Text Size

Adhyay 3

Pada 1, Verse 06-07

६. अश्रुतत्वादिति चेन्नेष्टार्दिकारिणां प्रतीतेः ।

અર્થ
ચેત્ = જો એવું કહેવામાં આવે કે.
અશ્રુતત્વાત્ = શ્રુતિમાં જીવાત્માનું તત્વોની સાથે ગમનનું વર્ણન નથી મળતું એટલા માટે (જીવાત્મા એમની સાથે જાય છે એવું કહેવાનું તર્ક સંગત નથી.)
ઈતિ ન = તો એ વાત બરાબર નથી.
ઈષ્ટાદિકારિણામ્ = (કારણ કે) એ જ પ્રસંગમાં શુભાશુભ કર્મ કરવાવાળાનું વર્ણન છે.
પ્રતીતેઃ = એટલે આ શ્રુતિમાં એ શુભાશુભકારી જીવાત્માઓના વર્ણનની પ્રતીતિ સ્પષ્ટ રીતે થઈ શકે છે, તેથી. (એવો વિરોધ અહીં નથી દેખાતો.)

ભાવાર્થ
જો કોઈ એવું કહેતું હોય કે એ પ્રકરણમાં શરીરને છોડીને જનારો જીવાત્મા એ તત્વોને લઈને જાય છે એવું વર્ણન નથી કરવામાં આવ્યું. પરંતુ પાણીના નામથી તત્વોનું જ પુરૂષરૂપમાં પલટાવાનું કહેવામાં આવ્યું છે, તેથી જીવાત્મા તત્વોની સાથે એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે એવું ના કહેવું જોઈએ, તો એ કથન બરાબર નથી. કારણ કે છાંદોગ્ય ઉપનિષદના એ જ પ્રકરણમાં આગળ પર જણાવવામાં આવ્યું છે કે શુભ કર્મ કરનારાને ઉત્તમ યોનિની અને અશુભ કર્મ કરનારાને અધમ યોનિની પ્રાપ્તિ થાય છે. એ વર્ણન પરથી પુરવાર થાય છે કે શુભાશુભ કર્મ કરનારો જીવાત્મા એ તત્વોની સાથે એક શરીરમાંથી બીજા શરીરમાં પ્રયાણ કરે છે. એવી રીતે એ પ્રકરણની વિચારધારામાં કશો દોષ નથી દેખાતો.

---

७. भाक्तं वानात्मवित्त्वात्तथा हि दर्शयति ।

અર્થ
અનાત્મવિત્વાત્ = એ લોકે આત્મજ્ઞાની નહિ હોવાથી (આત્મજ્ઞાની કરતાં એમની હીનતા બતાવવા માટે.
વા = જ.
ભાક્તમ્ = એમને દેવોનું અન્ન કહેનારી શ્રુતિ ગૌણ છે.
હિ = કારણ કે
તથા = એવી રીતે (એમની હીનતાના અને સ્વર્ગલોકમાં વિવિધ ભોગોના ઉપભોગને) પણ.
દર્શયતિ = શ્રુતિ કહી બતાવે છે.

ભાવાર્થ
ઉપનિષદમાં સકામ ભાવથી શુભ કર્મ કરનારાને સ્વર્ગ પ્રાપ્તિ થાય છે એવું જણાવવામાં આવ્યું છે તેની સાથે એવું પણ કહ્યું છે, કે સ્વર્ગમાં જનારો એ પુરૂષ દેવોનું અન્ન છે અને દેવો એનું ભક્ષણ કરે છે. એનો અર્થ તો એવો થયો કે દેવોના ભક્ષ્યને બરાબર હોવાને લીધે એ પુરૂષથી સ્વર્ગમાં રહી શકાશે જ નહિ. એવી વિચારસરણીના અનુસંધાનમાં એનું સ્પષ્ટીકરણ કરતાં કહેવામાં આવે છે કે શુભ કર્મ કરીને સ્વર્ગપ્રાપ્તિ કરનારા આત્મજ્ઞાન વગરના પુરૂષની આત્મજ્ઞાની પુરૂષની સરખામણીમાં હીનતા બતાવવા માટે જ બૃહદારણ્યક ઉપનિષદમાં એમને દેવોના અન્ન કહેવામાં આવ્યા છે.

દેવો તો અમૃતપાનથી જ પરિતૃપ્તિને અનુભવતા હોવાથી એમને માટે કોઈનું ભક્ષણ કરવાનો પ્રશ્ન જ નથી પેદા થતો. સ્વર્ગમાં જનારા પુરૂષો દેવોના ભોગ્ય કે સેવક હોય છે એવું દર્શાવવા માટે જ એમને દેવોના ભક્ષ્ય માનવામાં આવ્યા છે. જો સ્વર્ગમાં જનારા પુરૂષો દેવોના ભક્ષ્ય હોય ને દેવો એમનું ભક્ષણ કરી જતા હોય એવો ઉપનિષદનો સૂચિતાર્થ હોય તો એ જ ઉપનિષદ એવું ના કહે કે સત્કર્મો દ્વારા સ્વર્ગની પ્રાપ્તિ કરીને પુરૂષ ત્યાં વાસ કરે છે. એનું એવું કથન તદ્દન મિથ્યા જ ઠરે અથવા અર્થ વગરનું સાબિત થાય. એટલા માટે એવા અકારણ અનુચિત અર્થઘટનને બદલે એ શબ્દોના ભાવાર્થને જ ગ્રહણ કરવો જોઈએ. એવા ભાવાર્થ દ્વારા ઉપનિષદના હાર્દને સારી પેઠે સમજી શકાય છે.

ગીતામાં પણ જણાવ્યું છે કે 'વિશાળ સ્વર્ગલોકના ભોગોને ભોગવીને પુણ્યનો ક્ષય થતાં એ પુરૂષો મૃત્યુ લોકમાં પ્રવેશ કરે છે. એવી રીતે વેદોક્ત ધર્મનું આચરણ કરનારા એ પુરૂષો ભોગરત બનીને આવાગમનને પ્રાપ્ત કરે છે.’

ते तं भुक्त्वा स्वर्गलोकं विशालं क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति ।
एवं त्रयीधर्ममनुप्रपन्ना गतागतं कामकामा लभन्ते ॥  (અધ્યાય ૯, શ્લોક ૨૧)

એ કથન પણ ઉપનિષદની સ્વર્ગવિષયક વિચારસરણીનું સમર્થન કરે છે.

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok