તીર્થની તાકાત

ઈ.સ. ૧૯૪૯ની વાત છે.

ત્યારે હું હિમાલયના દેવપ્રયાગ ધામમાંથી નીકળી કાશ્મીરના પ્રખ્યાત તીર્થ અમરનાથનાં દર્શન કરવા ગયેલો. બરફના ઊંચા ઊંચા પર્વતો વચ્ચે વસેલા એ તીર્થનાં દર્શનથી મને એક પ્રકારનો અકથ્ય આનંદ મળ્યો. તીર્થસ્થાનની વાત બાજુએ મૂકાય તો પણ, એ પ્રદેશનું કુદરતી સૌંદર્ય એટલું બધું અસાધારણ ને હૃદયસ્પર્શી છે, કે વાત નહિ. એનું અવલોકન કરી મન મુગ્ધ બની જાય છે.

કાશ્મીર સૃષ્ટિનું સ્વર્ગ શા માટે કહેવાયું હશે, તેની સમજ તેના પરથી સહેલાઈથી પડે છે.

કાશ્મીરનો પ્રવાસ કરી હું કલકત્તા ગયો, અને ત્યાં થોડા દિવસ રહીને જગન્નાથપુરી તરફ ગયો. આ ધામ પણ સુંદર નથી એવું થોડું જ છે ? અલબત્ત હિમાલયની પેઠે ત્યાં હિમાચ્છાદિત કે અસાધારણ પર્વતો નથી, ગંગાજી પણ નથી, છતાં ગંગા તથા બીજી નદીઓ જેમાં પોતાના જલભંડાર ખાલી કરે છે, તે સાગર તેમજ આનંદમય એવી ભૂમિ છે, એની સાથે સંકળાયેલો તથા સુષુપ્ત બની પડી રહેલો એવો ઈતિહાસ છે. એ ઉપરાંત વિશાળ, સ્વચ્છ અને સુંદર મંદિર છે. એને મંદિર કહો કે આધ્યાત્મિક પાવરહાઉસ, બઘું એક જ છે. કારણ એમાંથી કેટલાય સાધકોને પ્રકાશ, પ્રેરણા ને શાંતિ મળ્યાં છે. કેટલાય જીવનપંથના પ્રવાસીએ ત્યાં આવી પોતાના જ્ઞાનતૃષાતુર પ્રાણને પ્રેમ-પરબનાં પિયૂષથી પુલકિત, પ્રસન્ન ને પાવન કર્યો છે. એટલે જ તે મંદિરની ભારતમાંનાં મુખ્ય ચાર મંદિરોમાં ગણતરી થઈ છે.

એનાં દર્શનથી મને આનંદ થયો, અને દિવસો પાણીના રેલાની જેમ સરકવા લાગ્યા. પરંતુ એ જ દિવસોમાં ચિત્તમાં એક ચિંતા પેદા થઈ. વાત એ હતી, કે ત્યારે લગભગ દરેક નવરાત્રીમાં હું પાણી પર રહી વ્રત કરતો. હવે નવરાત્રીના દિવસો પાસે હતા. તે દિવસો મારે ક્યાં પસાર કરવા તેનો નિર્ણય નહોતો થઈ શકતો. ભાદરવો મહિનો ચાલતો હતો એટલે ક્યાં રહેવું તે નક્કી કરવું જોઈએ.

દેવપ્રયાગમાં હું રહેતો તે મકાનમાં રહેવાનું હોત તો કોઈ મુશ્કેલી ન હતી. પરંતુ વરસાદના તોફાનથી મકાનની દશા બગડી ગઈ હતી, એની આજુબાજુના કાચા રસ્તા તૂટી ગયા હતા. તો પછી બીજે ક્યાં રહેવું ? ૠષિકેશ જવું કે પછી ગુજરાત તરફ પ્રયાણ કરવું ? કોઈ વાતનો નિર્ણય થઈ શકતો નહિ. છેવટે મેં એ કામ ભગવાન પર છોડી દીધું. જગન્નાથજીના મંદિરમાં બેસી મેં ખરા દિલથી પ્રાર્થના કરી.

'પ્રભુ ! લોકો તમારા દર્શન માટે દૂર દૂરથી આવે છે. તેવી રીતે હું પણ પ્રેમભક્તિથી પ્રેરાઈ અહીં આવી પહોંચ્યો છું. હવે તમારામાં સાચ હોય તો ત્રણ દિવસમાં મારી ભાવના પૂરી કરો. મને સ્પષ્ટ રીતે આદેશ આપો, મારે ક્યાં રહીને નવરાત્રીવ્રત કરવાનું છે ?'

એક દિવસ ગયો, બીજો ગયો, છતાં કાંઈ ન થયું. મારી ચિંતા વધી પડી-પરંતુ ઈશ્વરે કોના ઉપર કૃપા નથી કરી ? એને દ્વારેથી કોણ નિરાશ થયું છે ? ત્રીજે દિવસે હું વહેલી સવારે પ્રાર્થના કરતો બેઠો હતો ત્યારે મારી સામે એકાએક શ્રી શારદાદેવી પ્રગટ થયાં, શ્રી રામકૃષ્ણ પરમહંસનાં પત્ની. એમણે મને કહ્યું, 'કેમ ચિંતામાં પડ્યા છો ?'

'તમે જાણતા નથી ? નવરાત્રી ક્યાં કરવી તેની મને ખબર પડતી નથી.' મેં કહ્યું.

'નવરાત્રીનું વ્રત પાણી પર જરૂર કરવાનું છે, અને બીજે ક્યાંય નહિ, દેવપ્રયાગમાં જ કરવાનું છે, માટે ત્યાં ઊપડી જાવ.' શારદાદેવીએ કહ્યું, 'ત્યાં તમારે આશ્રમમાં નથી રહેવાનું પણ દેવપ્રયાગમાં મોટર-સ્ટેન્ડ પાસે એક મકાન છે તેમાં રહેવાનું છે.'

મેં પૂછ્યું, 'તે મકાન ખાલી છે ?'

'ખાલી નથી, એમાં એક અમલદાર રહે છે. પણ તમારી વ્યવસ્થા ત્યાં થશે. તમારે ત્યાં રહેવાનું છે-તે મકાનમાં.'

અને શારદાદેવી અદૃશ્ય થયાં. બધી વાત મેં માતાજીને કહી દીધી. તે મારી સાથે જ હતાં.

મંદિરમાં જઈ પ્રાર્થના કરી અને ત્યારબાદ વદ અગિયારસે અમે દેવપ્રયાગ જવા નીકળ્યાં. ઈશ્વરે મને અણીને વખતે ત્રણ દિવસમાં માર્ગદર્શન આપ્યું તેથી મારા જીવનમાં ઈશ્વરકૃપાનો એક વધારે યાદગાર પ્રસંગ ઉમેરાયો.

'આપણાં તીર્થોમાં ચેતન છે, તાકાત છે કે માત્ર નિર્જીવ ને જડ છે ?' ઘણા લોકો તરફથી એવા પ્રશ્નો પૂછાય છે, તેમને હું સામેથી પૂછું છું :

'તમારામાં કોઈ તાકાત યા ચેતન છે ? કે પછી તમે નિર્જીવ ને જડ છો ? તીર્થો તો પહેલાં હતાં તેવા આજેય છે. પ્રાણથી ભરપૂર, પ્રેરણાત્મક ને શાંતિમય. ત્યાં જે દૈવી તત્વ છે, તે પણ એવું જ પ્રાણવાન છે. તમારામાં જરા જેટલી પણ યોગ્યતા હશે તો તમારે માટે તે પ્રાણદાયક થઈ પડશે-નહિ તો નકામા ને નિર્જીવ બનશે.'

ક્યાં જગન્નાથપુરી અને ક્યાં દેવપ્રયાગ ? ભારતવર્ષના બે છેડા. એક બંગાળ અને બીજો હિમાલય. વચ્ચે એ બેઉ દૂર-સુદૂરના છેડાને સાંધી તેમની જોડતી ધરતી. એમાં કેટલાંય ગામો, નગરો, નદીઓ, પર્વતો-કેટલા પ્રકારના રીતરિવાજ, પહેરવેશ ને કેટલી ભાષાઓ ? કેટલાં વન, ઉપવન, જંગલો વચ્ચેથી પસાર થતી ગાડી કહેતી હતી, 'દેશ આટલો બધો વિશાળ અને વિવિધતાથી ભરેલો હોવા છતાં એક-અખંડ ને અવિભાજ્ય છે. એના અવયવ ભલે જુદા જુદા દેખાતા હોય, પરંતુ એનો આત્મા એક છે, એનું હૃદય એક છે, એની સંસ્કૃતિ, એનો શ્વાસોશ્વાસ અને ધડકાર પણ એક જ છે.' દેશનો પ્રવાસ કરનાર વિચારશીલ સ્ત્રી-પુરુષો તે એકતાનો અનુભવ કરી શકે છે.

આ બધાંનું દર્શન કરતો હું છેવટે દેવપ્રયાગની પુણ્ય-ભૂમિમાં આવી પહોંચ્યો. ૠષિકેશથી લગભગ ૪૫ માઈલે, બદરીનાથ જવાના માર્ગે, અલકનંદા અને ભાગીરથીના સંગમ પર વસેલું દેવપ્રયાગ, આંખ અને અંતરને આનંદ આપી રહ્યું. દેવપ્રયાગમાં આવેલા મારા આશ્રમમાં તો જવાય તેમ ન હતું, તેથી મોટર સ્ટેન્ડ પાસે રહેતા એક ભાઈને ત્યાં મેં મુકામ કર્યો.

બીજા દિવસથી જ નવરાત્રી શરૂ થઈ. જગન્નાથપુરીમાં શારદાદેવીએ સૂચના કરેલી તે પ્રમાણે મેં કેવળ પાણી પર રહી ઉપવાસ પણ શરૂ કરી દીધા. છતાં મનમાં ચિંતા તો હતી જ. મકાનનો પ્રશ્ન હજુ ઉકલ્યો નહોતો. પણ એમ કાંઈ ચિંતા કરીને બેસી રહે ચાલે ? જે શક્તિ આટલે દૂર ખેંચી લાવી છે, તે બધી જરૂરી વ્યવસ્થા કરશે જ, એવી શ્રદ્ધાથી હું કામ કરી રહ્યો હતો.

આવી શ્રદ્ધાથી પ્રેરાઈ હું બીજા બે ભાઈઓને સાથે લઈ ઉપવાસને પહેલે જ દિવસે, મારા આશ્રમ તરફ ચાલી નીકળ્યો. મને થયું-જોઉં તો ખરો, આશ્રમમાં જવાનો રસ્તો છે કે નહિ ? આશ્રમ મોટર-સ્ટેન્ડથી પર્વતની અંદર પશ્ચિમ દિશામાં છેક જંગલમાં હતો, અને ત્યાં જતાં રસ્તામાં એક શેઠનું મકાન આવતું હતું. એમાં કાશ્મીરી રેશનીંગ-ઈન્સ્પેક્ટર ભાડે રહેતો હતો, તે વાતની જાણ દેવપ્રયાગ આવ્યા પછી થઈ હતી. એટલે જગન્નાથપુરીમાં શારદાદેવીએ દર્શન આપી જે કહ્યું હતું તેનો એટલો ભાગ તો સાચો ઠર્યો.

પરંતુ તેથી શું ? બીજો મહત્વનો ભાગ હજુ બાકી હતો. શારદાદેવીએ કહેલું, 'એ ભાઈ મને પોતાની સાથે એ મકાનમાં રાખશે.' તે કેવી રીતે થઈ શકે ? જો કે ઈશ્વર માટે કશું અશક્ય નથી, છતાં તે વિચાર મને સહેજે આવી ગયો.

એટલામાં હું આશ્રમ તરફના રસ્તા પરથી શેઠના મકાન આગળ પાછો આવ્યો. ત્યાં એક ઘટના બની. મકાનના ઓરડા આગળનો પડદો ઊંચો કરી પેલા કાશ્મીરી ઈન્સ્પેક્ટર બહાર આવ્યા, ને મને પગે લાગી કહેવા માંડ્યા, 'ઉસ આશ્રમમેં ક્યા આપ હી રહતે હૈં ?'

'હાં લેકિન અબ તો વહાં જાનેકા રાસ્તા હી બીગડ ગયા હૈ, તો વહાં નહિ રહા જાતા.'

એ મને અત્યંત આગ્રહ કરી મકાનમાં લઈ ગયા. મારી સાથે થોડી વાતચીત કરીને પોતાની મેળે કહેવા લાગ્યા, 'મેરી એક પ્રાર્થના હૈ ?'

'ક્યા ?' મેં પૂછ્યું.

'આપ યહાં હી રહીયે-ઈસી મકાનમેં. મકાન બડા હૈ, મુઝે કોઈ તકલીફ નહિ હોગી.'

મેં કહ્યું, 'મકાન મોટું છે એ સાચું-પણ આવતી કાલથી હું મૌનવ્રત રાખવાનો છું.'

તે કહેવા માંડ્યા, 'મૌન રાખશો તેથી મારે શું ? હું દિવસમાં એકાદ વાર તમારું  દર્શન કરીશ તો પણ મને આનંદ થશે'.

છેવટે એમના આગ્રહ આગળ મેં નમતું મૂક્યું. મારા કહેવાથી એમનો ફર્નીચરવાળો મુખ્ય ખંડ એમણે મારે માટે ખાલી કરાવ્યો. એમના નોકરને મોકલી મારો બધો સામાન મંગાવી લીધો. એ દિવસે રાતથી મેં ત્યાં રહેવા માંડ્યું.

ઈશ્વરકૃપાની શક્તિ એવી અજબ છે. એ ક્યાં, ક્યારે, કોને માટે કેવી રીતે કામ કરે છે એ એક કોયડો છે. બુદ્ધિ એને સમજી શકે છે ખરી, પણ એનો પાર નથી પામી શકતી. તે એક એવું રહસ્ય છે જેનો ઉકેલ ઈશ્વરના ભક્તો સિવાય બીજા કોઈથી નથી કરી શકાતો. એ કૃપાનો લાભ લેવો હોય તો ઈશ્વરના ભક્ત, પ્રેમી કે શરણાગત બનો, અને જીવન એને માટે જ જીવતા શીખો ! વાતો કે વાદવિવાદોથી કશું નહિ વળે. જીવનને એના રસથી રંગી દો. આમ થતાં તમારી બધી ચિંતા ટાળી, તે તમારી સંભાળ રાખ્યા કરશે. મારો આવો અનુભવ છે.

શારદાદેવીની સૂચના પ્રમાણે તે કાશ્મીરી સાથે હું એ મકાનમાં રહ્યો, અને નવરાત્રીના મારા ઉપવાસ પણ ત્યાં જ પૂરા થયા. દોઢ મહિનો હું એ મકાનમાં જ રહ્યો !

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

If you want to make God laugh, tell him about your plans.
- Woody Allen

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.