Tuesday, October 20, 2020

શૂરવીર સરદાર

વાત ઘણી જૂની છે. આજથી ચારસો વરસથી પણ વધારે પહેલાંની.

ચિનાબ નદીના વિશાળ તટ પર કાબુલની દિશામાંથી આવેલી લગભગ વીસેક હજાર ઘોડેસવારોની સેના ઊભેલી.

નદીના પ્રચંડ વેગવાળા પ્રવાહને પાર કરવાનું કામ અતિશય અઘરું હોવાથી, હતોત્સાહ થયેલા સૈનિકો પાછા ફરવાનો વિચાર કરવા લાગ્યા. જે દિશામાંથી આવેલા તે દિશામાં પાછા જવા તૈયાર થયા.

એ વખતે એમનો સરદાર હિંમતપૂર્વક આગળ આવ્યો. એ બહાદૂર સરદાર સંકટનો સામનો કરવામાં તથા પ્રતિકૂળતાઓમાંથી રસ્તો કાઢવામાં ખાસ રસ લેતો.

એ પોતાના ઘોડા પરથી નીચે ઊતર્યો. એણે એક મોટું દોરડું લઈને એનો એક છેડો ઘોડાના ગળે બાંધ્યો ને બીજો છેડો પોતાની કમર ફરતો વીંટીને એ પ્રબળ વેગવાળા નદીના પ્રવાહમાં કૂદી પડ્યો અને તરતાં તરતાં બોલ્યો, 'ઈન્સાનના બેટાઓ, સાહસવૃત્તિને છોડો નહિ, ઈશ્વરના નામનો આધાર લઈને મારી પાછળ પાછળ ચાલ્યા આવો'.

સરદારની શૂરવીરતા દેખીને સૈનિકોમાં અવનવો ઉત્સાહ ફરી વળ્યો. ઉત્સાહયુક્ત સૈનિકો ઘોડાઓ સાથે નદીમાં કૂદી પડ્યા ને પાર ઉતરી ગયા. પંજાબમાંથી પસાર થતી એ સેના ઈ.સ. ૧૫૨૬માં પાણીપતના યુદ્ધમાં વિજયી થઈ.

એ પછી બરાબર એક વરસે એ સેના પોતાના શૂરવીર સરદાર સાથે ખનવાહના મેદાનમાં ઊભેલી. એની એક ટૂકડી રજપૂતો સાથે લડી, હારી, ને પાછી આવેલી. એના સૈનિકો તદ્દન નિરાશ થઈ ગયેલા. એમના દેશ કાબુલથી આવેલા એક જ્યોતિષીએ જણાવ્યું કે આપણી જીત નહિ થઈ શકે. એ ભવિષ્યવાણી સાંભળીને તો સૈનિકોનો રહ્યો સહ્યો ઉત્સાહ પણ ઓસરી ગયો. એમની હિંમત તૂટી ગઈ. આવા નિષ્ણાત જ્યોતિષીની વાત કાંઈ કદી પણ ખોટી પડે ? સૌએ પોતાના દેશમાં પાછા વળવાનો નિશ્ચય કર્યો.

પરંતુ સરદારે એમને રોકીને કહ્યું, 'બહાદુરો, આ જગતમાં જન્મીને વહેલુંમોડું મરવાનું તો છે જ. ઈશ્વરે આપણને કર્મ કરતાં કરતાં મરવા માટે જ જન્માવ્યા છે. કર્મ કરતાં મરવાથી સ્વર્ગ મળશે.'

'પરંતુ શત્રુની શક્તિ વધારે છે.' સૈનિકો બોલી ઊઠ્યા, 'એકવાર આપણી હાર પણ થઈ ચૂકી છે એમની સંખ્યા પણ મોટી છે.'

'જ્યોતિષીના કહેવા પ્રમાણે આપણી જીત નથી થવાની. ભાગ્ય તદ્દન પ્રતિકૂળ છે. પછી હાથે કરીને શા માટે મરીએ ?'

સરદારે શાંતિ ને સ્વસ્થતાપૂર્વક કહ્યું, 'જ્યોતિષીની ભવિષ્યવાણીની ચિંતા છોડી દો. શત્રુની સંખ્યા મોટી હોય અને એમની તાકાત આપણા કરતાં ચઢિયાતી હોય તો પણ શું થયું ? એથી કાંઈ નાહિંમત નથી થવાનું. શત્રુની સંખ્યા તથા શક્તિ કરતાં રણકૌશલ વધારે મહત્વનું છે ને યુદ્ધમાં વિજયનો આધાર મોટે ભાગે એના પર જ રહેતો હોય છે. પ્રયાસ કરવાથી ભાગ્ય પણ અનુકૂળ થઈ રહે છે, યુદ્ધમાંથી પાછીપાની કરીને તમે બીજાને તમારું મોં કેવી રીતે બતાવશો ? મને તો આપણા વિજયની હજુ પણ આશા છે. ઉત્તમ પ્રકારની વ્યૂહરચના અને વીરતાથી આપણે શત્રુનો સફળતાપૂર્વક સામનો કરીશું તો યશસ્વી બનીશું. અને લડતાં લડતાં મરવું પડશે તો પણ શું ? એ મરણ આપણે માટે મંગલમય મહોત્સવરૂપ હશે. એ આપણને સ્વર્ગની પ્રાપ્તિ કરાવશે. અને જો જીવતા રહીશું ને જીતીશું તો હિંદુસ્તાનના તખ્તા પર બેસીશું. માટે નિર્બળતાનો ત્યાગ કરો. જ્યોતિષીના શબ્દો તથા શત્રુની સંખ્યાશક્તિનો વિચાર કરીને ના હિંમત ના બનો. અત્યાર સુધી તમે બહાદુરીના કેટલાંયે કામો કરી બતાવ્યાં છે તો આ કામ કરીને તમારા યશમાં વધારો કરો.'

સરદારના શબ્દોએ સૈનિકોમાં ફરીથી ઉત્સાહ ને જુસ્સો રેડ્યો તથા હિંમતનો સંચાર કર્યો.

રજપૂતોની સંખ્યા ધાર્યા કરતાં ઘણી વધારે હતી. એમની પાસે હાથી, ઘોડા તથા રથ પણ હતા. વીરતા પણ હતી પરંતુ પેલા સરદાર અને એના સૈનિકો જેવો તરવરાટ અને જુસ્સો નહોતો. એટલે પરિણામ ધાર્યા પ્રમાણે જ આવ્યું. ખનવાહમાં થયેલા ઈ.સ. ૧૫૨૭ના ઘોર સંગ્રામમાં રજપૂતોની હાર થઈ.

જ્યોતિષીની દશા એની વાત ખોટી પડવાથી કફોડી બની ગઈ.

એ બહાદુર સરદાર બીજો કોઈ નહિ પરંતુ બાબર હતો. એ વિજયી થયો ને એના વંશના ઈ.સ. ૧૮૧૭ સુધીના દિલ્હીના તખ્તા પરના શાસનનો આરંભ કરતો ગયો.

વસુંધરા વીરભોગ્યા છે એ સાચું છે. પેલા સંસ્કૃત સુભાષિતમાં સાચું જ કહ્યું છે કે નિર્બળ મનના માનવો નસીબ પર આધાર રાખીને બેસી રહે છે ને મજબૂત મનોબળવાળા પુરુષાર્થથી એને અનુકૂળ કરે છે. બાબર એવો જ પુરુષાર્થી હતો. દેશને જુદાં જુદાં બધાં જ ક્ષેત્રોમાં આજે એવા પુરુષાર્થી, ઉત્સાહી, હિંમત ને ધીરજવાળા, પ્રતિકૂળતાઓથી ના ડરનારા, સંપીલા શૂરવીર સરદારો અને સૈનિકોની આવશ્યકતા છે. એવા સરદારો અને સૈનિકો જ દેશની સુરતને બદલી શકે ને હારને જીતમાં પલટાવે.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

You don't have to be great to get started but you have to get started to be great.
- Les Brown

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok