Text Size

અમરનાથ સ્તુતિ

{youtube}TyPvTj7suLI{/youtube}
Video

અમરનાથ સ્તુતિ

MP3 Audio

જેના અંક મહીં હિમાલય સુતાં, ભાગીરથી મસ્તકે
ભાલે ક્લેન્દુ રહે ગળે ગરળ ને, સોહે ઉરે પન્નગ,
દેવોના પણ દેવ નાથ સહુનાં, જે ભસ્મથી ભૂષિત,
સર્વ વ્યાપક ચંદ્રવર્ણ શિવ સહુ, સંતાપના નાશક,
તે કલ્યાણ સ્વરૂપ શંકર સદા, કલ્યાણ મારૂં કરો,
રક્ષો સર્વ સ્થળે મને સુખ ધરો, ક્લેશો બઘાયે હરો.

(વસંતતિલકા)
સંસારના સહુ પદાર્થ વિનાશ પામે, એમાં અંખડ અવિનાશ થઈ વિરાજે
તે મૃત્યુના પતિ સુખસિદ્ઘિદાતા, એવા નમું અમરનાથ મહાવિધાતા!

જે શક્તિ ને શિવ બની જગમાં વિરાજે, ચૈતન્ય ને જડરૂપે સઘળે છવાયે
એવા નમું અમરનાથ ઉમાપતિને, માતા પિતા જગતના થઈ જે સુહાયે!

જે બે છતાં પણ એક જ તત્વરૂપે, જે ભક્ત કાજ પ્રગટે જ અનેક રૂપે
જે પ્રેમથી પ્રગટ થાય બની કૃપાળુ, તે દુઃખ દૂર કરજો સઘળુંય મારૂં!

યોગીન્દ્ર સિદ્ધિ મુજને પણ શીઘ્ર આપો, હે મૃત્યુના પતિ અમૃત તત્વ આપો,
ગંગેશ પ્રેમ બનતાં ઉરમાં વહી લો, હે નાથ! દર્શન દઈ સુખથી ભરી દો!

સંસારમાં સુખ રહ્યું શરણે તમારે, ને ધન્યતા જીવનની મઘુ દર્શને છે !
એથી કૃપામૃત થકી વરસો વિભો હે, આ પ્રાણ તો પ્રભુ સ્વરૂપ મહીં જ મોહે!

(મિશ્રોપજાતિ)
ઉમા અને શંકર એક સાચે, તે એકતામાં નિત ભક્ત રાચે.
જે ભેદભાવે તમને નિહાળે, તે વારિ જાચે ઘટકૂપ કાચે!

મૂલાધાર છો તમે જગતના, પાલક તેમ જ શાસક છો,
વિવિઘ રૂપે તમે જ વ્યાપક, ભક્તના પ્રાણ પ્રકાશક છો.
હિરણ્યગર્ભ તમે વેદોના, બ્રહ્મરૂપે વેદાંત કવે,
રામ-શ્યામ ને શિવશક્તિમાં ઉપાસકો તમને જ સ્તવે!

રૂપ તમારાં અનેક તેમાં, મારું રૂપ મહાન દીસે,
સુંદરતા, માધુર્ય થકી નિત તત્વ તમારૂં ત્યાં વિલસે!
હે જગદંબા કૃપા તમારી અખંડ જીવનમાં વરસો!
હે શિવશિવા તમારૂં દર્શન પામી ને તનમન મલકો!

એક પદ્મ ખૂટતાં વિષ્ણુએ નેત્ર ધર્યું એ ભક્તિ નથી,
મસ્તકને કાપી મૂકવાની રાવણ જેવી શક્તિ નથી!
પુષ્પદંત ગંધર્વ સમાણી સંગીતની તાકાત નથી,
શક્તિ જરી મારામાં તમને કરવાને સાક્ષાત્ નથી!

નથી તપસ્યા ઉમા સમાણી, શ્રદ્ઘા કે અઘિકાર નથી,
વિધિ વિધાનની નથી માહિતી, અનુષ્ઠાન કે જાપ નથી!
છતાં તમારાં દર્શનની છે દિલમાં ઈચ્છા ખૂબ રહી,
કહો ધૃષ્ટતા એને તો પણ નક્કી છે આ વાત કહી!

કૃપા કરી દો કંઈક તમે છે એવી મારી મરજી આજ,
મનમાં મારા ઘણી ઝંખના દર્શન આપી રાખો લાજ!
કંઈક ભક્તના તમે કર્યા છે પ્રેમ કરીને મોટા કાજ,
તૃપ્ત કરી દો તો માનું કે મળી ગયું છે મોટું રાજ !

તમે કંઈકને રાજ્ય ધર્યા છે, જેણે માંગ્યા છે સામ્રાજ્ય,
લક્ષ્મી ને ચાહી છે તેને દીધી લક્ષ્મી યે સ્મિત સાથ !
બળ માંગ્યુ તો બળ દીઘું છે, અર્જુનને પાશુપતાસ્ત્ર,
હું તો કેવળ દર્શન માંગુ, મારે એ બલ-ધન-સામ્રાજ્ય !

દર્શન મળતાં સર્વ મળે ને, ના મળતાં સઘળું યે ટળે,
કૃપા તમારી કૃપાપાત્રની ઈચ્છા સર્વે પૂર્ણ કરે !
તે જ કૃપાને વરસાવી દો, આશુતોષ હે મુક્ત મને,
પ્રસન્ન બનતાં તૃપ્ત કરી દો, નિરખવા દઈ લોચનને !

રાવણ જેવું બળ ના માંગુ, ચક્ર ન માંગુ વિષ્ણુ સમું !
ઐશ્વર્ય નહિં કંઈ બાણાસુરનું, રૂપ નિહાળી રોજ નમું !
કૃપા તમારી વરસે તો પછી જગમાં રહેતું શું બાકી?
મૃત્યુનો ના ભય રહેતો ને થાય અમરતાની ઝાંખી !

જવું અન્ય દેવોની પાસે કેમ કરીને કહો તમે?
પારસ મળતાં અન્ય ધાતુની ઈચ્છા કરવી કેમ ગમે?
અન્ય દેવતા અશક્ત જેવા, સમર્થ ખૂબ તમે તો છો !
વળી ગણાઓ આશુતોષ વર આંખ મીંચતા આપો છો !

એવા કોઈ પદારથ છે ના, જે ના આપી તમે શકતા !
ત્રિભુવનનું સામ્રાજ્ય મોક્ષ ને સિદ્ધિ ને સુખસગવડતા,
કૃપા તમારી થતી જેના પર, તે તો નિત ન્યાલ બને,
કરી ઉઠે આંનદ સદા જે, ફૂલ જેમ એકાંત વને !

તારકમંત્ર તમારો મંગલ, તેનો જે આશ્રય લે છે,
ગાન કરી ને સદા તમારું, જે સંસારે રે’ છે,
ચિંતા સોંપી બધી તમોને, જે તમને ચાહી લે છે,
જીવતાં જ તે અમર બને છે, દર્શનસુખ માણી લે છે !

કાશીમાં જે મરે તેમને, તારકમંત્ર તમે આપો,
કહેવાયે છે કૃપા થકી તો મૃત્યુબંધ સઘળાં કાપો !
પરંતુ આ વસુધાની કાશી, તેમાં વાસ તમારો છે,
તમારો જ જીવનમાં જેણે, લીધો ફક્ત સહારો છે!

તે તો સાચે બને અમૃતમય, જીવતાં જ આ જગ માંહી,
બંધ બધા તેના તૂટે છે, રહે ના પ્રાપ્તવ્ય કાંઈ!
મનને જીતે, દંભ દર્પને ટાળે ઈન્દ્રિયો દમતાં,
જીવતાં જ તે સઘળાં સાચે પૂર્ણ બનીને ધન્ય થતાં !

સ્મશાનવાસી તમે જગતને, યાદ મૃત્યુની આપો છો,
અમર થવાની સાથે સાથે, સાચી વાટ બતાવો છો !
કામ જીતવાને હે સ્મરહર! ઉત્સાહ તમે તો આપો છો,
ઝેર જગતના ગળી જવાની, દીક્ષા નીલકંઠી દો છો !

પોઠિયાથી ગૌસેવાનો ને ખેતીનો સંદેશ ધરો !
દુષ્ટોના મન દમવા કાજે કર માંહે ત્રિશુળ ધરો !
સુંદરતાની ઉપાસનાનો ઉમા સંગમાં મંત્ર ધરો !
રૂપ તમારું મંગલ આવું, સમજાયે જો કૃપા કરો !

(અનુષ્ટુપ)
અમંગલ બધા તત્વો, તૂર્ત ટાળી શકો અને,
કરો છો દૂર વિશ્વે આ અશિવ, શિવ થઈ તમે !

કરો છો મૃત અમૃત, શક્તિ દૂર્બળને ધરો,
ઉઘાડી નેત્ર દો દિવ્ય, મોહ ઝેર સદા હરો !

હિમાલયના વાસી હે પ્રભુ, શ્વેત ચાંદની પૂંજ સમા,
કૈલાસ તણા સદા નિવાસી, પ્રાર્થના ગુંજે મનમાં :
જગમાં સદાકાજ શાંતિ ને સ્થાપી દો સુખ સગવડતા,
મારા તન-મન-અંતર માંહે, સુખ છલકાવો નિત્ય મહા !

(વસંતતિલકા)
કૈંયે નથી પ્રભુ ખરે અધિકાર મારો, તોયે ચહું શિશુ ગણી મુજને ય પાળો !
ના યોગ્યતા સ્તવનને કરવા તમારા, ગાવા છતાં પણ ચહું ગુણગાન પ્યારા !

તેથી જ આ સ્તવન મેં મધુરું રચ્યું છે, ખુલ્લું કરી હૃદયને ફુલ આ ધર્યું છે !
તેથી પ્રસન્ન બનજો મધુરૂપ ધારી, બીજી નથી હૃદયમાં પ્રભુ આશ મારી !

ના અલ્પતા નિરખતાં સપનેય મારી, લો ક્ષુદ્રતા હૃદયની નવ લક્ષ માંહી !
દોષો ભૂલી મુજ પ્રભુ, ગુણ સૌ વિચારી, લેજો મને તુરત સંકટથી ઉગારી !

કાશ્મીરમાં અમરનાથ પવિત્રધામ, સેવે યતીન્દ્ર સહુ સૂર્ય સમા તમામ !
ત્યાં પાગલે સ્તવન પૂર્ણ કર્યું સુખે આ, જેને જગે પ્રભુ વિના નહિ કૈંયે કામ !

(અનુષ્ટુપ)
ઉમા-શંકર જે સાચે તત્વરૂપે અભિન્ન છે,
તેની પ્રસન્નતા માટે રચ્યું આ સ્તોત્ર દિવ્ય છે !

(વસંતતિલકા)
જ્યાં વાયુ શિતલ વહે દિનરાત ને જ્યાં, ઊંચા ઉભા બરફથી ભર પર્વતો ત્યાં,
પ્રેમે નમી ચરણમાં પ્રભુના ખરે મેં, આ ભેટ ભાવભર અંતરથી ધરી છે !

(અનુષ્ટુપ)
આજ મારી પૂજા ને આ મારી મિલ્કત પ્રેમની,
ધરી છે તમને દેવ તેથી મસ્ત જજો બની !

(વસંતતિલકા)
ક્યાં દિવ્ય ગુર્જરભૂમિ પ્રભુ ને તમારૂં, ક્યાં ધામ આ અમરનાથ તણું રૂપાળુ !
આવ્યો કૃપા પરમ પ્રાપ્ત કરી તમારી, થાશે કૃતાર્થ અવ જીદંગી મસ્ત મારી !

- શ્રી યોગેશ્વરજી

 

Add comment

Security code
Refresh

Today's Quote

Some of God's greatest gifts are unanswered prayers.
- G. Brooks
Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok