Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જય શિવશંકર ગૌરીશંકર, પ્રેમે દર્શન આપો, શંકર, પ્રેમે દર્શન આપો !
અખિલ જગતના સ્વામી શંકર, કષ્ટ અમારાં કાપો, શંકર, પ્રેમે દર્શન આપો !

વેદ તમોને ગાતાં થાકે, વાણી કેમ જ માપે તમને, વાણી કેમ જ માપે;
કૃપા કરો જો તમે તો જ કૈં, અમૃત અંતર ચાખે, શંકર અમૃત અંતર ચાખે;

યાદ કરે તમને જ સદા જે, પામે છે સુખશાંતિ સદા તે, પામે છે સુખશાંતિ;
પ્રેમ ચરણમાં જોડે તેની, તૂટે સઘળી ભ્રાંતિ, તેની તૂટે સઘળી ભ્રાંતિ;

એમ વિચારી આવ્યાં આશે, શાંતિ અમને આપો હાસે. દર્શન અમને આપો;
ભ્રાંતિ બધીયે દૂર કરીને, મનમાં સ્થિરતા સ્થાપો શંકર. મનમાં સ્થિરતા સ્થાપો.

તમે જ માતપિતા ને સ્વામી, તમે જ હિતકારી બહુનામી, તમે જ બહુનામી;
કોણ તમારા વિના અમારું, હે પ્રભુ, પૂરણકામી, શંકર, હે પ્રભુ, પૂરણકામી !

તમે રંકનું રતન અમારે; આંખ અંધની, આવો, વ્હારે, આવો વેગે વ્હારે;
ભરદરિયે ડૂબેલાને કો’, તમારા વિના તારે, શંકર, તમારા વિના તારે ?

જીવનવેળા વીતી જાયે, દિન ને મહિના વરસો જાયે, વરસો યે જાયે;
કૃપા કરી દો પૂર્ણ તમે તો, જીવનમંગલ થાયે, પ્રભુજી, જીવનમંગલ થાયે.

એમ વિચારી આવ્યા આશે, શાંતિ અમને આપો હાસે, દર્શન અમને આપો,
ભ્રાંતિ બધીયે દૂર કરીને, મનમાં સ્થિરતા સ્થાપો, શંકર, મનમાં સ્થિરતા સ્થાપો

જન્મ્યું તે તો સર્વ જવાનું, સર્વ વિદાય થવાનું; સર્વ વિદાય થવાનું;
અમર છતાંયે તે જ બને જે, પામી તમને લે છે, પ્રભુજી, પામી તમને લે છે.

એમ વિચારી આવ્યા આશે, શાંતિ અમને આપો હાસે, દર્શન અમને આપો.
ભ્રાંતિ બધીયે દૂર કરીને, મનમાં સ્થિરતા સ્થાપો, શંકર, મનમાં સ્થિરતા સ્થાપો.

દોષ બધાયે દૂર કરી દો, અંતરમાં તમ ગીત ભરી દો, અંતરમાં ગીત ભરી દો;
માયામાં ના કદી ફસાવો, મનને પૂર્ણ હરી લો, પ્રભુજી, મનને પૂર્ણ હરી લો,

જગનાં ઝેર કદી ના વ્યાપે, સૌને અમૃત અંતર આપે, અમૃત અંતર આપે;
આશીર્વાદ દઇ દો એવો, શીઘ્ર અમોને સેવો, શંકર, શીઘ્ર અમોને સેવો.

ધન ને વૈભવ સિદ્ધિ મુક્તિ, તમે મળો ત્યાં આવે એ તો, તમે મળો ત્યાં આવે,
‘પાગલ’ તેથી એક તમોને, ગાય સદાયે ભાવે, પ્રભુજી ગાય સદાયે ભાવે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit