Sun, Jan 24, 2021

નરેન્દ્રની સંશયનિવૃત્તિ

એ વખતે સુપ્રસિદ્ધ સ્વામી વિવેકાનંદ હજુ સ્વામી વિવેકાનંદ નહોતા થયા અને સુપ્રસિદ્ધ તો શું પરંતુ પ્રસિદ્ધ નહોતા બન્યા. એ વખતની વાત છે.

એ વખતે એમનું નામ નરેન્દ્ર હતું.

એમને આધ્યાત્મિકતા અને આધ્યાત્મિક જીવનવિકાસની અભિરુચિ હોવાથી એ દક્ષિણેશ્વરના સુંદર શાંત સ્થળમાં રહેતા સંત શ્રી રામકૃષ્ણ પરમહંસદેવ પાસે વારંવાર જતા.

એમના સંસર્ગમાં એમને ઊંડી શાંતિ મળતી.

રામકૃષ્ણદેવ સ્ત્રી માત્રમાં જગદંબાનું દર્શન કરતાં અને કામવાસનાથી સંપૂર્ણપણે મુક્ત હતા. પોતાની પત્ની શારદાદેવીની અંદર પણ એમણે સૃષ્ટિની એ પરાત્પરા શક્તિનું દર્શન કરેલું ને એ જ પવિત્ર ભાવથી પ્રેરાઈને એની વિધિપૂર્વક પૂજા કરેલી.

એ બધી હકીકત સામાન્ય મનુષ્યોને માટે સમજવી જરા મુશ્કેલ હતી. વિષયરસથી ભરેલા મોહાંધ મનુષ્યો એવી વાતોને ટાઢા પહોરના ગપ્પામાં અથવા અતિશયોક્તિમાં ખપાવે એવી શક્યતા વધારે હતી. એ તો ખરું, પરંતુ વિચારકો ને વિદ્વાનો પણ એવી વાતો સાંભળીને એમની સચ્ચાઈ વિશે આશંકા વ્યક્ત કરતા.

નરેન્દ્ર અવારનવાર રાતે રામકૃષ્ણદેવના આગ્રહને માન આપીને દક્ષિણેશ્વરમાં સૂઈ રહેતા. એ દિવસે પણ એ સૂઈ રહેલા.

એમને ખબર હતી કે રામકૃષ્ણદેવ રોજ મધરાત પછી ઊઠીને પોતાના ખંડને છોડીને પંચવટી તરફ જાય છે. રામકૃષ્ણદેવ મધરાતની ઊંડી શાંતિમાં પંચવટીની નીચે બેસીને ત્યાંના નીરવ વાતાવરણમાં લાંબા વખત લગી ધ્યાન કરતા ને પછી પાછા ફરતા.

વાત ઘણી સામાન્ય હતી પરંતુ એને યાદ કરવાથી નરેન્દ્રના મનમાં એ દિવસે સંશયનો ફણગો ફૂટ્યો. એ સંશયમાં સહાયક બને એવી એક બીજી હકીકત પણ એની સાથે સંકળાયેલી હતી. રામકૃષ્ણદેવ જે મકાનમાં રહેતા તે મકાનથી પંચવટી જવાના માર્ગમાં વચ્ચે નોબતખાના નામનું મકાન આવતું. તેમાં શારદાદેવી વાસ કરતા. એટલે એ બધી કડીઓને એકઠી કરીને નરેન્દ્રની ફળદ્રુપ કલ્પનાશક્તિને નક્કી કરતાં વાર ન લાગી કે ધ્યાન કરવા જવાના બહાને રામકૃષ્ણદેવ રોજ રાતે પોતાના ઓરડામાંથી બહાર નીકળીને સીધા નોબતખાનામાં એમની પત્ની શારદાદેવીની પાસે જ પહોંચી જાય છે !

એમને થયું કે આજે રાતે રામકૃષ્ણદેવ બહાર જાય ત્યારે એમની એ ચોરીને પકડી પાડું અને બીજાને પણ બતાવી આપું કે મધરાત પછીની એમની શારદાદેવી સાથેની કામસાધના કેવી છે !

મધરાતની રાહ જોતાં એ રામકૃષ્ણદેવના ઓરડામાં પાથરેલી પથારી પર પડી રહ્યા.

મધરાત પછી રામકૃષ્ણદેવ ઊઠીને ઓરડાની બહાર નીકળ્યા એટલે નરેન્દ્રે પણ એમને ખબર ન પડે તેમ થોડીવારે એમની પાછળ પાછળ ચાલવા માંડ્યું.

નોબતખાના આગળ આવીને એ એની બહાર પ્રતિક્ષા કરતાં બેસી રહ્યા.

એમણે વિચાર્યું કે રામકૃષ્ણદેવ હમણાં બહાર આવશે. કેટલી સરસ રીતે પકડાઈ જશે. એમને પોતાને તો ખ્યાલ પણ ક્યાંથી હોય, હું એમની પાછળ પાછળ આવી રીતે એમને સપડાવવા માટે નીકળ્યો છું !

નરેન્દ્રના મનમાં એવા વિચારો ચાલી રહેલા ત્યાં તો એકાદ કલાક પછી ચંદ્રના ઝાંખા પ્રકાશમાં રામકૃષ્ણદેવ દૂરથી આવતા દેખાયા. એ પંચવટીની દિશામાંથી જ આવી રહેલા.

નરેન્દ્રની નવાઈ વચ્ચે એ જોતજોતામાં એમની પાસે આવી પહોંચ્યા. ને બોલ્યા, 'નરેન્દ્ર, તું અત્યારે અહીં કેમ ઊભો રહ્યો છે ?'

નરેન્દ્ર શું બોલે  ? એ મૌન જ રહ્યા !

પરંતુ રામકૃષ્ણદેવ અંતર્યામી હોય એમ તરત જ કહેવા માંડ્યા, 'તારા મનમાં મારા માટે સંશય પેદા થયો છે ને એથી પ્રેરાઈને તું મારી પરીક્ષા કરવા આવ્યો છે તેની મને ખબર છે. હરકત નહિ. પણ હવે તો તને ખાતરી થઈને કે હું મધરાત પછી ઊઠીને નોબતખાનામાં શારદાદેવી પાસે નથી જતો પરંતુ પંચવટી નીચે ધ્યાન કરવા જઉં છું ?'

નરેન્દ્રે રામકૃષ્ણદેવને પ્રણામ કરીને પોતાનો અફસોસ જાહેર કર્યો.

રામકૃષ્ણદેવે કહ્યું, 'તારી વૃત્તિની હું કદર કરું છું. એ વૃત્તિ મને ગમે છે. માટે જ હું તારા પ્રત્યે આટલો બધો પ્રેમ રાખું છું. કોઈ પણ વાતને ચકાસ્યા વિના કે પૂરેપૂરી અનુભવ્યા વગર સ્વીકારવી નહિ એ ભાવનાની હું પ્રશંસા કરું છું.'

નરેન્દ્રની સંશયવૃત્તિની નિવૃત્તિ થઈ.

રામકૃષ્ણદેવ જેવા વિવેકી જાગ્રત અને ઉદાર મનના મહાપુરુષ અથવા ગુરુ બીજા કોણ મળે ? અને નરેન્દ્ર જેવા શિષ્યો પણ કેટલા ?

સંશયની વૃત્તિ કેવળ ટીકા, આલોચના કે નિંદાના આશયથી પ્રેરાઈને જ પેદા થતી ને જીવંત રહેતી હોય ને માણસને વહેમી, ક્ષુદ્ર ને હીન બનાવતી હોય તો તેવી વૃત્તિ ઉપયોગી નથી થઈ શકતી. પરંતુ એથી ઊલટું જો એ વૃત્તિ સહજ હોય, જિજ્ઞાસાથી પ્રેરાયેલી ને સત્યને ઓળખવાની ભાવનાવાળી હોય તો તે મનના સમાધાનમાં તથા જીવનવિકાસમાં મદદરૂપ થઈ પડે છે. પહેલાની સંશયવૃત્તિ અભિશાપરૂપ અને બીજી આશીર્વાદરૂપ ઠરે છે.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

The journey of a thousand miles begins with a single step.
- Chinese proverb

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.