એ એજ મારા દિલડાનો દરબાર !
મોર મુકુટ જેણે પહેર્યું પીતાંબર,
કંઠે વૈજયન્તી માળ ....એ એજ.
મધુરી શી મોરલીથી મોહી રહ્યો,
બધાંને, કાળનો યે બન્યો જે કાળ,
ત્રિભુવનને તારનારો પ્રેમે પલાળનારો,
મારી લેજો સંભાળ. ....એ એજ.
વ્રજનો કનૈયો કાળો કામણગારો,
જેણે ગોપી સાથે કરેલો પ્યાર,
ભક્તન આધાર એવો, શોભા સ્વરૂપ જેવો,
વેગે આવજો મારી વ્હાર. ....એ એજ.
રોમે રોમે રમો એ, દૃગમાંહી યે વસો એ,
એની કૃપા રહો અપાર,
પ્રાણને પ્રેમ થકી પલાળી હંમેશ,
દો એ સારાયે સંસારનો સાર. ....એ એજ.
- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)

