Text Size

Adhyay 3

Pada 1, Verse 22-24

२२. तत्साभाव्यापत्ति रूपपत्तेः ।

અર્થ
તત્સાભાવ્યાપત્તિ = એમના જેવા ભાવની પ્રાપ્તિ થાય છે.
ઉપપત્તેઃ = એ વાત યુક્તિપ્રયુક્તિથી સિદ્ધ થાય છે માટે.

ભાવાર્થ
આ સૂત્રમાં વિષય બદલાય છે. છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું છે કે સ્વર્ગલોકમાંથી પાછા ફરનારા જીવો પહેલાં આકાશને પામે છે, અને આકાશથી વાયુ, ધુમ, મેઘ વિગેરે ક્રમથી પેદા થાય છે. એ કથન પરથી જિજ્ઞાસા થાય છે કે આકાશાદિના રૂપમાં જીવ પોતે પરિણીત થાય છે કે એમના જેવો થઈ જાય છે ? એ જિજ્ઞાસાના જવાબમાં જણાવવામાં આવે છે કે સ્વર્ગલોકમાંથી પાછા ફરનારા જીવો આકાશાદિનો આધાર લઈને, એમના જેવો આકાર ધારણ કરીને પાછા ફરે છે. એ આકાશાદિની પેઠે સૂક્ષ્મ બની જાય છે. આકાશાદિ પદાર્થોના રૂપમાં એ પરિવર્તન નથી પામતો, એનું પોતાનું સ્વરૂપ તો કાયમ જ રહે છે. એ સ્વરૂપ કેવળ બીજા પદાર્થો સાથે બંધબેસતું થઈ જાય છે એટલું જ. આકાશાદિ પદાર્થો તો પહેલેથી હોય છે જ અને પાછળથી પણ રહેતો હોય છે.

---

२३. नातिचिरेण विशेषात् ।

અર્થ
વિશેષાત્ = ઉપર જવા કરતાં નીચે ઉતરવાની પરિસ્થિતિમાં ભેદ હોવાને લીધે.
નાતિચિરેણ = જીવ એ આકાશ, વાયુ વિગેરેના રૂપમાં વધારે વખત સુધી ના રહીને ક્રમશઃ નીચે ઉતરી આવે છે.

ભાવાર્થ
સ્વર્ગલોકમાંથી નીચે આવનારા જીવો આકાશાદિ પદાર્થોમાં લાંબા વખત સુધી રહે છે કે પછી તરત જ ક્રમપૂર્વક નીચે ઉતરે છે એના સ્પષ્ટીકરણ માટે અહીં જણાવવામાં આવે છે કે સ્વર્ગલોકમાંથી નીચે આવનારા જીવો આકાશાદિ પદાર્થોમાં લાંબા વખત સુધી રહેવાને બદલે ક્રમપૂર્વક નીચે ઉતરી આવે છે. ઉપર જતી વખતે જીવ કર્મફળોના ઉપભોગ માટે જતો હોવાથી વચ્ચેના લોકોમાં (જો ત્યાં કર્મફળનો ઉપભોગ કરવાનો હોય તો) વિલંબ થઈ શકે છે. પરંતુ પાછા ફરતી વખતે તો કર્મફળનો ઉપભોગ પૂરો થઈ ગયો હોવાથી એવા વિલંબનું કશું કારણ નથી રહેતું.

---

२४. अन्याधिष्ठितेषु  पूर्ववदमिलाषात् ।

અર્થ
પૂર્વવત્ = પહેલાંની પેઠે જ.
અભિલાષાત્ = આ કથન હોવાથી.
અન્યાધિષ્ઠિતેષુ = બીજા જીવો પોતાના કર્મફળ ભોગને માટે જેમાં રહેતા હોય છે એવા જવ, તલ, અડદ, ચોખાદિમાં એનો કેવળ સંનિધિમાત્રથી વાસ થતો હોય છે.

ભાવાર્થ
સ્વર્ગલોકથી પાછા આવનારા જીવાત્માઓ આકાશ વિગેરે નથી બનતા પરંતુ એમના જેવા બનીને એમની સાથે જોડાઈ જાય છે એવું આની પહેલાંના સૂત્રમાં કહેવામાં આવ્યું છે તેજ પ્રમાણે પરલોકમાંથી પાછા ફરનારા જીવો જવ, તલ, અડદ અને ચોખાનું રૂપ ધારણ કરે છે એવું જે કહેવામાં આવ્યું છે એનો અર્થ એવો જ કરવાનો છે કે એ જીવો ખરેખર જવ, તલ, અડદ અને ચોખા નથી બનતા. એ બધા પદાર્થોમાં પોતાના કર્મ ફળોને ભોગવવા માટે બીજા જીવો પહેલેથી રહેતા જ હોય છે. ચંદ્રલોકમાંથી કે બીજા ઉત્તમ દિવ્ય લોકમાંથી પાછા ફરનારા જીવો એ બધા પદાર્થો સાથે ભળીને પુરૂષોની અંદર પ્રવેશ કરે છે.

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok