ભગવદ ગીતા સ્તુતિ
જય જય મંગલ ગીતા માત
ક્લેશવિનાશક શાંતિ પ્રદાયક,
સુખકારક રસમય રળિયાત ... જય જય
કુરૂક્ષેત્રના પુણ્ય પ્રદેશે
અર્જુન શોકનિવારણ કાજ,
ભગવદ્ મુખથી પ્રકટ થયેલી
સજી વિવિધ શાસ્ત્રોનાં સાજ ... જય જય
જ્ઞાન યોગ ભક્તિ કર્મ તણાં
મર્મના કર્યા સહજ ઉકેલ,
જીવનની ઉન્નતિના મંત્રો
ઉદબોધ્યા ક્રમવાર અનેક ... જય જય
અસત્યમાંથી પરમસત્યમાં,
અવિદ્યા થકી પરમ પ્રકાશ,
મૃત્યુ મહીંથી અમૃત રસમાં
પ્રવેશવાની ગાઇ વાત ... જય જય
અનાસક્ત ભાવે કર્મ કરી
સાધીએ સર્વતણું શ્રેય,
અનુગ્રહ કરો એવો અમ પર,
ચાલી સત્પથ પર દિનરાત ... જય જય
- શ્રી યોગેશ્વરજી