Text Size

Asana (આસન)

આસન હઠયોગનું પ્રથમ અંગ કહેવાયું છે. આસનના અભ્યાસ દ્વારા શારીરિક અને માનસિક સ્થિરતા, આરોગ્ય તથા સ્ફુર્તિ ઉત્પન્ન થાય છે. આસનસિદ્ધિ વગર શરીરની જડતા તથા મનની ચંચલતાનું શમન થતું નથી. તમ અને રજોગુણનો નાશ તથા સત્વગુણની વૃદ્ધિ થતી નથી. એથી આસનસિદ્ધિ સાધક માટે અતિઆવશ્યક છે.

પતંજલિની વ્યાખ્યા પ્રમાણે સ્થિર અને સુખમય અવસ્થા આસન છે. જ્યારે સાધક કોઈ એક આસનમાં ત્રણ કલાક સુધી સ્થિરતાથી ટકી શકે ત્યારે એની આસનસિદ્ધિ થઈ ગણાય. ખરેખર તો પ્રાણાયામ અને પ્રત્યાહારની સિદ્ધિ વગર આસનસિદ્ધિ કરવી મુશ્કેલ છે. એથી આસનની સ્વાભાવિક સ્થિરતા એક રીતે સંપૂર્ણ હઠયોગની સિદ્ધિ ગણી શકાય.

પોતપોતાની પ્રકૃતિ તેમ જ શારીરિક યોગ્યતા પ્રમાણે દરેકે જુદાંજુદાં આસનોનો આધાર લઈ શકે છે. આસનોનો પણ કોઈ નિશ્ચિત કે એકસરખો ક્રમ હોતો નથી. કેટલાંક આસનો અમુક સાધકોને ઉપયોગી થાય છે જ્યારે કેટલાંક તેણે ટાળવા પણ પડે છે. આસનોની સાચી સંપૂર્ણ સમજ સાધકને પોતાની મેળે ભાગ્યે જ પડી શકે. માટે જ એને માટે અનુભવી ગુરૂનું માર્ગદર્શન ઉપયોગી ઠરે છે.

સમય
આસનોના અભ્યાસક્રમનો સર્વોત્તમ સમય સવારનો છે. વહેલી સવારે સૂર્યોદય પહેલાં વાતાવરણમાં શાંતિ તથા તાજગી હોય, ને બધેથી મંદમંદ પવન વાતો હોય, ત્યારે આસનોનો અભ્યાસ કરી શકાય છે. એ સમય વિશેષ ઉપયોગી ગણાય છે. બીજો અનુકૂળ સમય સાંજનો છે. એ વખતે પણ વાતાવરણ અનુકૂળ હોય છે.

આસનોનો અભ્યાસ સ્નાન કરીને પણ કરી શકાય ને સ્નાન કર્યા સિવાય પણ કરી શકાય. જેવી જેની પ્રકૃતિ અથવા તો જેવી જેની અનુકૂળતા. છતાં ઠંડીના દિવસોમાં સવારે સ્નાન કર્યા વિના ને ગરમીના દિવસોમાં સ્નાન કર્યા પછી આસન કરવાનું વધારે ફાવશે તથા ઉચિત લેખાશે.

લાભ
જુદાજુદા આસનો કરવાથી જુદાજુદા લાભ થાય છે. આસનો મુખ્યત્વે ચોર્યાસી કહેવાયા છે, પરંતુ બધાની આવશ્યકતા સૌને નથી હોતી. આસનો કેવળ સ્વાસ્થ્ય-સુધાર માટે જ નથી. શરીર, મન અને આત્મા ત્રણે એકમેકની સાથે સંકળાયેલાં છે; અને એકની શુદ્ધિ-અશુદ્ધિ કે શક્તિ-અશક્તિની અસર બીજા પર પડે છે. એટલા માટે આસનો કેવળ શરીર સુધારણાની કસરત નથી, પણ મનને સ્વસ્થ તેમ જ મજબૂત બનાવવા માટેની પ્રાણવાન પ્રક્રિયા છે. આત્માની ઉન્નતિમાં એમનો ફાળો એમની પોતાની રીતે ઘણો મહત્વનો છે. આસનોનો લાભ પુરૂષોની પેઠે સ્ત્રીઓ પણ લઈ શકે છે ને સ્ત્રીઓને માટે પણ એ એટલાં જ ઉપયોગી છે એ ખાસ યાદ રાખવાનું છે.

આસનમાં ભાવના
યોગાસનોનો અભ્યાસ કોઈ જડ અભ્યાસ નથી. એ અભ્યાસથી સ્વાસ્થ્યલાભ તો થાય છે; પરંતુ એની સાથેસાથે જો ઉત્તમ પ્રકારના ભાવો કે વિચારોનો આધાર લેવામાં આવે તો માનસિક અથવા આત્મિક રીતે પણ લાભ થાય છે.

સાવધાની
અગાઉ જણાવી ગયા એ મુજબ યોગની દરેક ક્રિયાઓ અનુભવી વ્યક્તિના માર્ગદર્શન હેઠળ કરવી અત્યંત આવશ્યક છે. આસન કરતી વખતે શરીર ઉપર બળજબરી કરવાની નથી પણ સહજ બળ આપી ખેચવાનું કે મરોડવાનું હોય છે. આસનો શાંતિપૂર્વક કરવાની વસ્તુ છે. વ્યાયામની જેમ ઉતાવળે અને વારંવાર કરવાની વસ્તુ નથી. એમ કરતાં નુકસાન થવાનો પૂર્ણ સંભવ રહે છે. આસન કરનારે શરીરશુદ્ધિ પર ધ્યાન આપવું આવશ્યક છે. મોટા ભાગના આસનો પેટ સાફ થયા પછી કરવાના હોય છે. સાધક નિરોગી હોય એ પણ આવશ્યક છે.

સ્વાસ્થ્ય માટે ઉપયોગી કરવા યોગ્ય મુખ્ય આસનો આ પ્રમાણે છે: પદ્માસન, બદ્ધ પદ્માસન, સુષુપ્ત પદ્માસન, સર્વાંગાસન, પશ્ચિમોત્તાનાસન, ધનુષાસન, હલાસન, મયૂરાસન, મત્સ્યેન્દ્રાસન, વજ્રાસન, ઉષ્ટ્રાસન અને ભુજંગાસન. શીર્ષાસનને આસનોનો રાજા કહેવામાં આવે છે ને સર્વાંગાસનને પ્રધાન. અહીં આપણે મુખ્ય મુખ્ય આસનો વિશે વિસ્તારપૂર્વક માહિતી મેળવીશું.

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok