મારે આંગણે આજ પધારજો
મારે આંગણે આજ પધારજો રે.
બીજી કોઇ નથી મારે આશ,
બીજા કાજે નથી અવકાશ ... મારે આંગણે.
શ્રી ને સંપત્તિ યાચના કરી નથી રે.
શ્રી તો તમારાં ચરણોની માંહ્ય,
બીજે સંપત્તિ છે ના ક્યાંય; ... મારે આંગણે.
રિદ્ધિસિદ્ધિને ભોગ ના માગિયા રે;
માગ્યું મિલન તમારું એક,
અંતર આતુર આતુર છેક ... મારે આંગણે.
કીર્તિ સુખની નથી મારે કામના રે;
નામના તમારી બધે છો થાય,
નરનારી મહિમા તમારો ગાય ... મારે આંગણે.
મારી મઢૂલી એકાંતમાં આ ઊભી રે;
સ્પર્શથી ભલેને પ્રસાદ બની જાય,
પૂજા એની સરળ ભલે થાય ... મારે આંગણે.
‘પાગલ’ પ્રેમમાં તમારા ગાય છે રે,
દર્શનની આશા છે અંતરમાંહ્ય,
આવો તો જીવન મંગલ થાય ... મારે આંગણે.
- શ્રી યોગેશ્વરજી