Tuesday, October 20, 2020

મીરાંનો સંદેશ

રાજસ્થાનની જ નહિ, ભારતની જ નહિ, સંસારની સર્વોત્તમ ભક્તિમતી સ્ત્રીઓમાં મીરાંબાઈનું નામ મોખરે છે. એનું નામ અને કામ વરસો વહી ગયાં તો પણ આજે પણ અમર છે અને અમર રહેશે.

કહે છે કે 'મેરે તો ગીરધર ગોપાલ દૂસરો ન કોઈ'નું ગીત ગાનારી મીરાંને રાજભવનમાં વિરોધી વાતાવરણમાં રહીને ભક્તિમાર્ગે આગળ વધવાનું અઘરૂં લાગ્યું. ત્યારે એણે એ જમાનાના સુપ્રસિદ્ધ સ્વનામધન્ય યશસ્વી સંતશીરોમણી તુલસીદાસને પોતાની પરિસ્થિતિનો ખ્યાલ આપ્યો અને એમનું માર્ગદર્શન માગ્યું.

તુલસીદાસે એના મનને માપી લઈને એને સંક્ષેપમાં છતાં સચોટ ને સાચી સલાહ આપી કે જેને રામ તથા સીતા પ્રત્યે પ્રેમ નથી તેનો હજારો શત્રુની પેઠે ત્યાગ કરી દેવો તે જ બરાબર છે. પ્રહલાદે પિતાની વાત ન માની, વિભીષણે ભાઈનો ને ભરતે માતાનો ત્યાગ કર્યો, બલિએ ગુરુ શુક્રાચાર્યની વાત ન માની, ને વ્રજની સુંદરીઓએ પોતાના પતિની ઉપરવટ થઈને પણ ભગવાન કૃષ્ણનું શરણ લીધું, તો આખરે એમને આનંદ તેમ જ કલ્યાણની પ્રાપ્તિ થઈ.

આ રહ્યા સંત તુલસીદાસની એ સલાહના શરૂઆતના શબ્દો :

'જાકે પ્રિય ન રામવૈદેહી, સો તજીએ કોટિ વૈરી સમ,

યદ્યપિ પરમ સનેહી, જાકે પ્રિય ન રામવૈદેહી.'

ભક્તકવિ નરસિંહ મહેતાએ એ જ વાતને બીજી રીતે રજુ કરતાં કહ્યું કે,

નારાયણનું નામ જ લેતાં વારે તેને તજીયે રે,

મનસા વાચા કર્મણા કરી વિઠ્ઠલવરને ભજીએ રે.'

સંત તુલસીદાસની એ સલાહ મીરાંબાઈને સાચી લાગી, ગમી ગઈ, અને પરિણામે એણે રાજભવનનો તથા ચિતોડનો ત્યાગ કરવાનો સંકલ્પ કરી લીધો. એ સંકલ્પ એના પદમાં પ્રતિબિંબિત થયો છે.

'સાંઢવાળા સાંઢ શણગારજે રે મારે જાવું સો સો રે કોસ,

રાણાજીના દેશમાં મારે જલ રે પીવાનો દોષ.'

કૃષ્ણચરણાનુરાગી, કૃષ્ણપ્રેમી મીરાં રાણાજીના દેશને છોડીને વૃંદાવનની પ્રેમ નીતરતી પવિત્ર ભૂમિમાં પ્રવેશી.

પરંતુ એ ભૂમિમાં રહેવું ક્યાં ?

કહે છે કે વૃંદાવનમાં એ વખતે જીવ ગોસ્વામી વાસ કરતા. ભક્તોમાં એમની પ્રસિદ્ધિ હતી.

મીરાંબાઈએ એમના આશ્રમમાં રહેવા માટે એમની અનુમતી મંગાવી.

જીવ ગોસ્વામીએ જણાવ્યું કે હું સ્ત્રીનું મોઢું નથી જોતો, એટલે મારી મુલાકાત તથા આશ્રમમાં રહેવાની અનુજ્ઞા નહિ આપી શકું.

મીરાંને એ ઉત્તર અત્યંત આશ્ચર્યકારક લાગ્યો. એણે જણાવ્યું, 'મારા મનમાં તો એવું હતું કે વૃંદાવનમાં એક જ પુરુષ હશે, અને એ પુરુષ બીજા કોઈ નહિ, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ જ હશે. બીજા પુરુષો તો વૃંદાવનમાં આવતાંવેંત જ ગોપીભાવ ધારણ કરતાં હશે. પોતાને ગોપી માનતા હશે, ને ગોપીની પેઠે પ્રેમભક્તિમાં ડૂબીને ભગવાન કૃષ્ણના દર્શન માટે કામના કરતા હશે. પરંતુ મને જુદી જ જાતનો અનુભવ થઈ રહ્યો છે. વૃંદાવનમાં વરસો સુધી વસવા છતાં પણ તમે હજુ પોતાને પુરુષ માનો છો. તમારા એ જ્ઞાનથી મને ખરેખર આશ્ચર્ય થાય છે.'

મીરાંએ એ ભાવનું દિગ્દર્શન કરવા ગાયું છે :

'આજ લગી હું એમ જાણતી વ્રજમાં

કૃષ્ણ પુરુષ છે એક,

વૃંદાવન વસી હજી પુરુષ રહ્યા છો

તેમાં ધન્ય તમારો વિવેક.'

મીરાંનો પ્રેમભક્તિથી ભરેલો માર્મિક સંદેશ સાંભળીને જીવ ગોસ્વામીની આંખ ઉઘડી ગઈ. એ સંદેશમાં સમાયેલો સાર એ સમજી શક્યા.

એમને થયું કે મીરાંબાઈ કોઈ સાધારણ સ્ત્રી નથી લાગતી. એના સંસ્કાર ઘણા ઊંચા છે.

એમનું મન પરિવર્તન થયું. એ આશ્રમમાંથી બહાર આવ્યા, ઝડપથી ચાલ્યા, ને મીરાંબાઈના ચરણમાં પડ્યા.

મીરાં પાછી ખસી ગઈ ને બોલી, 'અરે આ શું કરો છો ? તમે તો સ્ત્રીનું મોઢું પણ નથી જોતા !'

'એ મારી ભૂલ હતી.' ગોસ્વામીએ કહ્યું. 'એ ભૂલને તેં સુધારી. તારે માટે આશ્રમનાં દ્વાર ઉઘાડાં છે. તું એમાં ખુશીથી રહી શકે છે.'

મીરાંબાઈ ગોસ્વામી પાસે રહેવા માંડી.

માણસ ચર્મચક્ષુથી જ જગતને જોયાં કરે અને જ્યાં સુધી એનાં દિલચક્ષુ ઉઘડે નહિ ત્યાં સુધી એની સંકુચિતતા નથી મટતી, એના ભેદભાવ નથી ટળતા, એની અંદર સાચી ભક્તિ નથી જાગતી, અને એનો ઉદ્ધાર પણ નથી થતો. વેશ કે દેશને બદલીને બેસી નથી રહેવાનું, પણ મનની દશા બદલવાની છે.

વૃંદાવનમાં આજે પણ કેટલાય રહે છે, પરંતુ ગોપીભાવથી કેવળ પરમાત્માને પુરુષ સમજી, એમની પ્રસન્નતા માટે કેટલા રહે છે ? અને એકલા વૃંદાવનની જ વાત શા માટે ? આ વિશ્વ આખું વૃંદાવન છે એવું માનીને એમાં ગોપીભાવથી પરમાત્માની પ્રસન્નતા કે કૃપા માટે જ રહેવાનું છે. તો જ એ રહેવાનું સફળ થાય. મીરાંનો એ સંદેશ સૌને માટે છે.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

To observe without evaluating is the highest form of intelligence.
- J. Krishnamurti

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok