સંતશ્રી નારાયણ સ્વામી

ભારતવર્ષમાં છેલ્લાં થોડાંક વરસોમાં જે પૂર્ણકામ, પ્રતાપી ને સાચા મહાત્મા પુરુષો થઈ ગયા તેમાં શ્રી નારાયણ સ્વામીનું નામ વિશેષ ઉલ્લેખનીય છે.

એ એક ઉચ્ચ કોટિના મહાત્મા હતા.

શરીરે માત્ર ગૂણ પાટની લંગોટી પહેરતા, ને મૌન રાખતા.

એટલા મોટા મહાત્મા હોવા છતાં પણ જાણે નમ્રતા તથા સરળતાની મૂર્તિ જ જોઈ લો.

એમની નમ્રતાનો એક જ પ્રસંગ કહું. એ પ્રસંગ આજે પણ મને એવો ને એવો જ યાદ છે.

ઈ.સ.૧૯૪૪માં નારાયણ સ્વામી ફરતા ફરતા હિમાલયના ઉત્તરકાશી સ્થાનમાં આવ્યા હતા. ત્યાં એમણે ત્યાંની પ્રસિદ્ધ બિરલા ધર્મશાળામાં મુકામ કરેલો.

બિરલા ધર્મશાળાથી થોડેક દૂર વિશ્વનાથ મંદિરનું સ્થાન છે ત્યાં નાગાજી કરીને એક સમર્થ સંતપુરુષ નિવાસ કરતા. એ પણ મૌન રાખતા તથા ભારે તપ કરતા. ઉત્તરકાશીમાં એમનું માન ઘણું વધારે હતું. વિશ્વનાથ મંદિરના નાનાસરખા કમ્પાઉન્ડમાં એકબાજુ એમની મઢૂલી હતી.

નારાયણ સ્વામી વિશ્વનાથ મંદિરમાંથી દર્શન કરીને બહાર નીકળ્યા એટલે નાગાજીએ પોતાની મઢૂલીમાંથી બહાર આવીને એમને નમસ્કાર કર્યા. નાગાજી પોતે ઉચ્ચ અવસ્થાએ પહોંચેલા મહાપુરુષ હોવા છતાં નારાયણ સ્વામીને પગે પડીને બે હાથ જોડીને એમની આગળ ઊભા રહ્યા એ કાંઈ એમની ઓછી નમ્રતા ન હતી.

પરંતુ તરત જ નારાયણ સ્વામીની નમ્રતાનું એક બીજું દૃશ્ય જોવા મળ્યું. એ દૃશ્ય પણ ભારે અજાયબીમાં નાખી દે તેવું હતું. નારાયણ સ્વામી પણ નાગાજીને પગે લાગ્યા તથા પ્રણામ કરીને ઊભા રહ્યા. નાગાજી નારાયણ સ્વામીને ફરી પગે લાગ્યા ને નારાયણ સ્વામી ફરી નાગાજીને પગે લાગ્યા. બંને મહાત્મા પુરુષો એકમેકને પગે લાગતા જ જાય. એવી રીતે કેટલીયવાર ચાલ્યું, અને આખરે અમે વચ્ચે પડ્યા ત્યારે તે શાંત રહ્યા.

અમને થયું કે એકસરખી અવસ્થાએ પહોંચેલા આ સંત પુરુષો કેટલા બધા નિખાલસ અને નમ્ર છે ! એમને માટેનો અમારો આદરભાવ વધી પડ્યો. સંતપુરુષોની અંદર પણ નાનામોટાના ભેદભાવ હોય છે તથા ચડસાચડસી ચાલતી હોય છે. એ દૃષ્ટિએ જોતાં આવા બે અસાધારણ મહાત્મા પુરુષો પરસ્પર પ્રણામ કરે એ કાંઈ નાનીસૂની વાત ના કહેવાય. એમના હૃદયની વિશાળતા ને ગુણગ્રાહકતાના એ મોટા પુરાવારૂપ જ કહી શકાય.

નારાયણ સ્વામી ઉત્તર પ્રદેશમાં કાયસ્થ કુટુંબમાં જન્મેલા. ઘરનો ત્યાગ કર્યા પછી એ બદરીનાથ ગયા. ગુરુ તરીકે એ બદરીનાથને જ માનતા હતા. એ મુખ્યત્વે ભક્ત હતા ને ભક્તિમાર્ગનો આધાર લઈને આગળ વધતા. ભક્તિમાર્ગમાં પણ એમનો મુખ્ય વિશ્વાસ નામજપમાં હતો. એમનો મુખ્ય ઉપદેશ નામજપનો હતો. એ કહેતા કે ઈશ્વરની પ્રાપ્તિ અથવા તો ચિત્તની શાંતિને માટે નામજપ જેવું સાધન બીજું એકેય નથી. નામજપ સૌથી સરસ, સરળ અને સચોટ સાધન છે. એ સાધનમાં અડગ શ્રદ્ધા રાખીને એમણે પોતે જીવનનાં બાકીનાં વરસો દરમિયાન નારાયણ મંત્રનો જપ કર્યા કર્યો.

એમનું નામસ્મરણ સૂકું, જડ કે યાંત્રિક ન હતું પરંતુ સમજપૂર્વકનું કે ભાવમય હતું. નામસ્મરણ કરતી વખતે એમનું હૃદય ગદ્દગદ્દ બનતું, ભાવવિભોર થઈ જતું, અને એમની આંખ ભરાઈ જતી. એ દિવસનો મોટો ભાગ ભાવદશામાં જ રહેતા એમ કહીએ તો ચાલે. નર્મદાકિનારે ચાંદોદ ક્ષેત્રમાં વરસો સુધી તપશ્ચર્યા કરીને એમણે ઈશ્વરદર્શનનો આનંદ મેળવ્યો અને એથી એમનું જીવન ધન્ય બન્યું. એ ધન્યતાની પ્રાપ્તિ એમને જોતાંવેંત સહેજે થઈ શકતી.

નામસ્મરણની સાથે સાથે એ બીજો મુખ્ય ભાર મનની નિર્મળતા કે ચારિત્ર્યની શુદ્ધિ પર મૂકતા. મનને વિશુદ્ધ કરવાની સાથે સાથે નામસ્મરણ કરીને ઈશ્વર પ્રત્યેનો પ્રેમ કેળવવાની એ ખાસ ભલામણ કરતા રહેતા. જેમને મદદની જરૂર છે એમને મદદરૂપ થવા માટે તત્પર રહેવાનો સંદેશ પણ એમની મારફત મળતો રહેતો.

ઉત્તર પ્રદેશ ને ગુજરાતમાં એમના અનેક ભક્તો, પ્રશંસકો અને અનુયાયીઓ હોવા છતાં એમણે કોઈ આશ્રમની ઈચ્છા ના કરી. જીવનભર સાચા અર્થમાં વિરક્ત રહીને એ વિચરણ જ કરતા રહ્યા. બદરીનાથધામ અને બદરીનારાયણ ભગવાનને માટે એમને અજબ પ્રકારનો પ્રેમ હતો અને એમની કૃપાથી જ એમને શાંતિ મળેલી. એમના સંગ, માર્ગદર્શન અને એમની મદદ દ્વારા બીજા કેટકેટલા જીવોએ શાંતિ મેળવી તે કોણ કહી શકે ? એનો હિસાબ કોણ કાઢી શકે ?

 - શ્રી યોગેશ્વરજી

Comments  

+2 #1 Varsha 2011-06-27 22:26
આ લેખ વાંચ્યા પછી એક વ્યક્તિ પણ થોડું માર્ગદર્શન પોતાના જીવનકાળમાં લે તો તેનું જીવન ધન્ય થઈ જાય.

Today's Quote

Change your thoughts and you change your world.
- Norman Vincent Peale

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.