દેશનું ગોધન

મહર્ષિ વાલ્મિકીએ રચેલા 'રામાયણ'માં એ જમાનાની ભારતીય સંસ્કૃતિનું પ્રતિબિંબ પડે છે. એ સંસ્કૃતિ કેટલી બધી ઊંચી અને અનેરી હતી એનો એના અધ્યયન પરથી ખ્યાલ આવે છે. એના પરિણામે આપણા અંતરમાં એને માટે ઊંડો આદરભાવ પેદા થાય છે.

એ મહાગ્રંથમાં એક નાનકડો, ઉપરથી જોતાં સાધારણ દેખાતો, છતાં સુંદર, સારગર્ભિત અને અસાધારણ પ્રસંગ છે.

રામ અયોધ્યાની પ્રજા પર પુષ્કળ પ્રેમ રાખતા. પ્રજાનું સર્વ પ્રકારે ધ્યાન રાખતા. પ્રજાનું સર્વપ્રકારે, કોઈ પણ જાતના ભેદભાવ વગર હિત કરવા એ હંમેશા તૈયાર રહેતા. જેમને જરૂર હોય એમને દાન પણ આપતા.

એ વખતે અયોધ્યામાં એક તદ્દન સાધારણ સ્થિતિનો ગરીબ બ્રાહ્મણ વાસ કરતો. એને માટે પોતાનો અને કુટુંબીજનોનો નિર્વાહ કરવાનું કઠીન હતું. રામની પ્રજા પ્રત્યેની લાગણી તથા દાનપ્રિયતાથી ઉત્સાહિત બનીને એક દિવસ એ રામ પાસે આવીને ઊભો રહ્યો ને પોતાની પરિસ્થિતિ કહી બતાવી.

રામ એને આશ્વાસન આપીને સરયૂના તટ પર લઈ ગયા અને બોલ્યા, 'તમારા હાથમાં જે લાકડી છે તેને તમારામાં જેટલું બળ હોય તેટલું બળ અજમાવીને ફેંકો. એ લાકડી જેટલા વિસ્તારમાં પડશે એટલા વિસ્તારની ગાયો તમને અર્પણ કરીશ. એ ગાયોની સેવા કરીને તમારા જીવનને સુખી ને સમૃદ્ધ કરજો.'

બ્રાહ્મણે એ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. ઉપરથી જોતાં તો એનું શરીર કૃશ હતું અને એ કમજોર જેવો દેખાતો હતો, પરંતુ લાકડીને ફેંકતી વખતે એની શક્તિ સારી પેઠે દેખાઈ આવી. લાકડીને પોતાની સમગ્ર શક્તિ લગાડીને એવી તો જોરથી ફેંકી કે એ સરયૂને પેલે પાર જઈને ગાયોવાળા વિસ્તારમાં પડી.

રામ પ્રસન્ન થયા. એમણે બ્રાહ્મણને એ બધા આજુબાજુના વિસ્તારની હજારો ગાયો અર્પણ કરી. એમની સેવા કરીને બ્રાહ્મણે કુટુંબ સાથે પોતાની દરિદ્રતા દૂર કરી.

પ્રસંગ નાનો છે, પરંતુ ઘણો મોટો સાર સૂચવી જાય છે. રામના જમાનામાં દેશનું ગોધન કેટલું બધું વિશાળ હશે તેની કલ્પના તેના પરથી સહેજે કરી શકાય છે. આ તો એક અયોધ્યાના ગોધનની વાત છે. તેની બહારનું ગોધન તો કેટલુંય હશે. જે દેશનું ગોધન સમૃદ્ધ હોય તે દેશમાં ઘી દૂધની નદીઓ વહે ને ખેતીવાડીને મદદ મળે છે એમાં શંકા નથી. તે દેશ પર ઈશ્વરના આશીર્વાદ ઊતરે જ.

એક બીજી વાત. રામે રોકડ દાન આપવાને બદલે ગાયોનું દાન આપ્યું ને બ્રાહ્મણે એનો સહર્ષ સ્વીકાર કર્યો, એ શું બતાવે છે ? જે દેશની પ્રજા પશુપાલક હોય, ને સેવા કરીને નિર્વાહ કરવાની તૈયારીવાળી હોય, તે દેશની પ્રજા સમૃદ્ધ બને ને દીર્ઘકાળપર્યંત દરિદ્ર ના રહે. રાજા તથા પ્રજા ગોધનનું મૂલ્ય સમજે તો દેશ આબાદ બને. ભારતની કલ્યાણ યોજના કરનારી સરકાર ને પ્રજા એટલું સમજશે ?

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Do not wait to strike till the iron is hot; but make it hot by striking.
- William B. Sprague

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.