સાંઇનાથ, વંદન કરું આજ હું,
અંતરની આરતિ ઉતારું છું ...સાંઇનાથ, વંદન કરું
આજ ગુરુવાર મનગમતો તમોને,
પૂજા કરી ધરી દીપ મેં તમોને,
લળીલળીને નિહાળું છું ...સાંઇનાથ, વંદન કરું
પ્રેમભરી પ્રાણમહીં આજે પધાર્યો,
આતુરતા આંખમહીં આંજીને આવ્યો,
તમે બેસી રહ્યા છો શું ... સાંઇનાથ, વંદન કરું
આસન છોડીને હવે સામે પ્રગટી લો,
સ્મિતને રેલીને મને ભાવે ભરી દો,
પોકારું પ્રેમથી હું... સાંઇનાથ, વંદન કરું
બોલી મધુર બોલ આનંદ આપો,
દર્શન આપીને મારાં દુઃખદર્દ કાપો
તમને જોવાને ઝંખું છું... સાંઇનાથ, વંદન કરું
આગળથી વંદું ને પાછળથી વંદું,
કોટિ કોટિ વાર ખરે, તમને હું વંદું,
'પાગલ' છું પ્રેમમાં હું... સાંઇનાથ, વંદન કરું
- શ્રી યોગેશ્વરજી
 
 