Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

દેશ કેરી દાઝ જે નયનો મહીં ના હો
નયન એ નીરખે ન નીરખે ફેર એમાં શો ?
સ્નેહ જેમાં ના છલકતો માનવી માટે
નયન એવાં ના રહે શો શોક એનો તો ?

દેશ ગૌરવગાન ગાથા ના ગમે જેને
શ્રવણ હોય સરસ છતાં પણ શું કરે એને ?
સુભગ સુંદર નાસિકા પણ શું કહો કરવી
માતૃભૂમિસુવાસ જેને ના ગમે ગરવી !

મૂલ્ય શું જિહ્વા તણું જે દેશને સ્નેહે
સ્મરે ના તેની કરે પ્રશસ્તિ નેહે ?
હોય વિદ્વતા વરી વાચાળતા એને
અલંકાર બને નહીં એ છતાંય કેમે.

દેશની મમતા નહીં સન્માન દેશ તણું
ચિત્તમાં જે ચિત્ત તે સાચે જ શુષ્ક ગણું;
હૃદયમાં જે માતની મંગળ નહીં મૂર્તિ
એ હૃદયની પૂર્ણતાની થાય ના પૂર્તિ.

વિશ્વપ્રેમ તણા ફુવારા હૃદય ના ફૂટે,
એકતા-સેવા-દયાના ભાવ ના ઊઠે,
રણ સમા એ હૃદયની શોભા કહોને શું,
રહે બંધ પડે હૃદય તો હર્ષશોકે શું ?

અંગ પણ ના કામ આવે અન્યને માટે,
હૂંફ ના આપે તપી કે સહીને જાતે,
સ્વસ્થસુંદર સરસ શાશ્વત યૌવને ભર હો
તોય સિદ્ધ થશે કહોને હેતુ એથી શો ?

યશસ્વી ઐશ્વર્યશાળી દીર્ઘ જીવન હો,
દેશ દુનિયાનો ન કિન્તુ પ્રેમ એમાં તો
દીર્ઘ એ જીવન ધરાને ભારરૂપ ખરે,
હોય કે ના હોય એનું મૂલ્ય કૈં ન મળે.

આપણી પૃથ્વી ઉપર પ્રેમી પ્રકટ થાશે,
સેવકોના સ્નેહમાં આ ધરિત્રી ન્હાશે,
હજારો લાખો કરોડો માનવી સેના
સમર્પણ સર્વસ્વ કરશે ચરણમાં એના.

જીવશે સુખશાંતિ માટે એહની જ્યારે,
વદનશ્રી એની વિલાઈ ખીલશે ત્યારે.
શાંતિ સમૃદ્ધિતણા એ યજ્ઞમાં જેની
કામ આવી જાય કાય કૃતાર્થ છે એની.

દશા દેખી દેશ કેરી વિચારી લીધું
ઘડી ગાંધીએ બધુંયે ધ્યાન હો દીધું
દેશ માટે તો જ બંધન પુરાતન તૂટે,
ફુવારા અંગાંગમાંથી શાંતિના ફૂટે.

કર્યું સૌને એમણે આહવાન કે આવો,
યજ્ઞ મુક્તિનો થતો હોતાજનો આવો;
સુણીને આહવાન સ્નેહે સેવકો આવ્યા
યજ્ઞમાં બલિદાન બનવા સમિધને લાવ્યા.

સ્વદેશીનો મંત્ર મંગલ દેશને દીધો,
સ્વાદ એ પીયૂષ કેરો પ્રજાએ લીધો;
વિદેશી વસ્ત્રો તણી હોળી થઈ કેવી,
પ્રલયના પાવક સમી જ્વાલામુખી જેવી.

સ્વદેશીની સહસ્ત્રોએ પ્રતિજ્ઞા લીધી
તિલકના મૃત્યુદિને હોળી મહા કીધી,
ઉપસ્થિત મુમ્બાપુરીમાં ત્યાં હતા ગાંધી,
પ્રજામાં આવી વતનના પ્રેમની આંધી.

એ મધુર જુસ્સો જનોનો વર્ણવાય નહીં,
શારદા કે શેષથીયે ના ગવાય કહીં;
ચેતને આબાલવૃદ્ધ મુખો બધે ચમક્યાં,
નવી દીપ્તિથી ભર્યા કો તારલા ટમક્યા.

રેંટિયા ચાલ્યા રહી ચાલી બધે તકલી,
તિરોધાન થઈ વિદેશી વસ્તુઓ નકલી;
ભેદ ભૂલી માનવો સૌ એકસાથ મળ્યા,
રહ્યાં રંગ ધરી અનેરો વ્યોમ તેમ ધરા.

દિવસ એ ઈતિહાસમાં સ્મરણીય સર્વ થયા,
પ્રેરણા પાઈ પ્રકાશી તિમિર મધ્ય રહ્યા;
નવા પ્રાણે સળવળ્યો આ અખિલ ભારત દેશ,
નવી ઊર્મિ, નવલ ભાવો, સજી નૂતન વેશ.