Text Size

Adhyay 1

Pada 2, Verse 17-18

१७. अनवस्थितेरसंभवाच्च नेतरः ।

અર્થ
અનવસ્થિતેઃ = બીજા કોઈની નેત્રમાં નિરંતર સ્થિતિ ના હોવાથી.
ચ= અને.
અસંભવાત્ = ઉપનિષદમાં વર્ણવેલા અમૃતત્વ જેવા ગુણધર્મોનો બીજા કોઈની અંદર સંભવ નહિ હોવાથી.
ઈતરઃ = પરમાત્માથી અતિરિક્ત બીજું કોઈ પણ
ન = નેત્રાન્તર્વર્તી પુરૂષ નથી.

ભાવાર્થ
આંખમાં તો કોઈક પદાર્થનું પ્રતિબિંબ પણ દેખાય છે, આંખના અધિષ્ઠાતા દેવતા પણ હોય છે, અને જીવાત્માનો પ્રકાશ પણ જણાય છે; તો ત્રણેમાંથી કોઈ એકને, બેને કે ત્રણેને આંખમાં રહેનાર પુરૂષ માનીએ તો કશી હરકત છે ? એવી શંકાના સમાધાન સારુ આ સૂત્ર દ્વારા જણાવવામાં આવે છે કે આંખમાં રહેનાર પુરૂષ પરમાત્મા જ છે અને ઉપર્યુક્ત ત્રણમાંથી બીજું કોઈ જ નથી. થોડોક વિચાર કરવાથી એ સ્પષ્ટ થાય છે. કોઈ પદાર્થનું પ્રતિબિંબ આંખમાં પડે છે ખરું, પરંતુ કામચલાઉ સમયને માટે પડે છે ને કાયમને માટે નથી રહેતું. આંખના દેવતાની સ્થિતિ પણ કાયમ માટે આંખમાં નથી રહેતી. આંખ કોઈક વિષયને ગ્રહણ કરે છે એટલો વખત એની ઉપસ્થિતિ આંખમાં માનવામાં આવે છે તે પછી નથી માનવામાં આવતી.

જીવાત્માના સંબંધમાં પણ એવું જ સમજી લેવાનું છે. એ મનની મદદથી એકવાર ઈન્દ્રિયના કોઈ એક વિષયને ગ્રહણ કરે છે તો બીજીવાર વળી બીજા જ વિષયને. એવી રીતે એની ઉપસ્થિતિ પણ આંખમાં અખંડ નથી રહેતી. એ ઉપરાંત અભય અને અમૃતત્વ જેવા શબ્દપ્રયોગો એ ત્રણેમાંથી કોઈને માટે નથી કરવામાં આવ્યા, કેવળ પરમાત્માને માટે જ કરવામાં આવ્યા છે. એમને માટે જ વેદમાં પુરૂષસૂક્તની રચના થઈ છે. તેમાં હજારો શીશવાળા તથા હજારો આંખ અને પગવાળા પુરૂષ તરીકે એમને જ વર્ણવવામાં આવ્યા છે. ભગવદ્ ગીતામાં પંદરમા અધ્યાયમાં પણ उत्तमः पुरूषः ઉત્તમ પુરૂષ અથવા પુરૂષોત્તમ કહીને એમના જ મહિમાનું જયગાન ગાવામાં આવ્યું છે. એ પુરૂષ અથવા પરમપુરૂષ શબ્દ પરમાત્માનો જ પર્યાય છે.

---

१८. अंतर्याम्यधिदैवादिषु  तद् धर्मव्यपदेशात् ।

અર્થ
અધિદૈવાદિષુ = આધિદૈવિક અને આધ્યાત્મિક જેવા સઘળા પદાર્થોમાં.
અંતર્યામી = કહ્યા છે તે બ્રહ્મ જ છે.
તદ્દ્ ધર્મવ્યપદેશાત્ = ત્યાં એ બ્રહ્મના જ ગુણધર્મોનું વર્ણન કરેલું છે તેથી.

ભાવાર્થ
પરબ્રહ્મ પરમાત્માને ઉપનિષદમાં અંતર્યામી તરીકે વર્ણવ્યા છે. ત્યાં અંતર્યામી શબ્દપ્રયોગ પરમાત્મા સિવાય બીજા કોઈને માટે નથી કરવામાં આવ્યો. કારણ કે એ શબ્દની સાથે સંકળાયલા ભાવો અથવા વિશિષ્ટ ગુણધર્મો પરમાત્માને જ લાગુ પડે છે.
પરમાત્માને માટે કરવામાં આવેલો અંતર્યામી શબ્દપ્રયોગ બૃહદારણ્યક ઉપનિષદમાં ઉદ્દાલક ઋષિને મહામુનિ યાજ્ઞવલ્કયે જણાવ્યું છે કે સૂત્રાત્મા વાયુ છે અને અંતર્યામી જડચેતનાત્મક સમસ્ત ભૂતો, સઘળી ઈન્દ્રિયો અને સઘળા જીવોના નિયંતા છે.

અંતર્યામી સબંધી અધિક સ્પષ્ટતા કરતાં એમણે કહ્યું છે કે ‘આ તમારો અંતર્યામી અમૃતમય આત્મા જોવામાં નથી આવતો તો પણ સૌને જોનારો છે, સાંભળવામાં ના આવનારો હોવા છતાં સઘળુ સાંભળનારો અને મનન કરવામાં ના આવતો હોવા છતાં સૌનું મનન કરનારો છે. એ વિશેષરૂપે કોઈના જાણવામાં નથી આવતો તો પણ સૌને સુચારૂરૂપે જાણે છે. એ તમારો આત્મા અંતર્યામી અમૃત છે. એના સિવાયનું બીજું બધું જ વિનાશશીલ છે ’

एष त आत्मान्तर्याम्यमृतोङद्दष्टो द्दष्टाङश्रुतः श्रोतामतो मन्ताविज्ञातो विज्ञाता नान्योङतोङस्ति द्दष्टा नान्योङतोङस्ति श्रोता नान्योङतोङस्ति मन्ता नान्योङतोङस्तिविज्ञातैष त आत्मान्तर्याम्यमृतोङतोङन्यर्दार्तम् ।

એ વર્ણન પરમાત્મા સિવાય બીજા કોઈને નથી લાગુ પડતું. જીવાત્માના ને જડચેતનાત્મક જગતના અંતર્યામી અવિનાશી આત્મારૂપે જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે બ્રહ્મ જ છે.

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok