Wednesday, October 28, 2020

સુંદ-ઉપસુંદની કથા

ભારતવર્ષના સાંસ્કૃતિક ધાર્મિક સાહિત્યભંડારમાં પુરાણોનું સ્થાન ખૂબ જ મહત્વનું છે. એમની અંદર પણ મહાભારતનું મહત્વ સવિશેષ છે. વેદ, ઉપનિષદ ને દર્શનશાસ્ત્રોના ગહનતમ જ્ઞાન સિદ્ધાંતોને સરળતાથી ને સંપૂર્ણપણે સમજવાનું કાર્ય સામાન્ય બૌધિક પ્રતિભાવાળા માનવોને માટે અતિશય કપરું હોવાથી, પરહિતપરાયણ સ્વાનુભવસંપન્ન મહર્ષિ વ્યાસે મહાભારત જેવાં મહાપુરાણોની રચના કરી છે, અને એમની દ્વારા કથાત્મક ધર્મ ને તત્વજ્ઞાનવિષયક જુદા જુદા સંદેશને પ્રવાહિત કર્યા છે. મહાભારતને માટે તો એવું કહેવાય છે કે જે એમાં નથી તે બીજે ક્યાંય નથી, અને જે એમાં છે તે બીજે પણ છે. व्यासोच्छिष्ट जगत्सर्वम કહીને સૂચવવામાં આવ્યું છે કે જ્ઞાન-વિજ્ઞાનની એવી કોઈયે શાખા-પ્રશાખા નથી જેના વિશે મહર્ષિ વ્યાસે મહાભારતમાં પોતાના વિચારો પ્રકટ ન કર્યા હોય. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ-માનવજીવનના એ ચતુર્વિધ પુરુષાર્થોને લક્ષ્ય કરીને એમાં ચિંતન-મનનની રસભરપૂર સામગ્રી પીરસવામાં આવી છે. એ સામગ્રી સનાતન અને પ્રેરણાત્મક હોવાથી આજે સમય બદલાયો હોવા છતાં પણ, એટલી જ રસમય અને ઉપયોગી છે.

મહાભારત ભારતવર્ષનો સાંસ્કૃતિક ગૌરવગ્રંથ છે. એમાં આવતી જુદી જુદી કથાઓ અને ઉપકથાઓ માનવજીવન અને રાષ્ટ્રના અભ્યુત્થાનને માટે અસાધારણ ઉપકારક તત્વોથી ભરપૂર છે. સુંદ અને ઉપસુંદ નામના અસુરોની ઉપકથા એવી જ ચિરંજીવ ને પ્રેરક કથા છે. એ ઉપકથાનો પરિચય કરવા જેવો છે.

હિરણ્યકશિપુના વંશમાં નિકુંભ નામે એક પરમ પરાક્રમી પ્રતાપી દૈત્ય થઈ ગયો. સુંદ અને ઉપસુંદ બંને એના જ પુત્રો હતા. મોટા થતાં એ પરાક્રમી, પ્રતાપી ને ક્રૂર પ્રકૃતિના ભાઈઓ દૈત્યોના સરદાર બન્યા.

એમની વચ્ચે એટલો બધો પ્રેમભાવ તથા મેળ હતો કે વાત નહિ. એ બંને સાથે જ રહેતા, સાથે જ જમતા, ને સાથે જ ફરતા. એમના દેહ જુદા પણ આત્મા જાણે એક હતા.

વખતના વિતવા સાથે એમના અંતરમાં ત્રિલોકનું સ્વામિત્વ પ્રાપ્ત કરવાની મહત્વકાંક્ષા પેદા થઈ. એ મહત્વકાંક્ષાથી પ્રેરાઈને એમણે શાસ્ત્રોક્ત રીતે દીક્ષા લઈને વિંધ્યાચલ પર્વત પર જઈને તપશ્ચર્યા કરવાનો પ્રારંભ કર્યો.

તપશ્ચર્યા પણ કેવી ? એકદમ કઠોર કહી શકાય એવી. અન્ન તથા જલનો ત્યાગ કરીને કેવળ વાયુ પર રહીને બંને હાથ ઉપર ઉઠાવીને સૂર્યની સામે દૃષ્ટિને સ્થિર કરીને એ તપવા માંડ્યા.

એમના પ્રબળ તપથી પ્રસન્ન થઈને એમની આગળ બ્રહ્મા પ્રકટ થયા. એમણે વરદાન માંગવા કહ્યું તો એ પ્રણામ કરીને બોલ્યા :

'દેવ ! તમે અમારા પર પ્રસન્ન થઈને અમને વરદાન આપવા માગતા હોય તો અમે બંને માયાવી, શસ્ત્રાસ્ત્રમાં કુશળ, ઈચ્છાનુસાર રૂપ ધારણ કરનારા, બળવાન અને અમર બની જઈએ એવું વરદાન આપીને અમને કૃતાર્થ કરો.'

બ્રહ્માએ કહ્યું, 'મનુષ્યો કે દૈત્યોને માટે અમર બનવાનું અશક્ય છે. અમર તો કેવળ દેવો જ બની શકે છે. એટલે અમર બનવા સિવાયનાં તમે માગેલાં બીજાં વરદાન તમને આપી રહ્યો છું. અમર બનવાનું વરદાન તમને નહિ આપી શકું.'

'તો પછી એને બદલે એવું વરદાન આપો કે અમે દુનિયાના કોઈપણ પ્રાણી કે પદાર્થથી ના મરીએ. અમારું મૃત્યુ જ્યારે થાય ત્યારે એકબીજાના હાથે જ થાય' સુંદ અને ઉપસુંદ બોલ્યા.

'તથાસ્તુ.' કહીને બ્રહ્મા પોતાના દિવ્ય લોકમાં જવા માટે ચાલી નીકળ્યા, અને તપશ્ચર્યા દ્વારા પ્રાપ્ત થયેલા વરદાનથી સંતુષ્ટ બનેલા સુંદ અને ઉપસુંદ ઘેર આવ્યા.

ઘેર આવીને અહંકારથી ઉન્મત્ત બનીને મોટો ઉત્સવ કર્યો.

એ ઉત્સવમાં એમના બંધુઓ, મિત્રો તથા સ્નેહીઓએ પણ ભાગ લીધો.

એ પછી થોડોક વખત આમોદપ્રમોદમાં પસાર કરીને એ બંને ભાઈઓ દિગ્વિજય કરવા તૈયાર થયા.

એ માયાની શક્તિવાળા ભયંકર અસુરોના ઉત્પાતને લીધે પ્રજા દુઃખી બની ગઈ. એમની ભયંકર પ્રવૃત્તિ જોઈને જિતેન્દ્રિય મુનિઓ અને મહાત્મા પુરુષોની પીડાનો પાર ન રહ્યો એમની ચિંતા, વેદના અને અશાંતિનો અતિરેક થતાં એમણે બ્રહ્મલોકમાં જઈને સુંદ અને ઉપસુંદને તથા એમના અનુચરોના અનર્થની વાતો બ્રહ્માને કહી બતાવીને પ્રજાની પીડાના નિવારણ માટે પ્રાર્થના કરી.

બ્રહ્માએ એમને આશ્વાસન આપ્યું અને એ અસુરોનો નાશ કરવા માટે વિશ્વકર્મા પાસે એક સુંદર સ્ત્રી તૈયાર કરાવી. સૃષ્ટિના શ્રેષ્ઠ રત્નોના અંશમાંથી એની રચના થઈ હોવાથી બ્રહ્માએ એનું નામ તિલોત્તમા પાડ્યું. બ્રહ્માના આદેશથી એ અસુરોને મોહિત કરવા માટે ચાલી નીકળી.

સુંદ અને ઉપસુંદ તિલોત્તમાને જોઈને ભાન ભૂલી ગયા. અને એનો હાથ પકડીને ઊભા રહ્યા. તિલોત્તમા બોલી કે મારો સંકલ્પ છે કે હું કોઈ એકની જ થઈશ, બેની નહિં થાઉં.

સુંદ અને ઉપસુંદ તિલોત્તમાને મેળવવાના ઉદ્દેશથી ભયંકર ગદાયુદ્ધમાં પ્રવૃત્ત થયાં. બંને એકબીજા પર તૂટી પડ્યા. બંનેનાં શરીર લોહીથી લથપથ થઈ ગયાં. અને એ આખરે નિર્જીવ બનીને ચિત્કાર કરતાં ધરતી પર ઢળી પડ્યા. તિલોત્તમા પોતાનું કાર્ય સંપૂર્ણપણે સફળ થયેલું જોઈને સંતોષ પામી. દેવો, મુનીઓ ને બ્રહ્માએ એને અભિનંદન આપ્યાં.

આ કળાત્મક કથા શું સૂચવે છે ? માનવ પ્રખરમાં પ્રખર તપ કરે ને મોટામાં મોટી શક્તિ મેળવે તો પણ પ્રકૃતિના મોહપાશમાંથી નથી છૂટતો ત્યાં સુધી સ્વસ્થતા, પૂર્ણતા કે મુક્તિ નથી મેળવી શકતો. પોતાના જીવનનું શ્રેય પણ નથી સાધી શકતો. સ્વાર્થરૂપી માયા, સત્તારૂપી માયા, શરીરની મોહિનીરૂપી મહામાયા માનવને ચલિત કરી, સંમોહિત બનાવીને એને એની નિષ્ઠામાંથી ડગાવીને, જો એ સાવધાન ના હોય તો એનો મૃત્યુઘંટ વગાડી દે છે. માટે માનવે જાગ્રત રહેવાની, જુદી જુદી જાતના મોહમાંથી મુક્તિ મેળવવાની ને શક્તિનો સદુપયોગ કરવાની આવશ્યકતા છે. જે પોતાની બુદ્ધિ તથા શક્તિનો દુરુપયોગ કરે છે તે વિનાશ પામે છે એમાં સંશય નથી સામાન્ય ને અસામાન્ય સઘળા માનવોએ એ સંદેશને અથવા બોધપાઠને યાદ રાખવાનો છે.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

There are only two ways of spreading light - to be the candle or the mirror that reflects it.
- Edith Wharton

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok