if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

કુરૂક્ષેત્રના વરસો પહેલાંના વિશાળ યુદ્ધ મેદાનમાં કલ્પનાની પાંખ પર ચઢીને ચાલો જરા પહોંચી જઈએ.

કૌરવ તથા પાંડવોની પ્રચંડ સેનાઓ શસ્ત્રસજ્જ બનીને એકમેકનો સંહાર કરવાના આશયથી ઊભી રહી છે.

કુરુક્ષેત્રની મહામહિમાવંતી તીર્થભૂમિ એકાએક યુદ્ધભૂમિમાં પલટાઈ ગઈ છે.

યુદ્ધ પણ કેવું ? મિત્રો, સંબંધીઓ, ગુરુજનો તથા ભાઈઓ વચ્ચેનું.

અર્જુને મહાભારતના એ મહાયુદ્ધમાં ભગવાન શ્રીકૃષ્ણને પોતાના રથના સારથિ બનાવ્યા છે. સ્થુલ રથના જ નહિ પરંતુ પોતાના સમગ્ર જીવનના સૂક્ષ્મ રથના પણ. શ્રીકૃષ્ણ એના પથપ્રદર્શક, પ્રકાશદાતા તથા પ્રેરણામૂર્તિ બન્યા છે. અર્જુનના રથના ઘોડાની લગામ પોતાના હાથમાં લઈને એ રથમાં બેસી રહ્યા છે ત્યારે એમનો દેખાવ કેટલો બધો આકર્ષક, આનંદદાયક અને અદ્દભુત લાગે છે !

પરંતુ ત્યાં તો રથમાં બેઠેલા અર્જુને શ્રીકૃષ્ણને કહેવા માંડ્યુ, 'આ યુદ્ધમાં અમારી સાથે લડવા માટે કોણ કોણ એકઠા થયા છે તે જોવાની મને ઈચ્છા થઈ છે. એટલા માટે આપણા રથને બંને સેનાની મધ્યમાં લઈ જઈને ઊભો રાખો.'

અર્જુનની પ્રાર્થના લક્ષમાં લઈને ભગવાન શ્રીકૃષ્ણે રથને બંને સેનાની મધ્યમાં લઈ જઈને ઊભો રાખ્યો.

અર્જુને યુદ્ધ કરવા માટે એકઠા થયેલા યોદ્ધાઓ પર દૃષ્ટિપાત કર્યો.

પરંતુ એ દૃષ્ટપાત ઘણો વિચિત્ર નીકળ્યો. એને પરિણામે અર્જુનનો યુદ્ધને માટેનો ઉત્સાહ એકદમ ઓસરી ગયો. એ નાહિંમત ને નિરાશ બની ગયો. એના જ ઉદ્દગારોમાં કહીએ તો-

'યુદ્ધના વિશાળ મેદાનમાં લડવા માટે ભેગાં થયેલાં આ સ્વજનોને નિહાળીને હે કૃષ્ણ, મને કાંઈનું કાંઈ થઈ જાય છે. મારા અંગો ખેંચાવા માંડે છે. મોઢું સૂકાય છે, શરીરે પ્રસ્વેદ વળે છે. રોમાંચ થાય છે, ચામડીમાં બળતરા પેદા થાય છે, તથા હાથમાંથી ગાંડીવ સરી પડે છે. મારું મન ભમવા લાગે છે ને મારાથી ઊભા રહેવાનું નથી બનતું. આમ બધા જાતના લક્ષણો મને વિપરીત દેખાય છે. યુદ્ધમાં સ્વજનોને મારવાથી કોઈ પ્રકારનું શ્રેય થશે એવું મને નથી લાગતું.'

'હે કૃષ્ણ, મારે રાજ્ય, સુખ કે વિજય કશું જ નથી જોઈતું. જેમની સાથે રહીને અમને રાજ્યભોગ તથા સુખો સારાં લાગ્યાં હોત તે તો બધા ધન, સંપત્તિ તથા પ્રાણોના મોહનો પરિત્યાગ કરીને આ યુદ્ધમેદાનમાં મરવા માટે ઊભા રહ્યા છે. અહીં ઊભેલા આચાર્યો, પિતૃઓ, પુત્રો, પૌત્રો તથા જુદી જુદી જાતના સંબંધીઓને ત્રણે લોકનું રાજ્ય મળતું હોય તો પણ મારવા તૈયાર ન થઉં, તો સાધારણ ધરતી માટે તેમને મારી શકું જ કેવી રીતે ? એમને કે કૌરવોને હણવાથી મને પાપ જ લાગે અને સુખ તો સ્વપ્ને પણ સાંપડે જ નહિ.'

'એમની બુદ્ધિ તો લોકવૃત્તિથી હણાયેલી હોવાથી એ કુળના નાશના અપરાધનો ને મિત્રોના દ્રોહના પાપનો વિચાર નથી કરી શકતા, પરંતુ અમે તો એ વિચાર કરી શકીએ છીએ, તો એ પાપમાંથી પાછા કેમ ના વળીએ ? મને તો લાગે છે કે રાજ્યસુખની લાલસાથી સ્વજનોનો સંહાર કરવા તૈયાર થઈને અમે ઘણું મોટું પાપ કરી રહ્યા છીએ. એના કરતાં તો શસ્ત્રસજ્જ કૌરવો મને શસ્ત્ર વિનાનો ને પ્રતિકાર કર્યા સિવાયનો જોઈને યુદ્ધમાં હણી નાંખે એ જ વધારે કલ્યાણકારક થઈ પડે.'

એવા ઉદ્દગાર કાઢીને કુરુક્ષેત્રની ભૂમિમાં યુદ્ધ કરવાની પૂરેપૂરી તૈયારી સાથે આવેલો અર્જુન ગાંડીવને મૂકીને શોકમગ્ન મનથી રથમાં બેસી ગયો અને મારે યુદ્ધ નથી કરવું એવું સ્પષ્ટ સંભળાવીને મૌન રહ્યો.

ભગવાન શ્રીકૃષ્ણની કસોટીનો સાચો સમય તો હજુ હવે જ શરૂ થયો. અર્જુનની પરિસ્થિતિ એમની ખરેખરી પરીક્ષા કરનારી પૂરવાર થઈ. એ મહાન જ્ઞાની અને યોગી, યોગીઓના યોગી હતા, ને समत्वं योगे उच्चते 'સમતા યોગ કહેવામાં આવે છે' એ સૂત્રમાં માનતા હતા. આગળ પર એનો ઉપદેશ પણ એ અર્જુનને આપવાના હતા.

પરંતુ ઉપદેશ આપવો એ એક વાત છે અને એ પ્રમાણે ચાલવું એ જુદી જ વાત છે. કેટલાય લોકો એવા હોય છે કે જે બીજાને ઉપદેશ આપવામાં કુશળ હોય છે પરંતુ પોતે તે પ્રમાણે નથી ચાલતા. માણસના સદુપદેશની સાચી કિંમત તો તેનું પોતાનું જીવન એનાથી કેટલા પ્રમાણમાં સુવાસિત થયેલું કે શક્તિશાળી બનેલું છે એમાં રહેલી છે. ખાસ કરીને પ્રતિકૂળ સંજોગોમાં એની કસોટી વધારે થાય છે. દુઃખમાં, વિપત્તિમાં ને પ્રતિકૂળતામાં એ મોટેભાગે ચળી જાય છે. ભગવાન શ્રીકૃષ્ણના સંબંધમાં પણ જો એવું જ થાય તો એ પણ એક સામાન્ય મનુષ્ય જ કહેવાય ને ? પણ એ સામાન્ય ન હતા, અસામાન્ય હતા. એમની જગ્યાએ કોઈ બીજો સામાન્ય મનુષ્ય હોત તો એવી કે એને મળતી પરિસ્થિતિમાં ગભરાઈ જાત, ઉત્તેજીત બનત, કે ગુસ્સે થાત, ને ના કહેવા જેવા શબ્દ કહી સંભળાવત, પણ શ્રીકૃષ્ણ પૂર્ણ યોગી તથા મનના વિજેતા હોવાથી શાંત જ રહ્યા. એ જાણતા હતા કે અત્યારે અર્જુન યુદ્ધ કરવાની ભલે ના પાડે, છેવટે તો એ લડશે જ.

યુદ્ધ અવશ્યં ભાવિ છે માટે એમના મુખ પર એવું જ સ્મિત ફરકી રહ્યું. तमुवाच ૠषिकेश: प्रहसन्निव भारत् એ વાક્યમાં કહ્યા પ્રમાણે એ અર્જુનને હસતાં હસતાં કહેવા માંડ્યા એ જ એમની વિશેષતા.

એ વિશેષતા આપણે માટે અનુકરણીય છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ એવી રીતે જ જો આપણે સ્વસ્થ રહી શકીએ ને સ્મિત કરી શકીએ તો જીવનના જંગને જરૂર જીતી શકીએ. કોઈ પણ કાળે હતાશ ના થવું ખૂબ જ જરૂરી છે.

 - શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.