Adhyay 3

Pada 3, Verse 40-42

४०. आदरादलोपः ।

અર્થ
આદરાત્ = એ કથન પરમાત્મા પ્રત્યેના આદરભાવને બતાવતું હોવાથી.
અલોપઃ = એમાં અન્ય દૃષ્ટાનો લોપ અથવા નિષેધ નથી.

ભાવાર્થ
'જીવાત્મા થતા પરમાત્માના ભેદને ઉપાધિકૃત ના માનીએ અને સત્ય સમજીએ તો શ્રુતિનાં વચનો મિથ્યા ઠરશે. એ વચનોની સંમતિ નહિ બેસી શકે. શ્રુતિ તો કહે છે કે એમનાથી બીજો કોઈ દૃષ્ટા નથી; તો એનો અર્થ કેવી રીતે ઘટાવશો ?’ એવી જિજ્ઞાસાના જવાબમાં અહીં જણાવવામાં આવે છે કે પરમાત્મા સિવાય બીજો કોઈ દૃષ્ટા નથી એવા કથનનો આશય એમના પ્રત્યેનો અસાધારણ આદરભાવ દર્શાવવાનો છે. એમના જેવો બીજો કોઈ સર્વોત્તમ દૃષ્ટા કે જ્ઞાતા નથી એવું જણાવવાના પ્રયોજનથી પ્રેરાઈને જ એવો સારગર્ભિત શબ્દ પ્રયોગ થયેલો છે. જીવાત્મામાં જે દૃષ્ટાપણું તેમ જ જ્ઞાતાપણું છે તે પરમાત્માની શક્તિથી તથા પરમાત્માને લીધે જ છે, એવો એનો ભાવ છે. પરમાત્મા જ સૌના પ્રેરક અને પ્રકાશક છે. એનો અર્થ એવો નથી કરવાનો કે જીવાત્મા દૃષ્ટા જ નથી. જીવાત્મા દૃષ્ટા છે એ હકીકતનો શ્રુતિ સ્વીકાર કરે છે.

---

४१. उपस्थितेङतस्तद्वचनात् ।

અર્થ
ઉપસ્થિત = એ વચનો દ્વારા કોઈ રીતે બીજા ચેતનનો નિષેધ પ્રીત થતો હોય તો પણ.
અતઃ = એ  પરમાત્મા કરતાં બીજા દૃષ્ટાનો નિષેધ બતાવવાને લીધે (એ કથન આદર સૂચક જ છે.)
તદ્દવચનાત્ = કારણ કે એ વાક્યોની સાથે અવારનવાર અતઃ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

ભાવાર્થ
પરમાત્મા જ દૃષ્ટા છે એવું કથન એમને માટેના આદરભાવનું સૂચક છે અને પરમાત્માની સર્વશ્રેષ્ઠતા સૂચવવા માટે કરાયલું છે. એ અભિપ્રાયના સમર્થન માટે અહીં એક બીજો વિચાર રજૂ કરવામાં આવે છે. બૃહદારણ્યક ઉપનિષદમાં પરમાત્મા કરતાં બીજા દૃષ્ટા, જ્ઞાતા કે શ્રોતાનો નિષેધ કરતી વખતે અવારનવાર અતઃ શબ્દનો પ્રયોગ કરાયો છે. એથી સ્પષ્ટ થાય છે કે બીજા દૃષ્ટા, શ્રોતા કે જ્ઞાતાનો નિષેધ કરવામાં નથી આવ્યો. બીજા દૃષ્ટા, શ્રોતા કે જ્ઞાતા તો છે જ, પરંતુ પરમાત્માથી શ્રેષ્ઠ દૃષ્ટા, શ્રોતા તથા જ્ઞાતા બીજો કોઈ જ નથી.

---

४२. तन्निर्धारणानियमस्तद् द्दष्टेः पृथग्ध्यप्रतिबन्धः फलम् ।

અર્થ
તન્નિર્ધારણાનિયમઃ = ભોગોને ભોગવવાનો નક્કી નિયમ નથી.
તદ્દ્દષ્ટેઃ = કારણ કે એ વાત એ પ્રકરણમાં વારંવાર આવેલા યદિ શબ્દના પ્રયોગ દ્વારા જોવા મળે છે.
હિ = એ સિવાય બીજું કારણ એ પણ છે કે.
પૃથક્ = કામોપભોગથી જુદા સંકલ્પવાળાને માટે.
અપ્રતિબન્ધઃ = જન્મ મરણના બંધનમાંથી છૂટવાનું.
ફલમ્ = ફળ બતાવ્યું છે.

ભાવાર્થ
છાંદોગ્ય ઉપનિષદમાં દહરવિદ્યામાં તથા પ્રજાપતિ અને ઈન્દ્રના સંવાદમાં જે બ્રહ્મવિદ્યાનું વર્ણન કરવામાં આવ્યું છે તેના ફળનિર્દેશમાં જુદા જુદા ઈચ્છાનુસાર ભોગોના ઉપભોગની વાત કરી છે. બીજે ઠેકાણે ભોગોના એવા ઉપભોગની વાત નથી કરી. તો ભોગોના ઉપભોગનું ફળ બ્રહ્મવિદ્યાવાળા સર્વે સાધકોને લાગુ પડે છે ? ના. બ્રહ્મલોકમાં જનારા સર્વે સાધકોને માટે એક સરખું ફળકથન નથી મળતું. બધા સાધકોને માટે ભોગોપભોગની વાત નથી મળતી. જ્યાં ભોગોપભોગની  પ્રાપ્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યાં પણ યદિ શબ્દના પ્રયોગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે એવો ઉપભોગ ફરજીયાત નથી, પરંતુ સ્વૈચ્છિ છે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.