Sun, Jan 24, 2021

Adhyay 3

Pada 2, Verse 22-23

२२. प्रकृतैतावत्वं हि प्रतिषेधति  ततो ब्रवीति च भूयः ।

અર્થ
પ્રકૃતૈતાવત્તમ્ = પ્રકરણમાં બતાવવામાં આવેલાં પરમાત્માનાં લક્ષણોની મર્યાદાનો.
પ્રતિષેધતિ = નેતિ નેતિ કહીને શ્રુતિ નિષેધ કરે છે.
હિ = કારણ કે.
તતઃ = એની પછી.
ભૂય: = ફરી વાર
બ્રવીતિ ચ = કહે છે પણ ખરી.

ભાવાર્થ
વેદમાં પરમાત્માને નિર્વિશેષ અને સવિશેષ અથવા સગુણ અને નિર્ગુણ બંને પ્રકારના જણાવીને નેતિ નેતિ શબ્દપ્રયોગ કરવામાં આવ્યો છે અને ‘એવું નથી, એવું નથી’ એવું જણાવવામાં આવ્યું છે, એનો અભિપ્રાય શો સમજવો ? આ સૂત્ર દ્વારા એનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે.

બૃહદારણ્યક ઉપનિષદમાં બ્રહ્મનાં મૂર્ત અને અમૂર્ત બંને પ્રકારનાં રૂપ કહી બતાવ્યાં છે. ભૌતિક જગતમાં પૃથ્વી, પાણી તથા તેજ ત્રણેને એમના કાર્ય સહિત મૂર્ત કહ્યાં છે અને વાયુ તેમજ આકાશને અમૂર્ત. એવી રીતે આધ્યાત્મિક જગતમાં પ્રાણ અને હૃદયાકાશને અમૂર્ત અને શરીર તેમજ ઈન્દ્રિયોને મૂર્ત કહેવામાં આવ્યાં છે. મૂર્તને નાશવંત અથવા એ રૂપમાં ના રહેનાર પરંતુ પ્રત્યક્ષ હોવાને લીધે સત્ તરીકે અને અમૂર્તને અમૃત અથવા નષ્ટ નહિ થનાર કહી બતાવ્યું.

આધિભૌતિક જગતમાં નેત્રને મૂર્તના સારરૂપે જણાવીને આધિદેવિક જગતમાં સૂર્યમંડલસ્થ પુરૂષને અને આધ્યાત્મિક જગતમાં નેત્રસ્થ પુરૂષને અમૂર્તનો સાર કહ્યો છે. પરમાત્માનાં એ બંને રૂપોને વર્ણવીને નેતિ નેતિ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. એનો અર્થ એવો નથી કે એ રૂપો ખોટાં છે. એનો અર્થ તો એવો છે કે પરમાત્મા અનંત, અસીમ અને અનિર્વચનીય હોવાથી એ આટલા જ છે અને આનાથી વિશેષ નથી એવું કદાપિ ના કહી શકાય. મન તથા બુદ્ધિથી જે પણ વર્ણન થશે તે અધુરૂં જ રહેશે. નેતિ નેતિ શબ્દનો સાર એટલો જ છે.

પરમાત્મા શબ્દો દ્વારા મૂર્ત-અમૂર્ત રૂપમાં વર્ણવીએ એના કરતાં અનંતગણા મહાન છે એ દર્શાવવા માટે બૃહદારણ્યક ઉપનિષદમાં આગળ જણાવ્યું છે કે 'એ પરમતત્વનું નામ સત્યનું સત્ય છે, આ પ્રાણ અથવા જીવાત્મા સત્ય છે, અને એનું પણ સત્ય, એથી પણ વિરાટ, વિશિષ્ટ અને અતીત એ પરમાત્મા છે.' એના પરથી સ્પષ્ટ રીતે સમજાય છે કે પરમાત્માની અનંતતા અને અસીમતાને બતાવવા માટે જ નેતિ નેતિ શબ્દનો પ્રયોગ કરેલો છે.

---

२३. तदव्यक्तमाह हि ।

અર્થ
હિ = કેમકે.
(શ્રુતિ) તત્ = એ સગુણ રૂપને. 
અવ્યક્તમ્ = ઈન્દ્રિયોથી જાણી શકાય તેવું.
આહ = કહે છે.

ભાવાર્થ
પરમાત્માનું નિર્ગુણ નિરાકાર સ્વરૂપ જેવી રીતે મન અને બુદ્ધિથી અતીત અથવા અવ્યક્ત છે તેવી રીતે એમનું સગુણ સાકાર સ્વરૂપ પણ સામાન્ય મનબુદ્ધિથી જાણી શકાતું. ઉપનિષદમાં એ સ્વરૂપને પણ અવ્યક્ત કહેવામાં આવ્યું છે અને ઈન્દ્રિયો દ્વારા અનાયાસે અને પરિપૂર્ણપણે જાણી નથી શકાતું.

મુંડક ઉપનિષદમાં જણાવ્યું છે કે 'આ પરમાત્મા આંખથી, વાણીથી, બીજી ઈન્દ્રિયથી કે મનથી, તપથી કે કર્મોથી નથી જોઈ શકાતા.'  न चक्षुषा गृह्यते नापि वाचा नान्यैर्देवैस्तपसा कर्णा वा ।

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.