તમે ખૂબ જ કૃપા કરી !
મહામોંઘું માનવ તન આપ્યું, ભક્તિ તેમ ભરી ... તમે.
જીવનના નીરસ રણમાં આ રસની સૃષ્ટિ કરી,
પતિત પાવની પ્રેમ–સુરસરી, પ્રાણ પ્રકટ કરી ... તમે.
અંતરને અમૃતમય કીધું છે અનુરાગ ભરી,
મોહ પમાડ્યો એવો મારી મમતા સર્વ મરી ... તમે.
તન, મન, અંતર અર્પ્યું તમને, મિલકત સર્વ ધરી;
લગન લગાડી એવી મારું, હૈયું લીધું હરી ... તમે.
રોમરોમ રંગાયાં રસથી માનો વાત ખરી,
પ્રતિદિન પ્રબળ બને છે માયા, જાય ત્રિતાપ તરી ... તમે.
‘પાગલ’ પ્રેમી કર્યો મને ને, પાયો પ્રેમ વળી;
જન્મોજન્મ ન વિસરાયે એ, ફેરા વૃત્તિ ફરી ... તમે.
કૃપા કરો પણ અધિક હજીયે, અરજ રહ્યો છું કરી,
મંગલરૂપ બતાવો નિશદિન, ત્યારે કૃપા ખરી ... તમે.
- શ્રી યોગેશ્વરજી

