Text Size

Adhyay 1

Pada 3, Verse 32-34

३२. ज्योतिषि भावाश्च ।

અર્થ
જ્યોતિષિ = જ્યોતિર્મય લોકોમાં.
ભાવાત્ = દેવોની સ્થિતિ હોવાથી.
ચ = પણ.

ભાવાર્થ
દેવો પ્રથમથી જ દિવ્ય જ્યોતિર્મય લોકોમાં નિવાસ કરતા હોવાથી અનેક પ્રકારના ઐશ્વર્યથી અલંકૃત છે. નવાં કર્મો દ્વારા એમને કોઈ નવું ઐશ્વર્ય નથી મેળવવાનું. એ લોકોની પ્રાપ્તિ માટે એમને કોઈ સ્વતંત્ર પુરૂષાર્થ પણ નથી કરવાનો. એટલે આચાર્ય જૈમિની એ માટેનાં વેદોક્ત કર્મોની પેઠે બ્રહ્મવિદ્યામાં પણ એમનો અધિકાર નથી માનતા.

---

३३. भावं तु बादरायणोङस्ति हि ।

અર્થ
તુ = પરંતુ.
બાદરાયણ આચાર્ય. ભાવમ્ = દેવાદિના અધિકારનું અસ્તિત્વ સ્વીકારે છે.
હિ = કેમ કે.
અસ્તિ = શ્રુતિમાં એમના અધિકારનું  વર્ણન છે માટે.
 
ભાવાર્થ
બ્રહ્મસૂત્રના રચયિતા મહર્ષિ બાદરાયણ શ્રુતિના અભિપ્રાયને સર્વોત્તમ, આદર્શ અને અનુકરણીય માને છે ને જણાવે છે કે આ વિષયનો નિર્ણય કરતી વખતે શ્રુતિના અભિપ્રાયને લક્ષમાં લેવો જોઈએ. કોઈપણ નિર્ણય વેદ અથવા ઉપનિષદનો વિરોધી ના હોવો જોઈએ. યજ્ઞાદિમાં દેવોનો અધિકાર છે એવું પ્રતિપાદન કરતાં વચનો શ્રુતિમાં મળે છે. 'દેવોએ યજ્ઞ દ્વારા યજ્ઞપુરૂષની આરાધના કરી, પહેલાં એ ધર્મપરંપરા પ્રવર્તમાન હતી.’  यज्ञेन यज्ञमजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन्न ।

તૈત્તિરીય સંહિતામાં કહ્યું છે કે 'દેવોએ યજ્ઞનું અનુષ્ઠાન કર્યું.’ देवा वै सत्रमासत् ।

દેવોનો બ્રહ્મવિદ્યામાં પણ અધિકાર છે એના સમર્થન માટે બૃહદારણ્યક ઉપનિષદ જણાવે છે તે વિચારણીય છે : 
तद् य़ो देवानां प्रत्यबुध्यत स एव तदभवत् । 'દેવોમાંથી જેણે એ બ્રહ્મને જાણી લીધા તે બ્રહ્મ બની ગયા ’

છાંદોગ્ય ઉપનિષદમાં ઈન્દ્ર ને વિરોચન બ્રહ્માની સેવામાં વરસો સુધી રહીને બ્રહ્મચર્ય પાલન દ્વારા બ્રહ્મવિદ્યા મેળવે છે એવો ઉલ્લેખ આવે છે.
એ બધા પરથી પુરવાર થાય છે કે દેવો યજ્ઞકર્મના તથા બ્રહ્મવિદ્યા દ્વારા બ્રહ્મપ્રાપ્તિના અધિકારી છે.

---

३४. शुगस्य तदनादरश्रवणात्दाद्रवणात् सूच्यते हि ।

અર્થ
તદનાદરશ્રવણાત્ = એ હંસોના મુખથી પોતાનો અનાદર સાંભળીને.
અસ્ય = રાજા જાનશ્રુતિના મનમાં. 
શુદ્ર = શોક થયો.
તત્ = તે પછી.
આક્રવણાત્ = રૈકવ મુનિ પાસે બ્રહ્મવિદ્યા માટે દોડી ગયો. એથી રૈકવે એને શૂદ્ર કહીને સંબોધ્યા.
હિ = કારણ કે
સૂચ્યતે = એથી રૈકવ મુનિની સર્વજ્ઞતા સૂચિત થાય છે.

ભાવાર્થ
છાંદોગ્ય ઉપનિષદમાં રાજા જાનશ્રુતિ તથા રૈકવ મુનિની કથા આવે છે. એ કથામાં કહ્યા પ્રમાણે રૈકવનો મહિમા હંસ દ્વારા સાંભળીને રાજા જાનશ્રુતિએ રૈકવની માહિતી મેળવીને એમની મુલાકાત લીધી ત્યારે એમણે રાજાને માટે શૂદ્ર શબ્દનો પ્રયોગ કર્યો. એ શબ્દપ્રયોગ એટલા માટે નહોતો કરવામાં આવ્યો કે રાજા સાચેસાચ શૂદ્ર હતો. એ શૂદ્ર ના હોવા છતાં મુનિની પાસે શોકાતુર બનીને દોડી આવેલો એટલા માટે એનાં લક્ષણો પરથી એને શૂદ્ર કહેવામાં આવ્યો. જે શોક કરે છે અથવા શોકની પાછળ પડે છે તે શૂદ્ર છે, शुचम् आद्रवति इति शूकः એ વ્યુત્પત્તિ પ્રમાણે રાજાને શૂદ્ર કહેવામાં આવેલો. એથી એ સાચેસાચ શૂદ્ર હતો એવું સાબિત નથી થતું, અને એવું પણ સાબિત નથી થતું, કે શૂદ્ર રાજા જાનશ્રુતિને રૈકવ મુનિ દ્વારા બ્રહ્મવિદ્યાનો ઉપદેશ અપાયો હોવાથી શૂદ્રને બ્રહ્મવિદ્યાનો અધિકાર છે. વેદવિદ્યામાં શૂદ્રનો અધિકાર નથી જ.

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok