Sun, Jan 24, 2021

ઉદાત્ત ભાવના

આપણે ત્યાં ધર્મની વાતો ઘણી થાય છે, અને આપણે આપણને ધાર્મિક કહેવડાવીએ છીએ, છતાં પણ આપણું ચારિત્ર્યનું ધોરણ કથળેલું છે, કથળતું જાય છે, એ આપણી મોટામાં મોટી નબળાઈ છે. એથી ઊલટું અમેરિકામાં આપણે ત્યાં થાય છે તેટલી ધર્મની વાતો નથી થતી, લોકો પોતાને આપણા જેટલા ધાર્મિક કહેવડાવવામાં ગૌરવ પણ નથી ગણતા, છતાં પણ ત્યાંનું ચારિત્ર્યધોરણ આપણા કરતાં ઊંચુ છે એ કાંઈ જેવી તેવી વાત નથી. જાહેરજીવનમાં ઉચ્ચ હોદ્દા ધરાવતા મોટા મોટા માણસો પણ ત્યાં વિશુદ્ધ જીવન વ્યવહારને માટે જે જાતની ચીવટ રાખે છે તે ખરેખર નોંધપાત્ર અને અનુકરણીય છે. આપણા મોટા મનાતા માણસોએ એમાંથી ધડો લેવા જેવો છે.

વાત તાજેતરની જ છે.

કહે છે કે અમેરિકાના પ્રમુખ જોન્સને રામસે ક્લાર્કની અમેરિકાના એટર્ની જનરલ તરીકે પસંદગી કરી. ઓગણચાલીસ વરસના રામસે ક્લાર્કની ખુશાલીનો પાર ન રહ્યો.

એ ખુશાલીને વ્યક્ત કરવા એમણે એમના પિતાજીને ટેલિફોન કર્યો. એ પિતા અમેરિકાની સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ ટોમ સી. ક્લાર્ક હતા. સત્તર વરસથી એ ન્યાયાસનને શોભાવી રહેલા.

પોતાના પુત્રની ઉચ્ચ હોદ્દા પરની પસંદગીના સમાચાર સાંભળીને એ હરખઘેલા થવાને બદલે શાંતિપૂર્વક બોલ્યા, 'તારી નિમણૂંક આનંદાયક છે. એના ઉપલક્ષમાં હું પણ કાંઈક વિચારી રહ્યો છું.'

અમેરિકાની સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ પદ સાથે ત્યાંના એટર્ની જનરલને કશો જ સીધો સંબંધ નથી હોતો. એની સાથે સીધો સંબંધ તો સોલીસીટર જનરલનો હોય છે. છતાં પણ જાહેર જીવનની પ્રણાલિને નિર્મળ રાખવા અને કોઈને ટીકા કરવાનું કશું જ કારણ પૂરું ના પાડવા એ પ્રતિષ્ઠાના પદ પર બેઠેલા પિતાએ જુદો જ વિચાર કરી લીધો.

એમણે પોતાના ઉચ્ચોચ્ચ પદની સમયમર્યાદાને વાર હતી તો પણ રાજીનામાનો નિર્ણય જાહેર કર્યો.

પુત્રની પ્રતિષ્ઠા તથા ઉન્નતિમાં આનંદ માનીને થોડાક વખતમાં જ એમણે નિવૃત્તિ લીધી.

વાત નાની હોવા છતાં એની અંદર સમાયેલો સાર ઘણો મોટો છે.

દેશને સુખી તથા સ્વસ્થ અથવા ઉત્તમ અને પ્રામાણિક વહીવટ પૂરો પાડવાની આવશ્યકતાનો સ્વીકાર તો આપણે બધા જ કરીએ છીએ, એનાં સ્વપ્ન સેવીએ છીએ, પરંતુ એ સ્વપ્ન ક્યારે સાચું ઠરે અથવા સિદ્ધ બની શકે ? જ્યારે પદ અથવા પ્રતિષ્ઠાના આસન પર બેઠેલા અમલદારો, આગેવાનો કે નેતાઓ દેશના હિતનો ખ્યાલ રાખીને દેશના વિશાળ હિતોને માટે પોતાના નાના કે મોટા સ્વાર્થને જતો કરવાનું શીખે અને જીવનને નિર્મળ રાખવાનું વ્રત લે ત્યારે મોટા મનાતા માણસો પોતાના જાહેર જીવનના વ્યવહારને બને તેટલો વિશુદ્ધ રાખતાં શીખે તો બીજા સર્વ સાધારણ માણસો પર પણ એનો પ્રભાવ જરૂર પડે, એમને પણ એમાંથી પ્રેરણા મળે, અને આખા દેશને માટે એ પરંપરા આશીર્વાદરૂપ બને.

દેશના હિતેચ્છુઓ આ વાતને વિચારશે ખરા  ?

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Faith is the bird that feels the light and sings when the dawn is still dark.
- Rabindranath Tagor

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.