Saturday, October 24, 2020

એટલી ચતુરતા જોઈશે જ

મહાભારતના આદિપર્વમાં એકસો તેતાલીસમા અધ્યાયમાં એક વાત આવે છે. પાંડવો દિનપ્રતિદિન ખૂબ જ શક્તિશાળી અને તેજસ્વી બનતા જતા હતા તે જાણીને ધૃતરાષ્ટ્રની ચિંતાનો પાર ન રહ્યો. એમણે રાજનીતિમાં કુશળ, મંત્રીશ્રેષ્ઠ કણિકને બોલાવીને કહ્યું કે, 'પાંડુપુત્રોનો રોજેરોજ અભ્યુદય થઈ રહ્યો છે તે જાણીને મને ભારે દુઃખ થાય છે. મારે એમની સાથે મેળ કરવો કે ઘર્ષણમાં ઉતરવું તે સંબંધી સલાહ આપો. હું તમારી સલાહ પ્રમાણે વર્તન કરીશ.'

બ્રાહ્મણશ્રેષ્ઠ કણિકે એના ઉત્તરમાં પોતાના વિચારો રજૂ કર્યા. એ વિચારો રાજનીતિથી પરિપૂર્ણ હતા. કણિકે કહ્યું કે, 'શત્રુનો અભ્યુદય હંમેશા નડતરરૂપ છે. એટલા માટે એને બનતા બધા જ પ્રયત્નોથી રોકવો જોઈએ.'

'દ્વિજશ્રેષ્ઠ ! સામ, દામ, દંડ ને ભેદ દ્વારા શત્રુનો નાશ કેવી રીતે કરવો જોઈએ ? તમે એ વિષય વિસ્તારપૂર્વક ઉદાહરણ સાથે મને સમજાવો તો સારું.'

એ પ્રશ્નના ઉત્તરમાં કણિકે એક નાની સરખી કથા કહી સંભળાવી. 'મહારાજ વરસો પહેલાં વનમાં નીતિશાસ્ત્રના સિદ્ધાંતોને જાણનાર એક શિયાળ રહેતું. એ યુક્તિપ્રયુક્તિ દ્વારા પોતાનો હેતુ સિદ્ધ કરવામાં કુશળ હતું. એ ચતુર શિયાળ એના ચાર મિત્રો વાઘ, ઉંદર, ઘેટું તેમજ નોળિયા સાથે વનમાં વાસ કરતું.'

એક વાર એ પાંચે મિત્રોએ વનમાં વિહાર કરતા એક બળવાન, યુવાન, હૃષ્ટપુષ્ટ હરણને જોયું. એને મારવાની ઈય્છા થઈ પણ આક્રમણ કરીને મારવાનું મુશ્કેલ લાગવાથી અંદરોઅંદર મંત્રણા કરી.

શિયાળે કહ્યું, 'વાઘ, તેં આ હરણને મારવાના કેટલાય ઉપાયો કરી જોયા, પરંતુ એ ચતુર, યુવાન અને દોડવામાં હોંશિયાર હોવાથી નથી પકડી શકાયું. એ જ્યારે સૂતું હોય ત્યારે આપણો મિત્ર ઉંદર જો એના પગનું માંસ ખાઈ જાય તો એ નાસી શકે નહિ. પછી તું એને સહેલાઈથી મારી શકે ને આપણે બધાં ભેગાં મળીને એનું માંસ ખાઈ શકીએ.'

શિયાળની સલાહ સૌને પસંદ પડી. એ સલાહ પ્રમાણે ઉંદરે સૌથી પહેલાં જઈને હરણના પગનું માંસ ખાઈ લીધું. પછી વાઘે એને મારી નાખ્યું. હરણનો નાશ થયેલો જોઈને સૌને આનંદ થયો. શિયાળને એની અસાધારણ બુદ્ધિશક્તિને માટે સૌએ ધન્યવાદ આપ્યા. શિયાળે સૌને સ્મિત કરીને કહ્યું કે, 'તમે બધા ભોજન કરતા પહેલાં સ્નાન કરી આવો. તમે પાછા આવશો ત્યાં સુધી હું મૃગના મૃત શરીરની ચોકી કરીશ.'

સૌ નદીમાં નહાવા ગયા. મહાબળવાન વાઘ સ્નાનાદિથી નિવૃત્ત થઈને સૌથી પહેલા પાછો આવ્યો ત્યારે શિયાળને ચિંતામગ્ન જોઈને એને પણ ચિંતા થઈ. એણે ચિંતાનું કારણ પૂછ્યું.

'વીરવર વાઘ, ઉંદર હજુ હમણાં જ મને કહી ગયો કે વાઘને ધિક્કાર છે, મૃગને તો મેં માર્યું છે, છતાં એ મારા બાહુબળના પરિણામરૂપે આજે પોતાનું પેટ ભરશે. મિત્ર, ઉંદરના એવા અહંકારયુક્ત વચન સાંભળ્યા પછી મને તો માંસ ખાવાની જરા પણ રુચિ નથી રહી.'

વાઘે જણાવ્યું, 'મિત્ર, ઉંદરના શબ્દોએ મારી આંખ ઉઘાડી નાખી છે. હું હવે વનમાં વિહરનારા પ્રાણીઓનું માંસ મારા બાહુબળથી એમનો શિકાર કરીને ખાઘા કરીશ.' એટલું કહીને વાઘ ચાલ્યો ગયો.

ત્યાર પછી આવેલા ઉંદરને શિયાળે કહ્યું, 'મિત્ર, તારું મંગલ હો. મને હમણાં નોળિયાએ જણાવ્યું છે કે વાઘે આ મૃગને માર્યું હોવાથી એના દાતનું ઝેર એના માંસમાં ભળી ગયું છે એટલે એ માંસને હું નહિ ખાઉં. હું તો ઉંદરને ખાઈને જ પેટ ભરવાની ઈચ્છા રાખું છું. તું મારી ઈચ્છાનું અનુમોદન કર.'

શિયાળની વાત સાંભળીને ઉંદર ડરી ગયો ને દરમાં પેસી ગયો. એટલામાં તો ઘેટું આવ્યું. શિયાળે એને કહ્યું, 'વાઘને તારા પર ગુસ્સો ચઢ્યો છે, માટે અહીં રહેવામાં તારું શ્રેય નથી. એ એની સ્ત્રી સાથે થોડી વારમાં આવી પહોંચશે. માટે જેમ ઠીક લાગે તેમ કરી લે.'

ભયનું માર્યું ઘેટું ત્યાંથી એ જ વખતે નાસી ગયું, છેલ્લે આવેલા નોળિયાને જોઈને શિયાળ બોલ્યું, 'મેં મારા બાહુબળથી વાઘ-ઘેટાં વગેરેને હરાવીને નસાડી મૂક્યાં છે. મારી સાથે લડી, મને હરાવીને તું ચાહે તો માંસ ખાઈ શકે છે.'

નોળિયાએ કહ્યું, 'બળવાન વાઘ અને બુદ્ધિમાન ઉંદર પણ તારી આગળ હારી ગયા, તો પછી મારો તો હિસાબ જ શો ?' અને એ પણ પલાયન થઈ ગયો.

'એ પ્રમાણે પોતાની અપ્રતિમ ચતુરાઈથી બીજાં બધાંને નસાડી મૂકીને શિયાળે મૃગના માંસનો સ્વાદ લીધો. કુરુનંદન, શિયાળની નીતિથી ચાલનાર રાજા ઉત્તરોત્તર સુખી થાય છે. કાયરને ભય બતાવી, વીરને વિનયથી ખુશ કરી, લોભીને ધન આપી, ને નીચ તથા સરખેસરખાને શક્તિ બતાવીને પોતાનું કાર્ય સિદ્ધ કરવું જોઈએ. મહારાજ, સામ, દામ, દંડ ને ભેદનું આ દૃષ્ટાંત મેં તમને સંક્ષેપમાં કહી સંભળાવ્યું.'

મહાભારતનું એ દૃષ્ટાંત જરા અનોખું છે. મહાભારત કાળને વીત્યે આજે કેટલોય વખત વીતી ગયો છે. મહાભારતકાળનાં અને આજનાં મૂલ્યોમાં ફેર પણ પડ્યો છે. એ દૃષ્ટિએ વિચારીએ તો ડગલે ને પગલે દગાફટકા, વિશ્વાસઘાત અને છેતરપિંડીની પ્રથાનો આપણે પુરસ્કાર નહિ કરી શકીએ. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જીવનની તંદુરસ્તી અને સમૃદ્ધિ માટે એવી પ્રથા અત્યંત અમંગલ અથવા અનર્થકારક  થઈ પડશે.

ધૃતરાષ્ટ્રની પેઠે આપણે બીજાનાં સુખશાંતિ, સમુન્નતિ ને સમૃદ્ધિ જોઈને જલીશું નહિ, અને શિયાળ જેવા એકલપેટા પણ નહિ થઈએ. પરંતુ જે આપણી સુખસમૃદ્ધિ જોઈને જલે છે અને શિયાળ જેવા સ્વાર્થી કે સ્વલક્ષી બનીને આપણા વ્યક્તિગત, સમષ્ટિગત કે રાષ્ટ્રીય જીવનમાં અશાંતિની આગ સળગાવવા તેમજ આપણા પર તરાપ મારી આપણા હક્કના હિસ્સાને હડપી લેવા માંગે છે, તેમના પ્રત્યે ગાફેલ નહિ જ રહીએ. એટલું જ નહિ, એમને પરાસ્ત કરવા, એમને નાકામિયાબ બનાવવા બનતું બધું જ કરીશું. એટલી ચતુરતા તો જોઈશે જ. દેશમાં આજે જ્યારે બાહ્ય અને આંતર આક્રમણ અથવા અવ્યવસ્થાના ઓળા ઊતર્યા છે ત્યારે મહાભારતની એ શિક્ષા ખાસ યાદ કરવા જેવી છે.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Love is the only reality and it is not a mere sentiment. It is the ultimate truth that lies at the heart of creation.
- Rabindranath Tagore

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok