન થાય તેની વધારે પડતી ચિંતા કર્યા વિના, આપણી અંદરનાં વાતાવરણને બને તેટલું સારું બનાવવાની આવશ્યકતા છે.

વિભીષણ દાંતની વચ્ચે રહેતી જીભનો ઉલ્લેખ કરી બતાવે છે તે શું સૂચવે છે ? દાંતની વચ્ચે જેમ જીભ અત્યંત સંભાળપૂર્વક હરેફરે છે તેમ પવિત્ર, સદાચારી અને ઈશ્વરપરાયણ જીવન જીવનાર કે જીવવા માગનારે સંસારના વિરોધાભાસી વાતાવરણમાં અત્યંત સંભાળીને જાગૃતિપૂર્વક જીવવું જોઈએ. જે જાગૃત કે સાવધાન છે તે સદાને સારૂ સલામત રહે છે. અસાવધાની, પ્રમાદ કે ગફલત મરણ છે અને જાગૃતિ જીવન છે. જીવનના વિકાસમાં સાધકે પળેપળે જાગૃત રહેવાનું છે. પળેપળે આત્મનિરિક્ષણ કરી, પોતાની ત્રુટિઓને દૂર કરી પોતાની સત્વસંપત્તિને વધારતા રહેવાનું છે. લંકાના વિકૃત વાતાવરણની વચ્ચે વસીને પણ વિભીષણે પોતાના જીવનને નીતિપરાયણ કરીને રામની કૃપાનો લાભ મેળવ્યો તેવી રીતે જીવનને નીતિપરાયણ કરીને આપણે પણ ઈશ્વરનો અનુગ્રહ મેળવવાનો છે. પાશવી બળો આપણને હતાશ કે હતપ્રભ ના કરે, જીવનવિકાસની આપણી શ્રદ્ધાને ન હણે તથા આપણા માર્ગમાં વિઘ્નરૂપ ના બને, એ ખાસ જોવાનું છે. રામાયણમાં વર્ણવેલો હનુમાન તથા વિભીષણનો પ્રસંગ આપણે અવારનવાર વાંચીએ કે સાંભળીએ છીએ, પણ એમાંથી એવો પ્રેરક શક્તિસંચારક સંદેશ શીખવાનો છે.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

God, grant me the serenity to accept the things I cannot change, the courage to change the things I can, and the wisdom to know the difference.
- Dr. Reinhold Niebuhr

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.