Text Size

Adhyay 1

Pada 1, Verse 15-16

१५. मांत्रवर्णिकमेव च गीयते ।

અર્થ
ચ= અને
માંત્રવર્ણિકમ્ = મંત્રાક્ષરમાં વર્ણવાયલા પરમાત્માનું
એવ= જ.
ગીયતે = અહીં પ્રતિપાદન કરવામાં આવે છે.
(એટલા માટે પણ આનંદમય શબ્દ બીજા કોઈનો નહિ પણ પરમાત્માનો જ વાચક છે.)

ભાવાર્થ
તૈત્તિરીય ઉપનિષદની બ્રહ્માનંદવલ્લીની શરૂઆતમાં  सत्यं ज्ञानमनंतं ब्रह्म । यो वेद निहितं गुहायां परमे व्योमन् । सोङश्नुते सर्वान् कामान् सह ब्रह्मणा विपश्चिता ।’ આવે છે. એટલે કે પરમાત્મા સત્ય, જ્ઞાનસ્વરૂપ અને અનંત છે. આકાશ સ્વરૂપ પરધામમાં વિરાજમાન હોવા છતાં સૌની હૃદયગુફામાં રહેલાં છે. જે એમને જાણી લે છે તે સૌને સંપૂર્ણપણે જાણવાવાળા એ પરમાત્માની સાથે એક બનીને સર્વે ભોગોનો ઉપયોગ કરે છે. અથવા કૃતાર્થ થાય છે. એ ઉપનિષદમાં મંત્ર દ્વારા વર્ણવાયેલા પરમાત્માને માંત્રવર્ણિક કહે છે.

એ મંત્રમાં બતાવ્યા પ્રમાણે બ્રાહ્મણગ્રંથમાં આનંદમયને સૌના અંતરાત્મા કહી બતાવ્યા છે. એટલે માંત્રવર્ણિક જ આનંદમય છે. એ જ સત્ય, જ્ઞાન અને અનંત છે. એ બંને વર્ણનનો વિચાર કરતાં અને એમની સંગતિ બેસાડતાં લાગે છે કે આનંદમય શબ્દનો પ્રયોગ પરમાત્માને માટે જ કરાયેલો છે. ઉપર્યુક્ત બંને ઠેકાણે એક જ પરમાત્માનો ઉલ્લેખ છે.

---
  
१६. नेतरोङनुपपत्तेः ।

અર્થ
ઈતરઃ = પરમાત્મા જુદો જીવાત્મા. 
ન= આનંદમય ના હોઈ શકે.
અનુપપત્તેઃ= કારણ કે પૂર્વા પરના વર્ણનથી એ વાત પુરવાર નથી થતી.

ભાવાર્થ
આનંદમય શબ્દ જીવાત્માને માટે વપરાયો છે એવું માની લેવામાં શું હરકત છે એવો પ્રશ્ન પૂછવામાં આવે તો એના ઉત્તરમાં કહી શકાય કે જીવાત્માને માટે આનંદમય શબ્દ નથી વપરાયો, એ હકીકત તૈત્તિરીય ઉપનિષદની બ્રહ્માનંદ વલ્લી પરથી સાબિત થાય છે. એમાં આનંદમયનું વર્ણન કર્યા પછી કહેવામાં આવ્યું છે કે ‘એ આનંદમય પરમાત્માએ કામના કરી કે હું અનેક રૂપે પ્રકટ બનું કે જન્મ ગ્રહણ કરૂં. પછી એમણે તપ કર્યું. તપ કરીને એમણે આ બધા જગતની રચના કરી.’
सोङकामयत । बहु स्यां प्रजोयेयति । स तपोङतप्यन सतीरितप्त्वा इदं सर्वतसुजत् ।

એ કથન જીવાત્માને જરા પણ લાગુ નથી પાડી શકાય તેમ. કારણ કે જીવાત્મા તો અલ્પજ્ઞ અને અલ્પ શક્તિમાન છે. એની અંદર જગતની રચના કરવાની શક્તિ નથી. એણે અનેકરૂપે પ્રકટવાની કામના કરી અને તપ કરીને સમસ્ત જગતની રચના કરી એવું ના માની શકાય. એવી લોકોત્તર શક્તિ અને સુયોગ્યતા તો એક પરમાત્મામાં જ હોઈ શકે. એટલે આનંદમય શબ્દ જીવાત્માને માટે નથી વપરાયો પરંતુ પરમાત્માને માટે વપરાયો છે એવું માનવું બધી રીતે બરાબર છે.

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok