Saturday, October 24, 2020

તુલસીદાસ અને ઔરંગઝેબ

વિદ્યાનું ધામ ગણાતી કાશી નગરીની મુલાકાત કોઈ વાર લીધી છે ? જો લીધી હોય તો ગંગાનો પ્રવાહ ત્યાં કેટલો બધો વિશાળ બની વહ્યા કરે છે તેની ખબર હશે. ગંગાના એ હૃદયમય પ્રવાહને કાંઠે વસેલી એ ગંગાનગરીને વારાણસીને નામે પણ ઓળખવામાં આવે છે.

એ વારાણસી પ્રાચીનકાળમાં પંડિતો, વિદ્વાનો ને સંતપુરુષોના આશ્રયસ્થાન જેવી મનાતી. વિદ્યા અને સાધના બંનેના ભાવિકોએ એ નગરીમાં આવવું પડતું. એકેકને ટપી જાય એવા વિદ્વાનો ને સંતપુરુષો એ નગરીમાં વાસ કરતા. ભારતીય ધર્મ અને સંસ્કૃતિના પ્રતિક જેવી એ કાશી. શાળામાં ભણનાર વિદ્યાર્થીઓથી માંડી મોક્ષની કામનાવાળા શ્રેયાર્થીઓથી શોભતી.

આજે એ નગરીમાં ગંગાના તટ પર જે અસિઘાટ છે, તેની બાજુમાં નાનોસરખો તુલસીઘાટ છે. તે ઘાટ મધ્યયુગના પ્રસિદ્ધ સંત તુલસીદાસના નામથી ઓળખાય છે. તુલસીદાસ જીવનના આખરી વર્ષોમાં ત્યાં રહેતા. એ વયોવૃદ્ધ થઈ ચૂક્યા હોવાથી એક મહાન સંતપુરુષ તરીકે પ્રખ્યાત હતા, છતાં તુલસીઘાટ પર એક નાનકડા શિવમંદિરની પાસે રહેતા.

એ મહાન સંતપુરુષે ભારતીય ધર્મ ને સંસ્કૃતિની રક્ષામાં કેવો મહત્વનો ભાગ ભજવ્યો છે, એ વાતનું સમર્થન કરનારો એક દસ્તાવેજી પુરાવો પણ હમણાં જ મળ્યો છે અને સંશોધકોએ તેને પ્રકાશમાં આણ્યો છે. વાત એવી છે કે હિંદુ-ધર્મનો વિરોધ કરનાર મુસલમાન બાદશાહ ઔરંગઝેબ એ વખતે કાશીમાં આવી હિંદુઓને બળજબરીથી મુસલમાન બનાવતો. ઘણાને એણે મુસલમાન બનાવેલા, ને કેટલાય દેવસ્થાનોનો નાશ કરેલો. મુસલમાન સિવાય બીજા બધાને કાફર માનનારો ઔરંગઝેબ બ્રાહ્મણો, પંડિતો ને સંતપુરુષોનો ઘોર વિરોધી હતો. તેમની તે નિંદા કરતો, હાંસી ઉડાવતો ને કતલ પણ કરતો. તેનું નામ સાંભળી બધા ભયભીત બની જતા. તેને ખબર પડી કે ગંગાકિનારે અસિઘાટ પર પ્રખ્યાત સંત તુલસીદાસ નિવાસ કરે છે. પછી તો કહેવું જ શું ? તે તુલસીદાસની પાસે આવ્યો.

તુલસીદાસ ત્યારે શિવમંદિર બહાર ઓટલા પર બેઠા હતા. એ હાથમાં માળા લઈ જપ કરી રહ્યા હતા. ઔરંગઝેબે એમને જોતાં જ કહ્યું, 'એ કાફિર ! હાથમેં માલા લેકર ક્યા કરતા હૈ ?' તુલસીદાસે એને શાંતિથી કહ્યું, 'ભગવાન શંકર કા જપ કરતા હું.'

ઔરંગઝેબ હસ્યો, 'અરે કાફિર ! ભગવાન શંકર હૈ કહાં ? યહ તો પત્થર હૈ. પત્થરકા જપ ઓર પત્થરકી પૂજા કરતા હૈ ? એક અલ્લાકે અલાવા દુનિયામેં ઓર કુછ નહિ. ભગવાન શંકરકો માનતા હૈ તો ઉસકા ચમત્કાર બતા દે, નહિ તો ઈસ્લામકા સ્વીકાર કર.'

એમ કહી એ પાસે આવેલા શિવમંદિરના પોઠિયા પાસે ગયો, ને કહેવા માંડ્યો, 'ઈસ બેલકો ક્યોં રખ્ખા હૈ ? યહ ક્યા ઘાસ યા દાના ખા સકતા હૈ ?'

'ઈશ્વરકી ઈચ્છા હો તો સબકુછ ખા સકતા હૈ, નહિ તો કુછ ભી નહિં.' તુલસીદાસે કહ્યું.

'અરે મૂર્ખ ! ફિઝુલ બહસ કરતા હૈ ? ભગવાનકો માનતા હૈ તો ઉસે કહ દે કિ ઈસ બેલકો ઘાસ ખિલા દે, નહિં તો મંદિરકો તોડફોડ તેરે મસ્તકકો કાટ ડાલુંગા.'

ઓરંગઝેબના વચન સાંભળી ત્યાં ભેગી થયેલી માનવમેદની કંપી ઉઠી. બધાને ચિંતા થઈ. સંત તુલસીદાસનું હવે શું થશે ? ઔરંગઝેબ તો ભારે ધર્માંધ છે !

પછી તો ઔરંગઝેબે ઘાસનો પૂળો મંગાવી પોઠિયા સામે મૂક્યો. પરંતુ પ્રભુની કૃપા જુઓ ! પોતાના ભક્ત તુલસીદાસની રક્ષા કરવા ભગવાને ચમત્કાર કર્યો, ને પોઠિયાએ મોં ઉઘાડી, જીભ લાંબી કરી પૂળો ખાવા માંડ્યો. જમા થયેલી માનવમેદની તો સ્તબ્ધ થઈ ગઈ. ખુદ ઔરંગઝેબ પણ નવાઈ પામી એ બધું જોઈ રહ્યો. જે વસ્તુ નજરે દેખાતી હતી તેની એ ના કેવી રીતે કહી શકે ? આભા બની જઈ એણે તુલસીદાસના ચરણમાં પ્રણામ કર્યા, ત્યારે જનમેદની પોકારી ઊઠી, 'ભગવાન શંકરકી જે, સંત શિરોમણી તુલસીદાસની જે !'

એ પ્રસંગ પછી ઔરંગઝેબ તુલસીદાસનો ભક્ત બન્યો, ને મંદિરના ધ્વંસની પ્રવૃત્તિ બંધ કરી કાશી છોડી ચાલી નીકળ્યો.

ભારતીય સંસ્કૃતિની રક્ષા કરનારા એવા કેટલાય પ્રતાપી સંતો મધ્યયુગમાં પેદા થયા'તા. તેમાંના તુલસીદાસ એક હતા. એમના વગર ભારતીય ધર્મ ને સંસ્કૃતિ ભાગ્યે જ જીવંત રહ્યા હોત. કોઈવાર કાશી જાવ, તો ભારતીય સંસ્કૃતિના એ મહાન જ્યોર્તિધર તુલસીદાસની સ્મૃતિમાં રચાયેલો તુલસીઘાટ જરૂર જોજો. અને મહાન સંતને અંજલિ આપજો.

- શ્રી યોગેશ્વરજી 

Comments  

0 #2 Manvant Patel 2011-03-11 02:05
અદભુત વાર્તા. વાંચીને ખુબ આનંદ થયો. આભાર!
+1 #1 Krunal Panchal 2011-03-05 12:27
This story should spread across all indian and should be part of text books in indian school

Today's Quote

Wise people talk because they have something to say; fools, because they have to say something.
- Plato

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok