દત્તાત્રેયની ગુણગ્રાહક દૃષ્ટિ

માણસની આંખ જો ઉઘાડી હોય તો એ જીવનની વિશાળ પ્રવાસકેડી પર પદેપદે જુદી જુદી જાતના રહસ્યોનું દર્શન કરી શકે છે, અને જો એના કાન બરાબર કામ કરતા હોય તો ક્ષણેક્ષણે ઉત્તમ પ્રકારનો સદુપદેશ સાંભળી શકે છે. સમસ્ત વિશ્વ એને માટે એક મહાન વિરાટ વિશ્વવિદ્યાલય બની જાય છે. એનો પ્રત્યેક પદાર્થ ને પ્રસંગ એને કાંઈ ને કાંઈ પ્રેરણા પૂરી પાડે છે અથવા એના જીવનમાં જ્યોતિ ભરે છે.

શ્રીમદ્ ભાગવતમાં એની પ્રતીતિ કરાવતા પ્રસંગો અનેક છે. એમાં એકાદશ સ્કંધમાં ગુરુ દત્તાત્રેયના કથા પ્રસંગો ખાસ ઉલ્લેખનીય છે.

ગુરુ દત્તાત્રેય જગતમાં વિભિન્ન સ્થળોમાં વિચરણ કરતા, પણ દૃષ્ટિ ઉઘાડી રાખીને તથા કાન ખોલીને વિચરણ કરતા એટલે ડગલે ને પગલે કોઈ ને કોઈ જીવનોપયોગી સંદેશ મેળવી શકતા. એવી રીતે એમણે ચોવીસ ગુરુ કરેલા અથવા ચોવીસ વસ્તુ પાસેથી બોધ અથવા સાર ગ્રહણ કરેલો.

વાત વિસ્મય પમાડે એવી છે પરંતુ સાચી છે કે એમણે એક કુમારિકાને પણ ગુરુ કરેલી.

એકવાર પોતાના પ્રવાસ દરમિયાન એ ફરતા ફરતા એક સુંદર સાધારણ ગામમાં જઈ પહોંચ્યા.

ગામમાં એક ઘર હતું. તેમાં અંદરના ખંડમાં એક કન્યા હાથમાં સાંબેલું લઈને કશુંક ખાંડી રહેલી.

એ કન્યા ઘરમાં એકલી હતી.

એ વખતે એને ત્યાં એના વેવિશાળની વાત કરવા માટે પાસેના બીજા ગામના કેટલાક લોકો આવી પહોંચ્યા.

એમનું સ્વાગત કરી એમને ઘરના બહારના ખંડમાં બેસાડી, પોતે પોતાના કામમાં લાગી ગઈ.

પરંતુ કામ કરતાં એના હાથની બંગડીઓનો અવાજ આવવા માંડ્યો એટલે એને થયું કે મારે માટે આ સારું નહિ કહેવાય. બહાર બેઠેલા લોકોને વિચાર આવશે કે અમારી સ્થિતિ સાધારણ છે તથા અમે હાથે કામ કરીએ છીએ, માટે મારા માતાપિતાના સંબંધમાં એમનો અભિપ્રાય બહુ સારો નહિ બંધાય.

હાથે કામ કરવામાં કશી નાનમ છે ? ખરી રીતે તો એમાં એક પ્રકારની સ્વતંત્રતા અને આનંદ છે. માણસ પોતાના જીવનને માટે બીજાના પર જેટલા પણ ઓછા પ્રમાણમાં નિર્ભર રહે એટલા જ વધારે પ્રમાણમાં સુખી થાય છે. છતાં પણ કેટલાક લોકો પોતાની મેળે સમય અથવા શક્તિ હોય તો પણ કામ કરી લેવામાં નાનમ સમજે છે. આપણે ત્યાં સમાજમાં સર્વત્ર એવી વૃત્તિ વ્યાપક જોવા મળે છે એ હકીકત એટલી બધી આનંદદાયક અને આવકારદાયક નથી.

ભાગવતના જમાનામાં પણ એવી વિચારસરણી કે મનોવૃત્તિ સમાજમાં પ્રચલિત હતી એની પ્રતીતિ આ પ્રસંગ પરથી સહેલાઈથી થઈ રહે છે.

પેલી કુમારિકા હાથે કામ તો કરતી પરંતુ બહારના બીજા માણસો એ હકીકતને જાણી જાય એવી તેની ઈચ્છા ન હતી. એટલા માટે કે કોઈ બીજા એવા વિચારથી જ પ્રેરાઈને એણે પોતાના હાથ પરની બે બંગડીમાંથી એકેક બંગડી કાઢી નાંખી એથી બંગડીઓનો અવાજ આવતો અટકી ગયો.

વાત બહારથી જોતાં તદ્દન સાધારણ હતી, પરંતુ ગુરુ દત્તાત્રેયની સૂક્ષ્મ વિવેકશક્તિને એમાં એકદમ અસાધારણતા લાગી. દત્તાત્રેયની દૃષ્ટિ માર્મિક હોવાથી પ્રત્યેક પદાર્થ, પ્રસંગ કે પરિસ્થિતિ પરથી કાંઈ ને કાંઈ શીખવા કે સાર ગ્રહણ કરવા ટેવાયેલી હતી. એટલે એ કુમારિકાની એવી પ્રવૃત્તિ જોઈને એને એમણે ગુરુ માનીને મનોમન કહ્યું:

'કુમારિકા, તું બહારથી જોતાં સામાન્ય જેવી દેખાય છે પણ તારી પાસેથી મને પ્રકાશ મળ્યો છે. શાસ્ત્રો, ગ્રંથો ને સંતો પણ જે ના શીખવી શકે તે સંદેશ તું તારી પ્રવૃત્તિ દ્વારા આજે મને શીખવી શકી છે. જે પ્રેરણા પૂરી પાડે છે, પ્રકાશ આપે છે, કે પથપ્રદર્શન કરે છે તેને જ ગુરુ કહેવામાં આવે છે. એ દૃષ્ટિએ જોતાં તું પણ મારી ગુરુ છે. તારી પાસેથી મને એક અગત્યની અમૂલખ વાત એ શીખવા મળી છે કે તપશ્ચર્યા કે સાધના કરનારે સદા એકલા જ રહેવું જોઈએ. બે કે વધારે સાધકો ભેગા રહે તેથી વાત ઘણીવાર બગડી જાય છે. એ સાધકો બંગડીઓની પેઠે કેટલીકવાર ક્ષુલ્લક વસ્તુઓ માટે ખખડાટ કરે છે, લડે છે, વાતે વળગે છે, ને મોહ કે રાગના શિકાર બને છે. માટે તપશ્ચર્યા તો એકલાએ અને એકાંતમાં જ કરવી સારી. હું પણ જ્યારે તપ કરવા બેસીશ ત્યારે એકલો જ બેસીશ, સર્વ પ્રકારની ઉપાધિઓનો પરિત્યાગ કરીને બેસીશ, ને જીવનને સફળ કરીશ.' 

ગામડાની એ કન્યાને ખબર પણ ના પડી કે એની રોજબરોજની કહેવાતી એક સાધારણ જીવનચર્યા એક મહાપ્રતાપી મહાત્મા પુરુષને માટે પ્રેરણાની સામગ્રી સમી બની ગઈ છે. દત્તાત્રેયને પ્રેરણા પૂરી પાડવામાં એણે પરોક્ષ રીતે જે ભાગ ભજવ્યો એથી એ એકદમ અનભિજ્ઞ હતી. પરંતુ એથી શું ? દત્તાત્રેયે એને મનોમન નમસ્કાર કરીને ત્યાંથી વિદાય લીધી અને એ નાનકડા પ્રસંગમાંથી પોતે તો પ્રેરણા લીધી જ પરંતુ સંસારની આગળ એનું સંસ્મરણ કરીને સૌને એની સુવાસ દીધી.

ધન્ય દત્તાત્રેય ! તમને અનેકવાર ધન્યવાદ છે !

આપણે પણ દત્તાત્રેય જેવી ગુણદૃષ્ટિ કેળવીએ તો ? આપણને કેટલો બધો લાભ થાય ? જે ગ્રંથો ને વિદ્યાલયોમાં ના મળે તે જીવનના વ્યવહારમાંથી જ જડી જાય.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

We do not see things as they are; we see things as we are.
- Talmud

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.