શ્રીમદ્ સદગુરૂ કરૂં પ્રણામ, નમન કરૂં છું વારંવાર,
પરમ કૃપાળુ દેવ હવે શ્રીમદ્ સદગુરૂ નામ ધરે. (૨)
સજ્જનની રક્ષા કરીને ધર્મસ્થાપના કરતા જે,
કાર્તિક પૂનમને રવિવાર રાજચંદ્ર નામે એ બાળ. (૪)
પૂર્વના યોગી પધાર્યા જ્યાં દેવબાઈના અંકે ત્યાં,
વવાણીયાના પાવન ધામ જન્મ ધરી કીધાં કૃતકામ. (૬)
ચંદ્ર બની શીતળતા ધરે સૂર્ય બની ત્રિતાપ હરે,
સાત વરસના નાના બાળ જાતિ સ્મરણનું પામે જ્ઞાન. (૮)
મોક્ષમાળાનો ગ્રંથ રચ્યો અવધાને રસ ત્યાં પ્રગટયો.
સાક્ષાત્ સરસ્વતીનું નામ ધરીને કરતા કૈં સન્માન. (૧૦)
શતાવધાની થયા છતાં છોડ્યા પ્રયોગ તે તો બધા,
મોહમયી નગરીમાં આપ વેપારે ઝૂકાવો ખાસ. (૧૨)
વીતરાગી સંપૂર્ણ બની પેઢી પર બેઠા શ્રી હરિ,
મોક્ષનો માર્ગ પસંદ કર્યો આત્માને આનંદ ધર્યો. (૧૪)
દિવ્ય અનુભવ અને પ્રકાશ મળવા લાગ્યા વિવિધ પ્રકાર,
અંબાલાલ અને સોભાગ સમાગમે આવે છે ખાસ. (૧૬)
ગાંધીજી લઘુરાજ મુનિ જેઠાભાઈને મનસુખજી,
શ્રીમદ્ ની છાયામાં અનેક શાંતિ પામે વિવિધ દરેક. (૧૮)
છ પદનો પત્ર લખીને કાવ્ય લેખન કરો તમે,
આત્મસિદ્ધિનું શાસ્ત્ર રચ્યું મન તો જ્ઞાન દશાને વર્યું. (૨૦)
ઈડર પહાડે કીધો વાસ સમાગમ ધરો મુનિને ખાસ,
એકાંતે વિચરણ કરતાં સંયમશીલ બની ફરતા. (૨૨)
શુદ્ધ સમકિત ત્યાં પ્રગટયું જીવન જાણે ધન્ય કર્યું,
સોભાગ અને મુનિને આપ આત્મદર્શન ધરતા ખાસ. (૨૪)
છેવટે સ્ત્રી લક્ષ્મીનો ત્યાગ છોડી દીધો સંગ તમામ,
ગૃહસ્થ યોગી આપ બની પાવન કીધી સકળ મહીં. (૨૬)
ગુજરાતે વિચરણ કરતા સુખ સમાગમનું ધરતા,
વિચરણ કીધું આપે જ્યાં તીર્થો પ્રગટી ઉઠ્યાં ત્યાં. (૨૮)
વડવાને અગાસ મહીં વસો નાર ખંભાત મહીં,
વવાણીયા ને ઈડર ધામ રાજકોટ કાવીઠા ગામ. (૩૦)
પદ્માસનને વાળી આપ બેઠા જગહીત કાજે નાથ,
સ્વયં તીર્થ બની વિચરો આપ દર્શન કરતા મટે છે તાપ. (૩૨)
સર્વ તીર્થને કરૂં પ્રણામ સંસારી સુખ ત્યાં તો હરામ,
તન પર અલ્પ વસ્ત્ર સજી ત્યાગી મુનિને શીખ ધરી. (૩૪)
કૃશ કાયે પણ શોભે મુખ દર્શનથી ભુલાવે દુઃખ,
પદ્માસનમાં સ્થિર રહી તપથી કાયા કૃશ કરી. (૩૬)
આત્મતત્વની શોધ કરી આત્મદર્શી બન્યા અહીં,
વિષય સુખને તુચ્છ ગણી કેવળ જ્ઞાની થયા વળી. (૩૮)
કલિ કાલે આધાર તમે શ્રીમદ્ તીર્થંકર છે ખરે,
ગુપ્તરૂપે મહાવીર છો આપ શ્રીમદ્ સદ્ ગુરૂ છો સાક્ષાત્. (૪૦)
પ્રાર્થના સુણજો દીન દયાળ મોક્ષપંથના અમે અજાણ,
ક્રોધ મોહ માયા ને માન દૂર કરી દો, હે ભગવાન. (૪૨)
નિંદ્રા વિકથા મદને વળી મુક્ત કરી દો આજ અહીં,
થાક્યા સંસારેથી આજ બાળ બનીને આવ્યા રાજ. (૪૪)
લેજો ચરણે કૃપા કરી દોષ બધાયે દૂર કરી,
અનેક જન્મોની જંજાળ કાપી નાંખો કૃપા નિધાન. (૪૬)
શ્રીમદ્ ચરણે વંદુ આજ ભાવભક્તિથી સાચે નાથ,
સાચા જીનવર બની તમે શીતળ શાંતિ ધરો હવે. (૪૮)
પરમ કૃપાળુ દેવનું નામ અડસઠ તીરથનું છે ધામ,
શ્રીમદ્ ચરણે મુક્તિ મળે, ભક્તિ કરતાં ભવને તરે. (૫૦)
આશીર્વાદ ધરી દો નાથ કરી દો અમને આજ સનાથ,
આઠે પ્રહર કરૂં છું પ્રણામ સ્વિકારી લેજો આત્મારામ. (૫૨)
બાવન પંક્તિની આ માળ અર્પણ કરૂં છું શ્રીમદ્ આજ,
પૂર્ણ પ્રસન્ન બનીને રાજ સર્વેશ્વરીને ધરજો છાંય.
- મા સર્વેશ્વરી (૨૧-૬-૧૯૮૮)
Comments