પ્રેમે દર્શન આપે તું તેમાં તારું જાયે શું ?
મંગલ દર્શન આપે તું તેમાં તારું જાયે શું ? ... પ્રેમે.
પ્રેમીના પોકાર સુણી લે ને બોલે સામે,
શું જાયે ગદ્ ગદ્ તું બોલે જ્યાં કોઈ નામે ? ... પ્રેમે.
રોતાંનાં અશ્રુમાં તે શો ન્હાવાનો આનંદ ?
વ્યાકુલ વિરહે મરે તે સામે જોવું શું સાનંદ ? ... પ્રેમે.
ચાહે તેને મળી પ્રેમથી પૂર હૃદયની આશ,
સર્વસમર્થ, ન તેમાં તારો વૈભવ થાય ખલાસ ? ... પ્રેમે.
અંતર આતુર જીવે તારા દર્શનની ધૂનમાં,
તેની અરજી દયા કરી લે તુર્ત હવે મનમાં ? ... પ્રેમે.
- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)

