Saturday, October 24, 2020

દક્ષિણેશ્વરની દેવી

ઈશ્વરની અદ્દભૂત, અચિંત્ય, મહામહિમામયી શક્તિ કેવી રીતે કામ કરે છે ? તર્કવિતર્ક કે વાદવિવાદના ક્ષેત્રમાં ઉતરવાથી એ પ્રશ્નનું રહસ્યજ્ઞાન અથવા તો સુખદ સમાધાન નહિ થઈ શકે. એને સમજવામાં તર્ક થોડીઘણી સહાય જરૂર કરી શકશે, પરંતુ એનું સંપૂર્ણ સ્પષ્ટીકરણ તો કેવળ સ્વાનુભવથી જ થઈ શકશે. એ શક્તિ કામ કરે છે એ સાચું છે, એટલું જ નહિ પણ સાચા દિલથી ઈશ્વરનું શરણ લેનાર અને ઈશ્વરમય જીવન જીવનારના જીવનમાં ડગલે ને પગલે કામ કરે છે એ વાત નિર્વિવાદ છે. છતાં એની પ્રતીતિ લાંબે વખતે અને કોઈ વિરલ પળે, કોઈ વિરલ પુરુષને થતી હોય છે.

ઈ.સ. ૧૯૪૫માં દેવપ્રયાગના મારા હિમાલયના એકાંત નિવાસસ્થાનમાં હું હતો ત્યારે મને ધ્યાનાવસ્થામાં સૂચના મળી કે મારે નવરાત્રીના દિવસો દરમિયાન કલકત્તામાં આવેલા શ્રી રામકૃષ્ણ પરમહંસદેવના પ્રખ્યાત સ્મૃતિસ્થાન દક્ષિણેશ્વરમાં રહીને સાધના કરવી. મારે માટે કલકત્તા તદ્દન નવું હતું. અત્યાર સુધીના મારા જીવનમાં મેં એની મુલાકાત નહોતી લીધી. છતાં ઈશ્વરની આજ્ઞા મળી એટલે મેં ત્યાં જવાનો નિર્ણય કર્યો. ઈશ્વરની પ્રત્યેક પ્રેરણા, યોજના અને આજ્ઞા મંગલને માટે જ હોય છે એવી મારી શ્રદ્ધા હતી. એ શ્રદ્ધાથી પ્રેરાઈને જ મારે આગળ વધવાનું હતું.

લાંબો પ્રવાસ પૂરો કરીને હું દક્ષિણેશ્વર આવી પહોંચ્યો ત્યારે એ રમણીય સ્થળને જોઈને મારા સંતોષ અને આનંદનો પાર ન રહ્યો. એ સ્થળ પણ રમણીય હતું, તેટલું જ શાંત હતું. બાજુમાં પોતાના પવિત્ર પ્રેમરસ જેવા પાણી સાથે સાગરમાં રમવા માટે મંત્રમુગ્ધ થઈને વહી જતી ગંગા હતી. એ સ્થળમાં પ્રવેશ કરતાં મારું હૃદય શ્રી રામકૃષ્ણ પરમહંસને માટેના પ્રેમભાવથી ભરપૂર બની ગયું. મારું રોમેરોમ એક પ્રકારના અભૂતપૂર્વ અલૌકિક રસથી રંગાઈને ઊછળવા લાગ્યું. રામકૃષ્ણ પરમહંસના જીવનપ્રસંગોનો વિચાર કરવાનો લાભ મને પહેલાં અનેક વાર મળ્યો હતો એટલે એ બધા પ્રસંગો પ્રાણવાન બનીને મારી કલ્પનાની આંખ આગળ રમવા માંડ્યા.

એ સુંદર શાંત સ્થળમાં બીજે દિવસે સવારે મેં જગદંબાનું દર્શન કર્યું. દેવીનું મંદિર ઘણું ભવ્ય હતું. રામકૃષ્ણે એ મંદિરમાં દેવીના સાક્ષાત્કારની ઈચ્છાથી પ્રેરાઈને વરસો સુધી એકધારી, ઉત્સાહપૂર્વકની સાધના કરેલી. આંસુ સારેલા, પ્રાર્થના કરેલી, અને પ્રેમની પ્રબળતાને પરિણામે અંતરના ઊંડાણમાંથી પોકારો પડેલા. આખરે એ મહાપુરુષના પ્રેમથી પ્રસન્ન થઈને દેવીએ એમને દર્શન આપેલું એ વાત આજે તો વિશ્વવિદિત છે. એ મહાપુરુષની દીર્ઘકાળની સાધનાનાં પ્રેરક પરમાણુ એ મંદિરમાં ફરતાં લાગ્યાં. એ પરમાણુ જાણે કે પોકારી પોકારીને કહેતાં હતાં કે, પ્રેમ અથવા ભક્તિ જેવો રાજમાર્ગ બીજો કોઈ નથી. એવી અવ્યભિચારિણી અનન્ય ભક્તિ કોઈ બડભાગીને જ પ્રાપ્ત થાય છે અને જેને પ્રાપ્ત થાય છે તેનું જીવન જ્યોતિર્મય બની ઊઠે છે. તેની સાધના સફળ થાય છે ને તે ઈશ્વરના દર્શનનો દેવદુર્લભ લાભ પામીને ધન્ય બને છે. भक्त्या लभ्यस्तवनन्यया । અનન્ય ભક્તિનો અંતરમાં આવિર્ભાવ થાય તો, અને તો જ, એ પરમપુરુષ પરમાત્માની પ્રાપ્તિ શક્ય બને છે. રામકૃષ્ણદેવ એ પરમપુરુષ પરમાત્માને જ 'મા' કહીને સંબોધતા અને 'મા'રૂપે ભજતા હતા.

અને એ ભજવાનું પણ કેવું ? એમની ભક્તિ ક્રમેક્રમે બળવત્ત બની જઈને પરાકાષ્ઠાએ પહોંચેલી. એમનું મન દિવસરાત 'મા'ના સુધામય સ્વરૂપમાં જ લાગેલું રહેતું. દુન્વયી વિષયો માટેની કોઈ પ્રકારની રસવૃત્તિનો એ અનુભવ જ ના કરતું. કહે છે કે એક વાર પ્રેમની પ્રબળતાને પરિણામે એમને જગદંબાના દર્શન માટે અજબ જેવી વેદના થઈ. આથી મંદિરની દિવાલ પર લટકતી તલવાર લઈને એ પોતાના જીવનનો અંત લાવવા તૈયાર થયા. ત્યારે જગદંબાએ પ્રત્યક્ષ થઈને એમને દર્શન આપ્યું. મારા મનમાં પણ જગદંબાના દર્શનની તાલાવેલી જાગેલી. એટલે મારું અંતર આતુર બન્યું. મને થયું કે આવા તપ:પૂત દેવસ્થાનમાં મને 'મા'નું દર્શન થાય તો કેટલું સારું !

બીજે દિવસથી નવરાત્રીનો પ્રારંભ થયો. એટલે મેં સંકલ્પ કર્યો કે, આ સ્થળમાં જગદંબાનો કોઈ અલૌકિક અનુભવ થાય તો જ મારે ભોજન કરવું, નહિ તો ત્યાં સુધી કેવળ પાણી પર રહીને પ્રાર્થના કરવી અને તલસવું. રામકૃષ્ણદેવે પોતે જ એક ઠેકાણે કહ્યું છે કે, 'કલિયુગમાં કોઈ ત્રણ દિવસ અન્ન છોડીને પ્રાર્થે કે તલસે તો ઈશ્વર તેને દર્શન આપે છે.' એમના આ શબ્દો કેટલા સાચા ઠરે છે તે જોઉં તો ખરો ! અલબત્ત, જગદંબાને માટે કોઈ અજ્ઞાત પૂર્વસંસ્કારોને પરિણામે મારા દિલમાં પ્રબળ પ્રેમ પેદા થયેલો. એને લીધે જ એવો સંકલ્પ થઈ શકેલો.

દક્ષિણેશ્વરમાં રામકૃષ્ણદેવના સ્મૃતિખંડની બહાર પરસાળમાં બેસીને મેં જગદંબાને પ્રાર્થના કરવા માંડી. મારા હૃદયના કરૂણ ભક્તિભાવોને મેં નવા નવા ગીતોની રચના કરતાં ઠાલવવા માંડ્યા. મારી સામે મારા પરિચિત દક્ષિણેશ્વર વિસ્તારના વાસી પુલિનબાબુ અને તેમના પત્ની બેઠેલાં. તેમને હું ગીતનો અર્થ સમજાવતો ને ગીતોની રચના કરતો જતો. મારું ત્રીજું ગીત એવા ભાવનું હતું કે, 'હે મા, અમારે ત્યાં કોઈક સ્નેહી આવે છે તો અમે તેનું સ્વાગત કરીએ છીએ, પરંતુ તમે તો હજુ અચળ બેઠા છો. હું તમારા દર્શન માટે ઝંખુ છું. છતાં તમે કેમ પ્રકટ નથી થતાં ? મારા પ્રેમનો ખ્યાલ કરીને ને મારા થોડાક પ્રેમને વધારે માનીને પણ મારા પર કૃપા કરો.'

મારી આંખમાંથી અશ્રુની ધારા વહેવા માંડી. મેં એને લૂછીને સામે જોયું તો પુલિનબાબુની પત્નીની પાસે એક જ પંક્તિમાં એક સૌંદર્યવતી સુકુમારી બેઠી હતી. એના વાળ ભીના તથા છૂટ્ટા હતા. ગૌર શરીર પર એણે સફેદ સાડી પહેરી હતી. એનું અંગ અસાધારણ આકર્ષણથી યુક્ત હતું અને એની આંખમાં આંસુ હતાં. મને થયું કે મારી તરફ ટકટકી લગાવીને બેઠેલી આ વીસેક વરસની કુમારી કોણ હશે ? એ શા માટે રડે છે ?

એ દશામાં એકાદ કલાક પસાર થયા પછી પુલિનબાબુ એમની પત્ની સાથે વિદાય થયા. એમણે મને જમવા માટે આગ્રહ કરી જોયો પણ મારે તો જમવું જ નહોતું.

એમની વિદાય થયા પછી હું મારો સામાન લઈને દક્ષિણેશ્વરમાં પંચવટીની પાસે શિવમંદિરના ઓટલા પર આવીને બેઠો અને જગદંબાને પ્રાર્થના કરવા લાગ્યો. પેલી કુમારી ત્યાં પણ આવી પહોંચી. મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. એણે સાડીના છેડાને ગળે વીંટીને, જમીન પર માથું મૂકીને મને પ્રણામ કર્યા અને પછી એ મારી સામે જોતાં નીચે જમીન પર બેસી ગઈ. થોડી વારે શુદ્ધ હિંદીમાં એ બોલી :

'બાબા, આપ બહુત દૂરસે આતે હૈં ન ?'

મેં કહ્યું, 'હા, દૂરસે આતા હૂં.'

'આપ યહાં હી રહેંગે ?' એણે ફરી પૂછ્યું.

'વિચાર તો ઐસા હી હૈ'

'ઈસસે તો આપકા દેવપ્રયાગ હી અચ્છા હૈ. આપ દેવપ્રયાગ હી રહીયે.'

મેં કહ્યું, 'કુછ દિન યહાં રહુંગા, ફિર દેવપ્રયાગ ચલા જાઉંગા.' મને શંકા તો થઈ જ કે હું દેવપ્રયાગ રહું છું તેની ખબર આને ક્યાંથી પડી ? કે પછી એ માહિતી એને પુલિનબાબુએ આપી ?

'બાબા, મુઝે ભી દર્શન હોગા ?' એણે આંસુ વહાવતાં ફરી પૂછ્યું, 'ઉન્હોને મુઝે હરદ્વાર ઘુમાઈ લેકિન અભી દર્શન નહિ દિયા.'

મેં કહ્યું, 'આપકા ઈતના પ્રેમ હૈ તો દર્શન જરૂર હોગા. પ્રેમ હોતા હૈ તો દર્શન ભી હોતા હૈ.'

'આપ ક્યા સબકી રોટી ખા લેતે હૈ ?'

'જો પ્રેમસે દેતે હૈ ઉનકી ખાતા હૂં.'

'કલ સે મૈં ઈસી જગહ પર રોટી લાયા કરુંગી.'

'આપ કહાં રહતી હૈ ?'

'યહીં, મંદિર કે પાસ. મેરા ઘર યહીં હૈ. યહાં પર બરસોં સે રોજ આયા કરતી હૂં.'

પોતાની ડોલમાંથી મને ચાર રસગુલ્લાં ને નાળિયેર આપીને એ બોલી, 'યહ પ્રેમસે દેતી હૂં.'

આખરે મને પૂર્વવત પ્રણામ કરીને એ ઊભી થઈ.

અને શિવાલયની બાજુના રસ્તે આગળ વધી.

મને થયું કે આ કુમારી આટલા બધા ભાવવાળી છે તો એની સાથે જઈને એનું ઘર જોઈ લઉં. ઊભા થઈને મેં એને બોલાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ એ દેખાઈ જ નહિ. સામે બે લાંબી કેડીઓ ચાલી જતી હતી. એક મંદિર તરફ અને બીજી બહારના મોટા દરવાજા તરફ, પરંતુ ત્યાં એ હતી જ નહિ. એટલી વારમાં એ ક્યાં ચાલી ગઈ તેની ખબર ન પડી.

બીજે દિવસે મેં એની રાહ જોઈ, છતાં એ ન આવી ત્યારે ત્રીજે દિવસે મેં પુલિનબાબુને તેના સંબંધી પૂછી જોયું તો તેમણે આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, 'તમે કઈ છોકરીની વાત કરો છો ? એવી કોઈ છોકરીનો અમને પરિચય જ નથી.'

'હું તમને ગીત સંભળાવતો'તો ત્યારે તે તમારી પત્નીની પાસે નહોતી બેઠી ?'

'ના, છેવટ સુધી તમારી સામે અમે બે જ બેઠેલાં. ત્રીજું કોઈ જ નહોતું.'

એમની પત્નીએ પણ એ વાતનું સમર્થન કર્યું. 'તે કુમારી બીજી કોઈ નહિ પણ જગદંબા હોવી જોઈએ. તમે ભાગ્યશાળી કે તેનું દર્શન કરી શક્યા. પરંતુ અમારું ભાગ્ય એટલું ફૂટેલું કે પાસે હોવા છતાં અમે એમનું દર્શન ના કરી શક્યાં.' એમની આંખ છલકાઈ ગઈ.

'પરંતુ હું પણ એને ઓળખી તો ના શક્યો ને ?'

'તેથી શું ? એથી કાંઈ એના દર્શનનો લાભ મળ્યો એનો ઈન્કાર કરી શકશો ? એ ફરી વાર દર્શન આપશે ત્યારે ઓળખાણ પણ પૂરી પાડશે.'

તે રાતે મને સંકેત મળ્યો કે પેલી કુમારી સાક્ષાત જગદંબા જ હતી.

થોડા દિવસ પછી મારે એકાએક દેવપ્રયાગ આવવાનું થયું. એ પછી તો જગદંબાની વિશેષ કૃપા માટે મેં કેટલાય તપ કર્યા અને કષ્ટો વેઠ્યાં. એની પાછળનો ઈતિહાસ ઘણો મોટો છે. એ આલેખવાનું આ સ્થાન નથી. પરંતુ એ પ્રસંગ પછી મને પ્રતીતિ થઈ કે ઈશ્વરની મારા પર કૃપાદ્રષ્ટિ છે. દક્ષિણેશ્વરની દેવીનો એ પાવન પ્રસંગ મારા જીવનમાં ચિરસ્મરણીય અથવા અમર બનીને આજે પણ એવો જ અકબંધ રહ્યો છે. કાળ એની સુવાસ તથા સંજીવનીશક્તિને નથી કરમાવી શક્યો. વરસો વીતે છે તેમ એ મધુમય અને પ્રેરક બનતાં જાય છે. સાધકો અથવા આત્મિક પંથના પ્રવાસીઓને એમાંથી આશ્વાસન ને આશા મળશે એવી આશા છે. આપણાં દેવસ્થાનો, તીર્થો તથા પ્રાતઃસ્મરણીય સિદ્ધ પુરુષોનાં સાધનાસ્થાનો જડ નથી પરંતુ ચિન્મય છે. એમની અંદર આજે પણ પ્રાણ છે, પ્રેરણા છે અને શક્તિનો ભંડાર છે.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

If you want to make God laugh, tell him about your plans.
- Woody Allen

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok