Sun, Jan 24, 2021

જ્ઞાન અને વ્યવહાર

રામકૃષ્ણ પરમહંસદેવના યોગમાર્ગના મહાન ગુરુ તોતાપુરી.

એ મહાન યોગી પુરુષના જીવનની વાત છે.

રામકૃષ્ણ પરમહંસદેવ પ્રત્યેના પ્રેમભાવથી પ્રેરાઈને એ લાંબા વખત લગી કલકત્તાના સુપ્રસિદ્ધ ગંગા તટવર્તી સ્થાન દક્ષિણેશ્વરમાં રહ્યા. તે દરમિયાન પંચવટીમાં વૃક્ષની નીચે જ બેસી રહેતા. તે ત્રણે કાળમાં એક પરબ્રહ્મ વિના બીજા કશાના અસ્તિત્વને માનતા નહિ. ને કહેતા કે જગત થયું જ નથી તથા છે પણ નહિ, એનું દર્શન કેવળ ભ્રાંતિ અથવા અજ્ઞાનનું જ પરિણામ છે. એ તદ્દન નગ્ન રહેતા ને પોતાના આસન આગળ ધુણી રાખતા.

યોગની ઊંચામાં ઊંચી અવસ્થાએ પહોંચેલા હોવા છતાં એ વહેલી સવારે રોજ ધ્યાનમાં બેસતા તે જોઈને રામકૃષ્ણદેવે એકવાર એમને પૂછ્યું કે, આવી ઉચ્ચ દશાએ પહોંચ્યા પછી પણ રોજ નિયમિત રીતે ધ્યાનમાં બેસવાની જરૂર રહે છે ?

તોતાપુરી એ વખતે ધ્યાનમાંથી ઊઠીને પિત્તળનો લોટો ઘસી રહેલા. એમણે ઉત્તર આપતા કહ્યું, 'આ લોટાને રોજ રોજ ના ઘસીએ તો તે મેલો થઈ જાય, તેવી રીતે મનને પણ રોજ સાધનાપરાયણ રાખવું જોઈએ, નહિ તો તે મલિન બની જાય છે.'

'પરંતુ લોટો પિત્તળને બદલે સોનાનો હોય તો ? તો તેને રોજરોજ ઘસવો પડે ?'

રામકૃષ્ણદેવનો પ્રશ્ન સાંભળીને તોતાપુરી નિરૂત્તર રહ્યા.

પરંતુ તોતાપુરીનું મન હજુ સોનાના લોટા જેવું વિશુદ્ધ નહોતું થયું. એની પ્રતીતિ કરાવતો એક પ્રસંગ થોડા વખતમાં જ ઊભો થયો.

રામકૃષ્ણદેવ તોતાપુરી પાસે બેઠેલા. તોતાપુરી સવારના શાંત વાતાવરણમાં કહેતા હતા કે જે કાંઈ દેખાય છે કે અનુભવાય છે તે બ્રહ્મ જ છે, બ્રહ્મ વિના બીજું કાંઈ છે જ નહિ.

તે સાંભળીને પરમહંસદેવે પૂછ્યું કે બધું બ્રહ્મ છે ? તો તોતાપુરી બોલ્યા કે મારા અનુભવના આધાર પર કહું છું કે બધું જ બ્રહ્મ છે.

એટલામાં તો કોઈક હલકી જાતિના માણસે આવીને તોતાપુરીની ધૂણીમાંથી અંગારા લઈને પોતાની ચલમ ભરવા માંડી.

વાત ઘણી સાધારણ હતી પરંતુ એ જોઈને તોતાપુરી રોષે ભરાઈ બોલ્યા, 'અરે મૂર્ખ, તેં મારી ધૂણી અભડાવી નાખી ? હવે તને એનો દંડ આપ્યા વિના નહિ છોડું.'

પેલો માણસ ભયનો માર્યો નાસવા માંડ્યો.

તોતાપુરી હાથમાં ચિપિયો લઈને, રૌદ્ર રૂપ ધારણ કરીને એની પાછળ પડ્યા.

એ જોઈને રામકૃષ્ણદેવ બોલ્યા, 'અરે, આ શું થયું ? હમણાં તો તમે કહી રહેલા કે જે દેખાય કે અનુભવાય છે તે બ્રહ્મ જ છે. અને હવે આ માણસની પાછળ ક્રોધે ભરાઈને દોડવા ક્યાં લાગ્યા ? બધું જ બ્રહ્મ છે તો શું બ્રહ્મ બ્રહ્મની પાછળ દોડી રહ્યો છે ?

એ સાંભળીને તોતાપુરીએ સંકોચમાં પડીને દોડવાનું બંધ કર્યુ.

ચિપિયો નીચે મૂકીને, ધૂણી પાસે બેસીને એ કહેવા માંડ્યા, 'તેં ઠીક કહ્યું. મારે આટલો બધો ક્રોધ ના કરવો જોઈએ. શાસ્ત્રે કહ્યું છે કે મન તથા ઈન્દ્રિયો બહુ બળવાન છે. તે વિદ્વાનોને પણ પોતાના પ્રવાહમાં તાણી જાય છે, તે સાચું જ છે. મારામાં હજુ એટલી કચાશ છે.'

તોતાપુરી નિખાલસ મનના હોવાથી એટલું સ્વીકારી શક્યા.

એ જોઈને રામકૃષ્ણદેવનો એમને માટેનો પ્રેમભાવ વધી પડ્યો.

ભૂલ તો નાનીમોટી, જાણ્યે-અજાણ્યે, લગભગ સૌની થાય છે પરંતુ ભૂલને ભૂલ તરીકે સ્વીકારી, સમજી, સુધારી, તેનું પુનરાવર્તન ના થાય તે માટે જાગ્રત રહેનારા કેટલા છે ? એવા જાગ્રત પુરુષો જ ક્રમિક વિકાસ કરીને મહાપુરુષો બની શકે છે.

એક બીજી વાત પણ સમજવા જેવી છે. જ્ઞાન ગમે તેટલું ભારે હોય પણ બુદ્ધિમાં જ સમાયેલું હોય ને એથી આગળ વધીને આચારમાં ના ઉતાર્યું હોય ત્યાં સુધી જીવનમાં સુખશાંતિ નથી આપી શકતું અને સંવાદ સ્થાપીને જીવનને ધન્ય પણ નથી કરી શકતું. જ્ઞાન જીવનના નાનામોટા પ્રત્યેક વ્યવહારમાં વણાઈ જાય એ અત્યંત આવશ્યક છે. મન તથા ઈન્દ્રિયોના વેગોમાં વિદ્વાનો પણ તણાઈ જાય છે એ સાચું હોવા છતાં એ વેગોને શાંત કરી શકાય છે એ પણ એટલું જ સાચું છે. એવી રીતે તન, મન તથા ઈન્દ્રિયોના વેગો પર વિજય મેળવનાર જ સુખી ને મહાન બની શકે છે એ સંદેશ ગીતામાં પણ સ્પષ્ટ કરવામાં આવ્યો છે. 'હે અર્જુન, આ જીવનમાં જે કામ ને ક્રોધના પરિણામે પેદા થતા વેગોને સહેવાની શક્તિ કેળવે છે તે જ યોગી થાય છે ને સુખી બને છે.'

તોતાપુરીના પ્રસંગમાંથી એ સાર ગ્રહણ કરવાનો છે. ગ્રહણ કરીને બેસી રહેવાનું નથી, પણ એને જીવનમાં ઉતારવાનો છે.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

You can't cross the sea merely by standing and staring at the water.
- Rabindranath Tagore

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.