Sun, Jan 24, 2021

તોતાપુરીની કાયાપલટ

શ્રી રામકૃષ્ણ પરમહંસદેવના યોગસાધનાના ગુરુ તોતાપુરી.

નર્મદાના પ્રશાંત તટ પર વરસો સુધી એકાંતિક સાધના કરીને એમણે નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ કરેલી અને ઈશ્વરના નિરાકાર સ્વરૂપનો સાક્ષાત્કાર કરેલો. પરંતુ એમને ઈશ્વરના સાકાર સ્વરૂપમાં તથા ભક્તિમાં શ્રદ્ધા ન હતી. શ્રદ્ધા ન હતી એ તો બરાબર, પરંતુ વધારેમાં અણગમો કે તિરસ્કાર હતો. રામકૃષ્ણદેવ ઈશ્વરનું નામસંકીર્તન કરતાં તાળીઓ પાડતા તે જોઈને એ હસતા ને વ્યંગમાં કહેતા કે તાળીઓ પાડીને ઝાડ પરથી પંખીઓ ઉડાડો છો કે શું ? રામકૃષ્ણ કહેતા કે પંખીઓને નથી ઉડાડતો પરંતુ ઈશ્વરના ગુણાનુવાદ ગાઉં છું. તો પણ તોતાપુરી તો વિનોદ કરતાં હસતા જ રહેતા.

રામકૃષ્ણદેવનો ભક્તિભાવ પણ કેવો ? જગદંબાના ગુણાનુવાદને પરિણામે એમની આંખમાંથી પ્રેમનાં આંસુ વહી જાય, એમને રોમાંચ થાય, અને એમનું મન શરીર અને ઈન્દ્રિયોના સ્થૂલ પ્રદેશમાંથી ઉપર ઊઠીને સમાધિના સૂક્ષ્મ પ્રદેશમાં પ્રવેશ કરી જાય. એ દ્રષ્ટિએ જોતાં એમનું જીવન એકદમ વિલક્ષણ હતું. એમની એ વિલક્ષણતાને તોતાપુરી ના સમજી શકતા. છતાં પણ એમના બીજા અસાધારણ ગુણોને લીધે એ એમની ઉપર પ્રેમ રાખતા.

ભક્તિભાવમાં ના માનવાને લીધે તો તોતાપુરી લાંબા વખત લગી દક્ષિણેશ્વરમાં રહેવા છતાં રામકૃષ્ણ જેમને ઈષ્ટ માનતા તે દેવીના મંદિરમાં દર્શન કરવા માટે ગયા જ ન હતા.

રામકૃષ્ણદેવના પવિત્ર પ્રેમથી પ્રેરાઈને તોતાપુરી દક્ષિણેશ્વરના સ્થાનમાં છ મહિના જેટલો લાંબો વખત રહ્યા તે દરમિયાન એક નોંધપાત્ર બનાવ બન્યો.

કલકત્તાનું પાણી માફક ના આવવાથી કે કોઈક બીજા કારણથી એમને શરીરે ભયંકર ગરમી ફાટી નીકળી.

ઉપચાર કરવામાં એ માનતા જ નહિ, અને બીજી રીતે એમની ગરમી ના મટી પણ વધતી જ ગઈ, એટલે આખરે એ કંટાળ્યા અને શરીરનો ત્યાગ કરવા માટે તૈયાર થયા.

એક દિવસ એમણે નક્કી કર્યું કે આજે રાતે મંદિરમાં બધાં સૂઈ જશે ત્યારે, કોઈને ખબર નહિ પડે તેવી રીતે બાજુમાં વહેતી ગંગામાં ડૂબીને મારા શરીરને શાંત કરી દઈશ. એ સિવાય બીજો કોઈ રસ્તો મને નથી દેખાતો.

એ વાતની જરા જેટલીયે ગંધ રામકૃષ્ણદેવને ના આવે એનું એમણે ધ્યાન રાખ્યું.

મધરાતને વખતે સમસ્ત સૃષ્ટિ શાંત થઈ ગઈ ત્યારે, તોતાપુરી પોતાના પંચવટીના વૃક્ષ નીચેના એકાંત આસન પરથી ઊભા થયા, કોઈ પોતાને જોતું તો નથી ને એની ખાતરી કરી લેવા એમણે આજુબાજુ નજર નાખી, અને ગંગાના ઘાટ તરફ પ્રયાણ કર્યું.

ઘાટ પર આવીને એમણે ગંગાના પાણીમાં પ્રવેશ કર્યો અને આગળ વધ્યા. પરંતુ... એમના આશ્ચર્યનો પાર ના રહ્યો.

જે ગંગા રોજ પ્રબળ વેગથી વહી જતી તે ગંગામાં આજે એમને ડૂબાડવા જેટલું પાણી જ ના લાગ્યું. એ પાણી ઘૂંટણ કરતાં ઉપર ચઢતું જ નથી. એ પાણી ગયું ક્યાં ?

એ વધારે આગળ વધ્યા પરંતુ પાણીની સપાટી સહેજ પણ ના વધી.

છેવટે નિરાશ થઈને, શરીરત્યાગનો વિચાર પડતો મૂકીને, કોઈ પોતાને જોઈ જાય તે પહેલાં જ પોતાના આસન પર પાછા ફરવાની ઈચ્છા સાથે એ ઘાટ પરથી પાછા ફર્યા.

પરંતુ વિધિનું વિધાન જુદું જ હતું. એ ઘાટ પરથી પાછા ફરતા'તા ત્યાં જ માર્ગમાં એમને રામકૃષ્ણદેવનો મેળાપ થયો.

એમને આકસ્મિક રીતે આવેલા જોઈને એમને ખૂબ જ સંકોચ થયો.

રામકૃષ્ણદેવે એમને સંકોચરહિત સ્વરે પૂછ્યું, 'ગુરુદેવ, અત્યારે મધરાતને વખતે આમ ક્યાંથી  ?'

તોતાપુરી નિરુત્તર રહ્યા એટલે રામકૃષ્ણદેવે કહ્યું, 'જગદંબાની કૃપાથી હું જાણું છું કે તમે ગંગામાં ડૂબવા ગયેલા. મારી 'મા'ને તમે માનતા નથી પરંતુ એણે જ તમને બચાવ્યા છે. તમે એને પગે તો લાગો.'

એમના શબ્દોની તોતાપુરી પર અસાધારણ અસર થઈ. એ દેવીના મંદિરમાં જવા માટે પહેલી જ વખત તૈયાર થયા.

મંદિરમાં પ્રવેશીને જોયું તો દેવી સામે જ ઊભી હતી. એણે કહ્યું, 'તોતાપુરી, તું મને માનતો નથી પરંતુ હું છું. તને આજે ગંગામાં ડૂબતો મેં જ બચાવ્યો છે. તને અજ્ઞાન તથા સંકુચિતતામાંથી મુક્ત કરવા માટે જ મેં એ પ્રસંગ યોજેલો. મારા અનુગ્રહ અથવા આશીર્વાદથી તારી બધીય ગરમી હવે મટી જશે, અને તું પણ હવે થોડા જ વખતમાં આ સ્થળમાંથી વિદાય થજે.'

તોતાપુરી દેવીના ચરણે પડ્યા. એ જ વખતે દેવી અદૃશ્ય થઈ.

શારીરિક તથા માનસિક બંને રીતે તોતાપુરીની કાયાપલટ થઈ ગઈ. 'સાકાર અને નિરાકાર બંને એક જ સિક્કાનાં બે પાસાં જેવાં છે. બંને એકમેક સાથે જોડાયેલાં છે.' રામકૃષ્ણદેવના એ વચનોનો મર્મ એ અદ્દભૂત અનુભૂતિથી એમને સારી પેઠે સમજાઈ ગયો. એમને સર્વાંગી જ્ઞાનની પ્રાપ્તિ થઈ.

શરીર તથા મનનું સંપૂર્ણ સ્વાસ્થ્ય મેળવીને છેવટે એ દક્ષિણેશ્વરથી ચાલી નીકળ્યા ત્યારે રામકૃષ્ણદેવના વિયોગના વિચારે ગળગળા બની ગયા. એમની આંખ આભારની અભિવ્યક્તિ કરતી ટપકી પડી. ધન્ય એ ગુરુ ને ધન્ય એ શિષ્ય ! બંને એકમેકના જીવનવિકાસના ગુરુ થયા ને બંને એકમેકના શિષ્ય બન્યા.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

The real voyage of discovery consists not in seeking new landscapes, but in having new eyes.
-Marcel Proust

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.