મનને ક્યાં વિશ્રામ મળે !
તપવ્રત તેમજ યજ્ઞ કરે ને સંયમ સતત કરે,
તીર્થાટનને મંગલ માને, લાખ ઉપાય કરે ... મનને
શ્રવણ, મનન ને નિદિધ્યાસનમાં રસના ઘૂંટ ભરે,
ધ્યાન ધરે ને સમાધી સાધે, દર્શન દિવ્ય કરે ... મનને
પાવન કૈંક પ્રદેશોમાં એ વાસ કરે વિચરે,
તરસ મટે ના તો પણ તેની, સંતનસંગ કરે ... મનને
નેતિ-ધોતિ-નૌલીમાં એનું કારજ કેમ સરે,
કરે ખેચરી ને વજ્રોલી, પ્રાણાયામ કરે ... મનને
ષટ્રદર્શનમાં રમે નિરંતર તોયે પાછું ફરે,
દળદર દૂર ન થાયે એનું ઔષધ કોણ કરે ? ... મનને
‘પાગલ’ પ્રેમી બની તમારો તમને ફક્ત વરે,
શાંતિ મળે તેને રસમય રૂપ તમારું મળે ... મનને
- શ્રી યોગેશ્વરજી

