સાંઈબાબા આરતી
MP3 Audio
*
સાંઈનાથ પ્રભુ, જય સાઈનાથ પ્રભુ,
ચરાચરમહીં વ્યાપક, દેવ સમર્થ વિભુ....હે સાઇનાથ પ્રભુ.
શિરડીમાં પ્રકટીને લીલા કરનારા
પ્રભુ, લીલા કરનારા,
ભકતોના હિતકાજે સઘળે ફરનારા.... હે સાઇનાથ પ્રભુ
મંગલ કરતા સૌના, સૌનાયે સ્વામી,
પ્રભુ, સૌનાયે સ્વામી,
પાલક શાંતિપ્રદાયક વંદન બહુનામી... હે સાઇનાથ પ્રભુ
પૂર્ણકામ પ્રભુ પોતે પ્રકટ્યા જગમાટે,
પ્રભુ, પ્રકટ્યા જગ માટે,
રક્ષા કરવા તત્પર વાટે ને ઘાટે... હે સાઇનાથ પ્રભુ
દીનદયાળ પતિતપાવન સંકટ હરતા,
પ્રભુ, સૌ સંકટ હરતા,
સિધ્ધિના પતિ સ્મરતાં વિલંબ ના કરતા... હે સાઇનાથ પ્રભુ
પ્રેમ જગાવો દિલમાં પવિત્રતા સ્થાપો
પ્રભુ પવિત્રતા સ્થાપો,
તમારો જ શિશુ સમજી સંકટ સૌ કાપો... હે સાઇનાથ પ્રભુ
શરણ તમારું લીધું પ્રેમ કરી આજે,
પ્રભુ પ્રેમ કરી આજે,
જોજો બાલ તમારો લોકમહીં લાજે... હે સાઇનાથ પ્રભુ
વંદન કોટિ તમોને કૃપાનિધાન કરું,
પ્રભુ કૃપાનિધાન કરું,
'પાગલ' કૃપા કરી દો, દુસ્તર સિંધુતરું... હે સાઇનાથ પ્રભુ
અનેકને તાર્યા છે તારો તેમ મને,
પ્રભુ, તારો તેમ મને,
મહિમા સાચો માનું, પાર કરો મુજને... હે સાઇનાથ પ્રભુ
પૂજાવિધિ ના જાણું જાણું ભકિત નહિ,
પ્રભુ, જાણું ભકિત નહિ,
નિષ્ઠા ને શ્રધ્ધાની સમજું જુકિત નહિ.... હે સાઇનાથ પ્રભુ
- શ્રી યોગેશ્વરજી