Friday, October 23, 2020

અક્રોધી એકનાથ

મહારાષ્ટ્રના ચાર મહાપ્રતાપી, લોકોત્તર, સમર્થ મહાત્મા પુરુષો સમર્થ રામદાસ, સંત તુકારામ, જ્ઞાનેશ્વર અને એકનાથ. એમાં એકનાથનું સ્થાન આગવું અને અજોડ હતું. એમણે નાની ઉંમરમાં ઈશ્વરનો સાક્ષાત્કાર કરીને ગુરુની આજ્ઞાનુસાર ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરેલો.

સદ્દભાગ્યે એમને ગિરજાબાઈ જેવી આદર્શ પતિવ્રતા પત્ની મળેલી. એ પણ એવી જ ધાર્મિક, પવિત્ર ને ઈશ્વરપ્રેમી પ્રકૃતિની હોવાથી એમનો ગૃહસ્થાશ્રમ એક આદર્શ ગૃહસ્થાશ્રમ થઈ રહેલો.

એકનાથ પૈઠણ ગામમાં રહેતા ને પોતાનો મોટા ભાગનો વખત ઈશ્વર સ્મરણમાં પસાર કરતા.

પરંતુ કેટલાક એમના પર અકારણ ઈર્ષા રાખતા. એમણે શાંતિની મૂર્તિ મનાતા એકનાથને ગુસ્સે કરવાનો નિર્ણય કર્યો અને એમને માટે એક બ્રાહ્મણને તૈયાર કર્યો.

બ્રાહ્મણ સો રૂપિયા પુરસ્કાર મળવાના લોભથી એકનાથને ગુસ્સે કરવા તૈયાર થયો.

એક દિવસ વહેલી સવારે એ એકનાથના ઘેર આવ્યો અને એકનાથ એમના એકાંત પૂજાખંડમાં બેઠેલા ત્યાં જઈને એમની તદ્દન પાસે એમને અડીને બેસી ગયો.

એ ઘટના એકનાથને ગુસ્સે કરવા પૂરતી હતી. તો પણ એકનાથ પર એની કોઈ પણ પ્રકારની પ્રતિકૂળ અસર ના થઈ અને એ શાંત જ રહ્યા. એ જોઈ બ્રાહ્મણને નવાઈ લાગી.

એકનાથે ગુસ્સે થવાને બદલે એને બેસવા માટે આસન આપ્યું. એટલે તો એ હેબતાઈ જ ગયો.

છતાં પણ એણે એકનાથને ગુસ્સે કરવાનો સંકલ્પ તો ના જ મૂક્યો.

જમવાનો વખત થયો ત્યારે એકનાથે એને પોતાની બાજુમાં બેસાડ્યો.

એ વખતે બ્રાહ્મણને થયું કે અત્યારે એક અથવા બીજી રીતે જો ગિરિજાબાઈનું અપમાન કરવામાં આવે તો એકનાથને જરૂર ગુસ્સે કરી શકાય. એવો વિચાર કરીને ગિરિજાબાઈ જ્યારે પીરસવા માટે નીચા નમ્યા ત્યારે બ્રાહ્મણ એમની પીઠ પર બેસી ગયો.

એ જોઈને એકનાથે ગિરિજાબાઈ ને શાંતિથી કહ્યું: 'જોજે બ્રાહ્મણ પડે નહિ !'

ગિરિજાબાઈએ એવી જ શાંતિથી જવાબ આપ્યો, 'નહિ પડે. તમે તેની ચિંતા ના કરતા.' અને એ પછી પોતાના નાના છોકરાને યાદ કરીને કહ્યું, 'એ રમતાં રમતાં કેટલીકવાર આવી જ રીતે મારી પીઠ પર ચડી જાય છે એટલે હું એથી ટેવાયેલી છું. આ બ્રાહ્મણ પણ એ બાળક જેવો જ છે. એને નહિ પડવા દઉં.'

ગિરિજાબાઈના શબ્દો સાંભળીને બ્રાહ્મણના હોશકોશ ઉડી ગયા. એ શરમાઈ ગયો. એને પોતાની જાત પર ધિક્કાર છૂટ્યો. એની પીડા અને પશ્ચાતાપનો પાર ના રહ્યો. નીચે ઉતરીને એણે એકનાથ તથા ગિરિજાબાઈના પગમાં પડીને પોતાના અસભ્ય વર્તનને માટે એમની માફી માંગી.

એકનાથે એને માફ કર્યો, ઉપદેશ આપ્યો અને સાચો રસ્તો બતાવ્યો. પરિણામે એનું જીવનપરિવર્તન થયું અને એ એકનાથનો સદાનો શિષ્ય બની ગયો.

એકનાથ અને ગિરિજાબાઈનો અક્રોધ એને કાયમને માટે યાદ રહી ગયો.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

There are only two ways of spreading light - to be the candle or the mirror that reflects it.
- Edith Wharton

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok