Text Size

Shvetashvatara

Chapter 1, Verse 08

संयुक्तमेतत् क्षरमक्षरं च व्यक्ताव्यक्तं भरते विश्वमीशः ।
अनीशश्चात्मा बध्यते भोक्तृ-भावाज् ज्ञात्वा देवं मुच्यते सर्वपाशैः ॥८॥

samyuktametat ksaramaksaram cha
vyaktavyaktam bharate visvamisah ।
anisaschatma badhyate bhoktr-bhavaj
jnatva devam muchyate sarvapasaih ॥ 8॥

પ્રકૃતિ તેમજ જીવતણું સંયુક્તરૂપ આ સૃષ્ટિ છે,
પ્રભુ છે તેના ધારક પોષક, જીવ વિષયનો ભોગી છે;
તેથી પ્રકૃતિમાં બંધાયે જીવ, સ્વરૂપ ભુલી જાયે,
પરમાત્માને જાણે ત્યારે બંધનમુક્ત થઈ જાયે. ॥૮॥

અર્થઃ

ક્ષરમ્ - વિનાશશીલ જડ વર્ગ
ચ - અને
અક્ષરમ્ - અવિનાશી આત્મા
સંયુક્તમ્ - (એ બંનેના) સંયુક્તરૂપ
વ્યક્તાવ્યકતમ્ - વ્યક્ત અને અવ્યક્ત સ્વરૂપ
એતત્ વિશ્વમ્ - આ વિશ્વને
ઇશઃ - પરમેશ્વર જ
ભરતે - ધારે છે ને પોષે છે.
ચ - અને
આત્મા - જીવાત્મા
ભોક્તૃભાવાત્ - આ સંસારના વિષયોનો ભોક્તા બનવાથી
અનીશઃ - પ્રકૃતિને અધીન થઇને
બધ્યતે - એમાં બંધાઇ જાય છે.
દેવમ્ - દેવોના દેવ પરમેશ્વરને
જ્ઞાત્વા - જાણીને
સર્વપાશૈઃ - સઘળાં બંધનોમાંથી
મુચ્યતે - મુક્તિ મેળવે છે.

ભાવાર્થઃ

આ વિશ્વમાં અપરા પ્રકૃતિ અને પરા પ્રકૃતિ - બંને છે. વિનાશશીલ જડવર્ગ અપરા પ્રકૃતિ છે અને અવિનાશી જીવાત્મા પરા પ્રકૃતિ કહેવાય છે. એ બંનેનો સંસારમાં સમુચ્ચય થયેલો જોવા મળે છે. સંસાર એ બંનેનું સમન્વયાત્મક સંમિશ્રિત સ્વરૂપ છે. પરમાત્મા એનું ધારણ અને પોષણ કરે છે. એ ક્ષર તથા અક્ષર, અપરા અને પરા પ્રકૃતિ બંનેથી પર છે. જીવાત્મા સંસારમાં પ્રવેશીને પ્રકૃતિના પદાર્થો, વિષયો તથા ભોગોમાં આસક્ત થાય છે ને બંધાઇ જાય છે. પોતાના અસલ સચ્ચિદાનંદ સ્વરૂપનું સ્મરણ એને નથી રહેતું. એને લીધે એ અશાંત, બદ્ધ અને દુઃખી બને છે. જગતનાં બાહ્ય રૂપ, રંગ અને રસમાં ડૂબીને જગતના નાયકને ભૂલી જાય છે. દેવોના દેવ, જગન્નાયક પરમાત્માને એ પ્રેમ કરે, સેવે અને ઓળખી લે છે એટલે બધાં જ બંધનમાંથી મુક્તિ મેળવે છે. સંસારમાં જે સૌંદર્ય, રસ, રંગ, ચેતન છે એનો વિચાર કરીને એણે એના મૂળભૂત ભંડાર જેવા પરમાત્માની પાસે પહોંવાની પ્રવૃતિ કરવી જોઇએ. સૂર્યના એક કિરણથી મંત્રમુગ્ધ બનવાને બદલે સૂર્યની સંનિધિને પામવાની આરાધનાનો આધાર લેવો જોઇએ. ઉદ્યાનની સુંદરતા અથવા આહ્લાદકતાથી આશ્ચર્યચકિત બનીને બેસી રહેવાને બદલે એને બનાવનારા અથવા એની માવજત કરનારા માળીની મુલાકાત લેવી જોઇએ. બુદ્ધિમત્તાનું સાચું લક્ષણ એ જ છે. શરીરનું પિષ્ટપેષણ કરવા કરતાં એની અંદરના પરમાત્માના પ્રકાશને પેખવો જોઇએ. દેહ તથા દુનિયાના દેવમંદિરના દેવનું, દેવોના દેવનું નેહપૂર્વક નિરિક્ષણ કરવું જોઇએ.

 

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok