Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તુજને મુક્ત મુક્ત શું કરે,
પોકારો પાડયે કૈં ના વળે !

સ્વભાવનો છે દાસ હજી તો, મમતા માંહી મરે,
સ્વાર્થ-ત્યાગ તો નથી જરીયે, કેમ કરીને તરે ?... તુજને.

અહંભાવથી ભારે બનિયો, કઠોર થૈને ફરે,
મધુર બન્યો ના મનવાણીથી, જ્ઞાન થૈ શું ફરે ? ... તુજને.

જનમ નથી ને મરણ ન મારે, એમ પ્રલાપ કરે,
શિર દુઃખે કે તાવ ચઢે ત્યાં દીન બની ટળવળે ... તુજને.

પૂર્ણ સચ્ચિદાનંદ થયો હું, જ્યાં ત્યાં વાતો કરે,
આનંદ તણો તારા મુખ પર છાંટોયે ના મળે ... તુજને.

વહેમ ને ભયશોક ગયાં ના, વિષયો માટે મરે,
હૃદય સંકુચિત તારું ખૂબ જ, નમ્ર બની ના ફરે ... તુજને.

સિંહ તણો જે બાલ હોય તે વનમાં એકલ ફરે,
જોતાં વેંત જ ઓળખાય તે, શોર ભલે ના કરે ... તુજને.

વાણીની ભ્રમણામાં પડ ના, જો પુરુષારથ કરે,
તન ને મનનો સ્વામી થા તો હેતુ હજીયે સરે ... તુજને.

જ્ઞાન પ્રકાશે અંતર તારું ઝળહળાટ જ્યાં કરે,
જોતાંવેત જ ત્યાં તુજને સૌ મુક્ત માનશે ખરે ... તુજને.

‘પાગલ’ બની પ્રેમરસ પ્યાલી પ્રભુની પીને ફરે,
તે અમૃતમય બને, શાંતિ ને મુક્તિ તેને વરે ... તુજને.

- શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit