વિવેકાનંદની ચંચળતા

મહાત્મા શ્રી રામકૃષ્ણ પરમહંસદેવના વખતમાં કલકત્તાથી થોડેક દૂર ગાઝીપૂરમાં એક બીજા તપસ્વીશ્રેષ્ઠ મહાપુરુષ નિવાસ કરતા. એમનું નામ પવહારી બાબા હતું. એ મોટા ભાગે લોકસંપર્કથી દૂર નિતાંત એકાંતમાં રહેતા. બીજા સામાન્ય માણસો તો એમને પૂજ્યભાવથી જોતાં જ, પણ રામકૃષ્ણદેવ પોતે પણ પ્રસંગ મળતાં એમના ત્યાગ, એમની સાધુતા અને તપશ્ચર્યાની પ્રશંસા કરતા.

પવહારી બાબા કેવા પ્રકારના સંત હતા અથવા કોઈ જાતની વિશેષ તપશ્ચર્યા કે સાધના કરતા તેની માહિતી કોઈને ન હતી. એ સંબંધી એ ભારે ગુપ્તતા સેવતા. છતાં પણ લોકોમાં અને ખાસ કરીને શ્રદ્ધાભક્તિસંપન્ન ભક્તોમાં એ હઠયોગી તરીકે ઓળખાતા. સાધના દ્વારા સાંપડેલી કેટલીક વિશેષ શક્તિઓના પરચા એમના સંપર્કમાં આવનારા સ્ત્રી-પુરુષોને અવારનવાર મળ્યા કરતા. એને લીધે અને એમની કેટલીક બીજી યોગ્યતાઓને લીધે આજુબાજુના વિશાળ પ્રદેશમાં એ સારી પેઠે જાણીતા થઈ ચૂકેલા.

રામકૃષ્ણદેવની સાથે સ્વામી વિવેકાનંદ પણ પવહારી બાબાના દર્શને ગયેલા ને ત્યારથી એ પ્રતાપી લોકોત્તર મહાપુરુષને માટે વિશેષ આદરભાવ રાખતા થયેલા.

એ પછી તો વરસો વીતી ગયાં ને વિવેકાનંદ પરદેશ પણ જઈ આવ્યા.

પરદેશમાં ભારતીય ધર્મ, તત્વજ્ઞાન તથા સંસ્કૃતિના ઉદ્દગાતા કે પ્રચારક તરીકે એમને અખૂટ કીર્તિની પ્રાપ્તિ થઈ. એ કીર્તિ સાથે એ દેશમાં આવી પહોંચ્યા ત્યારે દેશવાસીઓએ એમનું ભારે ઉમળકાથી દબદબાપૂર્વક સન્માન કર્યું. એમના સ્વાગતમાં ઠેર ઠેર સભાઓ ભરવામાં આવી, ને એમણે કરેલા અભૂતપૂર્વ કાર્યની કદરરૂપે પ્રેમપૂર્વક એમની પ્રશસ્તિ કરી.

કૃતજ્ઞતા તેમ જ ગુણગ્રાહકતાના એ વિરાટ પ્રદર્શનથી વિવેકાનંદનું અંતર આનંદી ઊઠ્યું.

સૌનો સત્કાર ઝીલીને એ છેવટે કલકત્તામાં શાંતિપૂર્વક રહેવા માંડ્યા ત્યારે એમના મનમાં પવહારી બાબાની સ્મૃતિ પ્રબળપણે થઈ આવી. એથી એમના દર્શને જવાનું નક્કી કર્યું.

પવહારી બાબાનું દર્શન કરીને એ કૃતાર્થ થયા ને પોતાને બડભાગી માનવા લાગ્યા. પરંતુ એ ભાવ એટલેથી જ ના અટક્યો. એ દર્શનને લીધે એમના મનમાં એક નવો જ વિચાર પેદા થયો. એમને થયું કે મેં રામકૃષ્ણ પરમહંસદેવને ગુરૂ કર્યા છે એના કરતાં પવહારી બાબાને ગુરુ કર્યા હોત તો ? પવહારી બાબા રામકૃષ્ણદેવ કરતાં વિશેષ શક્તિશાળી લાગે છે !

એ વિચાર એમના મનને એવો તો ઘેરી વળ્યો કે એ સિવાય એ બીજું કાંઈ વિચારી શક્યા જ નહિ.

લાંબા વખતલગી એમણે એ વિચાર કર્યા કર્યો ને છેવટે એવું પણ નક્કી કર્યું કે સવારે ઊઠીને પવહારી બાબા પાસે જઈને એમને ગુરુ તરીકે સ્વીકારી લેવા.

ત્યાં તો એ રાતે એક અદ્દભુત બનાવ બન્યો. એને બનાવ કહો કે ચમત્કાર બઘું એક જ છે.

ચાંદનીથી ચમકતા જે નાના સરખા ઉદ્યાનમાં એ આંટા મારી રહેલા તે ઉદ્યાનમાં એમની અજાયબી વચ્ચે એમણે એક અદૃષ્ટપૂર્વ દ્રશ્ય જોયું. એમનાથી થોડેક દૂર, એમની બરાબર સામે, રામકૃષ્ણદેવની અલૌકિક આકૃતિ ઊભી રહેલી. અવકાશમાં ઊભેલી એ જ્યોતિર્મય સુધાસભર આકૃતિના દર્શનથી વિવેકાનંદને ભારે નવાઈ લાગી. એ આકૃતિ પોતાના ગુરૂ રામકૃષ્ણ પરમહંસદેવની જ હતી !

પરંતુ એમની મુખાકૃતિ પર હાસ્યને બદલે વિષાદ હતો. એની ઉપર પ્રસન્નતાને બદલે ખિન્નતાની છાયા સ્પષ્ટ દેખાઈ આવી. એનું કારણ ?

કારણને ખુલાસો કરતી હોય એમ એ આકૃતિ વિવેકાનંદને જાણે કે ઠપકો આપતી હોય તેમ કહેવા માંડી, 'મારામાં હજુ પણ આટલો બધો અવિશ્વાસ ? મારી આટલી બધી કૃપા હોવા છતાં પણ અવિશ્વાસ ?'

અને એ આકૃતિ અવકાશમાં વિલીન થઈ.

એ અલૌકિક અનુભવને લીધે વિવેકાનંદે પવહારી બાબાને ગુરુ કરવાનો વિચાર છોડી દીધો. પરંતુ બીજે દિવસે એ વિચારે પાછું જોર પકડ્યું ત્યારે રામકૃષ્ણદેવે પાછું એ જ રીતે દર્શન આપ્યું. કહે છે કે રામકૃષ્ણદેવે વિવેકાનંદને ઉપરાઉપરી એવી રીતે એકવીસ દિવસ સુધી દર્શન આપ્યું ત્યારે એમની રહી-સહી ભ્રાંતિ દૂર થઈ અને એમને ખાતરી થઈ કે રામકૃષ્ણદેવ ખૂબ જ શક્તિશાળી છે ને એમની પોતાના પર કાયમની કૃપાદૃષ્ટિ છે. પવહારી બાબાને ગુરુ કરવાનો વિચાર એમણે માંડી વાળ્યો.

આ પ્રસંગ શું શીખવે છે ? એ જ કે ગુરુમાં અખૂટ અને અડગ શ્રદ્ધાની આવશ્યકતા છે. એક યા બીજા કારણે વારંવાર ગુરુને બદલવાનું બરાબર નથી. સાધકની સાચી શ્રદ્ધાભક્તિ હશે તો ઈશ્વર તેને ગુરુની મારફત મદદ કરતા જ રહેશે. એ ઉપરાંત આ પ્રસંગમાં એક બીજો સંદેશ પણ સમાયેલો છે. સદ્દગુરુનો સંબંધ એમનું સ્થૂળ શરીર છૂટ્યા પછી પણ ચાલુ રહે છે. એ પોતાની વિશેષ શક્તિનો આશ્રય લઈને શિષ્ય કે શરણાગતની સદાય સંભાળ રાખે છે ને એની ભૂલ થતી હોય તો એ ભૂલને કરુણાથી પ્રેરાઈને સુધારી લે છે.

વિવેકાનંદ જેવાના સંબંધમાં આવું બન્યું તો આપણું તો શું ગજુ, એવું માનીને કોઈએ મનને નિર્બળ કરવાની જરૂર નથી, પરંતુ બળવાન બનાવવાનું ને જાગ્રત રહેવાનું છે. જોઈએ છે ગુરુને માટેનો દ્રઢ વિશ્વાસ. એ સાધકને માટે શ્રેયસ્કર ઠરે છે.

 - શ્રી યોગેશ્વરજી

Comments  

0 #1 Sanjeev Mehta 2012-01-12 06:41
Swami Vivekanand is a son of lord bhagvan Chitraguptaji maharaj,which is the main calculator of sin and punya. He is a kayastha.

Today's Quote

Blessed are those who can give without remembering, and take without forgetting.
- Elizabeth

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.