આંખ મીંચાશે ત્યારે ?

સાધારણ દેખાતી ઘટનાઓમાં પણ કેટલીક વાર અસાધારણ રહસ્ય સમાયેલું હોય છે. અલબત્ત, એ રહસ્યનો તાગ મેળવવાની વૃત્તિ તથા શક્તિ હોવી જોઈએ. હંસની પેઠે જે સૌમાંથી સાર ગ્રહણ કરે છે તેને માટે સમસ્ત સંસાર એક મહાન વિશ્વવિદ્યાલયરૂપ બની જાય છે અને જીવનની પ્રત્યેક પરિસ્થિતિ કે ઘટના ગ્રંથરૂપ. એવા સાર ગ્રહણ કરનારા પુરુષો બહુ વિરલ દેખાય છે એ વાત સાચી છે, પરંતુ એવા પુરુષો પોતાના જીવનને આશીર્વાદરૂપ બનાવી શકે છે, એ પણ એટલું જ સાચું છે.

ૠષિકેશમાં થોડાંક વરસ પહેલાં એવા એક સત્પુરુષ આવી પહોંચ્યા.

એ મુંબઈના નિવાસી હતા, ખૂબ જ શ્રીમંત હતા, તથા સમાજમાં પ્રતિષ્ઠિત પણ હતા.

ગૃહસ્થાશ્રમમાં એમણે લીલાલહેર કરવામાં બાકી નહોતી રાખી.

પહેલેથી જ એ વ્યસની તથા કુમાર્ગગામી હતા.

પરંતુ એક ધન્ય દિવસે એમની આંખ ઊઘડી.

પોતાના આલિશાન મકાનની વિશાળ અગાસીમાં બેઠા બેઠા એકાગ્ર ચિત્તે ચાંદની રાતે એ પોતાના મિત્રોની પ્રશસ્તિ સાંભળી રહ્યા હતા ત્યારે એમનો એક મિત્ર ભર્તુહરિનું વૈરાગ્યશતક લઈને આવી પહોંચ્યો.

વૈરાગ્યશતકનો પેલો પ્રખ્યાત શ્લોક એને અત્યંત પ્રિય હતો. તે એણે વારંવાર અર્થ સમજાવતાં ગાવા માંડ્યો :

'ચેતોહરા યુવતય: સ્વજનોડનુકૂલ

સદબાંધવા પ્રણતિગર્ભમિદં ચ ભૃત્યા:,

ગર્જન્નિ દન્તિનિવહા: તરલા તુરંગા:

સંમિલને નયનયો ર્નહિ કિંચિદસ્તિ.'

ચિત્તનું હરણ કરનારી સુંદર સ્ત્રીઓ છે, અનુકૂળ સગાંસંબંધી તથા ભાઈઓ છે, ખડે પગે આજ્ઞા ઝીલવા સેવકો છે, હાથી તથા ઘોડાઓ છે. એવી રીતે સંક્ષેપમાં કહીએ તો સર્વ પ્રકારની સાંસારિક સુખસાહ્યબી ને સંપત્તિ છે, છતાં પણ એમાં ખરેખર તારું એવું શું છે ? આંખ મીંચાશે એટલે એમાંનું કશું જ નહિ હોય. કશું જ સાથે નહિ આવે.

એવા શબ્દોએ પેલા શ્રીમંત વિલાસી પુરુષના મનમાં ક્રાંતિ કરી. એવા શબ્દો અને ભાવો એમનાથી અજ્ઞાત હતા એવું ન હતું છતાં પણ એ એવી અસરકારક રીતે ને યોગ્ય વખતે બોલાયા હતા કે એમની આંખ ઉઘડી ગઈ.

એના અનુસંધાનમાં જ એ ૠષિકેશ આવેલા-ત્યાંના શાંત એકાંત વાતાવરણનો લાભ લેવા. અલબત્ત, થોડા દિવસને માટે. કેમ કે એમણે બાહ્ય ત્યાગ કર્યો ન હતો તથા કરવા માગતા પણ ન હતા. એ કહેતા કે ઘરનો ત્યાગ કે નામનો ત્યાગ કે વસ્ત્રોનો ત્યાગ શા માટે કરું ? ત્યાગ કરવાનો છે તે તો મનની મલિન વૃત્તિઓનો, વાસનાઓનો, વિચારોનો, કુટેવોનો ને કુકર્મોનો.

એમને થયું કે આટલી બધી સંપત્તિ હોવા છતાં એમાં મારું શું છે ? યુવાનીના મદમાં અને સંપત્તિના નશામાં ભાન ભૂલીને મેં કેટલીય જાતનાં કુકર્મ કર્યા અને અત્યાર સુધીના જીવનને એવી રીતે એળે ગુમાવ્યું. હવે મારે સવેળા ચેતવું જોઈએ ને શેષ રહેલા જીવનનો સદુપયોગ કરવો જોઈએ.

એમણે પવિત્ર જીવન જીવવાનો સંકલ્પ કર્યો.

સંકલ્પ કર્યો એટલું જ નહિ, એ પ્રમાણે ચાલવા પણ માંડ્યું.

ભર્તુહરિના વૈરાગ્યશતકનો પેલો શ્લોક એમનો જીવનશ્લોક બની ગયો. એની છેલ્લી પંક્તિ એમને માટે અત્યંત પ્રેરક થઈ પડી.

એમનું જીવન પલટાઈ ગયું. પવિત્ર ત્યાગથી જ શાંતિ મળે છે ને જીવન ધન્ય બને છે. એટલે હું તો ઘરમાં જ રહીશ, વ્યવહાર કરીશ, ધંધામાં ધ્યાન આપીશ, પરંતુ પ્રામાણિકતાથી ચાલીશ. ને મન બીજા કશામાં નહિ પણ ઈશ્વરમાં જ જોડવાનો પ્રયાસ કરીશ. જેથી આંખ બંધ કરવાનો સમય આવે ત્યારે શાંતિથી બંધ કરી શકું, અને તે પહેલાં બનતાં કલ્યાણકારક કામ પણ કરી શકું.

એમની સમજણ જોઈને મને આનંદ થયો. થાય જ ને ?

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Faith is the bird that feels the light and sings when the dawn is still dark.
- Rabindranath Tagor

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.