Text Size

Adhyay 3

Pada 4, Verse 19-21

१९. अनुष्ठेयं बादरायणः साम्यश्रुतेः ।

અર્થ
બાદરાયણ = મહર્ષિ વ્યાસ કહે છે કે
અનુષ્ઠેયમ્ = ગૃહસ્થાશ્રમની પેઠે બીજા આશ્રમોના ધર્મોનું અનુષ્ઠાન પણ કરવા જેવું છે.
સામયશ્રુતેઃ = કેમ કે શ્રુતિમાં સમસ્ત આશ્રમોના અને આશ્રમધર્મોના કર્તવ્યનું સમાન રીતે પ્રતિપાદન કરવામાં આવ્યું છે.

ભાવાર્થ
આચાર્ય જૈમિનિની વિચારધારા સાથે અસંમત થતાં મહર્ષિ વ્યાસ એમના અભિપ્રાયને સ્પષ્ટ રીતે રજૂ કરતાં જણાવે છે કે ઉપનિષદમાં એકલા ગૃહસ્થાશ્રમનું જ વર્ણન નથી મળતું પરંતુ બીજા આશ્રમોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. એટલે ગૃહસ્થાશ્રમનું જ પાલન કરવા જેવું છે અને સંન્યાસ આશ્રમનું નથી કરવા જેવું એ દલીલ બરાબર નથી. ગૃહસ્થાશ્રમની પેઠે બીજા આશ્રમોનું પણ મહત્વ હોવાથી એમનો આધાર લઈને એમના ધર્મોનું અનુષ્ઠાન પણ કરવું જોઈએ. એ પણ એટલું જ અગત્યનું છે.

તૈત્તિરીય ઉપનિષદ અગ્નિહોત્રનો ત્યાગ ના કરવાનો ને સંતાન પરંપરાને ચાલુ રાખવાનો આદેશ આપે છે એ સાચું છે, પરંતુ એ આદર્શ ગૃહસ્થાશ્રમીઓને માટે છે. એ સંદેશ સંન્યાસ આશ્રમ કે બીજા કોઈ આશ્રમોના ધર્મોનો ત્યાગ કરવાનો નથી આપતું.

---

२०. विधिर्वा धारणवत् ।

અર્થ
વા = અથવા.
વિધિઃ = એ મંત્રમાં બીજા આશ્રમોની વિધિ જ માનવી જોઈએ. અનુવાદ નહિ
ધારણવત્ = સમિધાધારણ વિષયક વાક્યમાં 'ઉપર ધારણ’ ની ક્રિયાને અનુવાદ માનવાને બદલે વિધિ જ માનવામાં આવી છે તે પ્રમાણે.

ભાવાર્થ
તૈત્તિરીય ઉપનિષદમાંના પૂર્વોક્ત વચનમાં ચારે આશ્રમોનું જે સાંકેતિક વર્ણન છે એને અનુવાદ માનવાને બદલે વિધિવચન જ માનવું જોઈએ. બીજાં ઉપનિષદ વચનોમાં પણ આશ્રમોને માટે વિધિવચન જોઈ શકાય છે.

જાબાલોપનિષદમાં સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે.
ब्रह्मचर्य परिसमाप्य गृही भवेद् गृही वनी भवेद् वनी भूत्वा प्रव्रजेत् ।
यदि वेंतरथा ब्रह्मचर्यादेव प्रव्रजेद् गृहाद् वा वनाद् वा । यदहरेव विरजेत्तदहरेव प्रब्रजेत् ।  

એટલે કે બ્રહ્મચર્યને પૂર્ણ કરીને ગૃહસ્થી થવું. તે પછી વાનપ્રસ્થી બનવું અને એ પછી સંન્યાસ ગ્રહણ કરવો. અથવા તીવ્ર વૈરાગ્યભાવ હોય તો બીજી રીતે એટલે કે બ્રહ્મચર્યાશ્રમથી, ગૃહસ્થાશ્રમથી કે વાનપ્રસ્થાશ્રમથી જ ત્યાગ કરવો. જે દિવસે પૂર્ણ વૈરાગ્ય થઈ જાય તે જ દિવસથી ત્યાગ કરી દેવો.

કર્મ ત્યાગનો નિષેધ કરનારી શ્રુતિ એવા વૈરાગ્યવાનોને માટે નથી પરંતુ કર્મની આવશ્યકતાવાળા કર્મફળના ભોગોપભોગમાં માનનારા માનવોને માટે જ છે. જે વિરક્ત છે, તે કર્મોના અનુષ્ઠાન વિના આત્મજ્ઞાનની મદદથી જ પરમાત્માની પ્રાપ્તિરૂપી પરમ પુરૂષાર્થની સિદ્ધિ કરી લે છે.

---

२१. स्तुतिमात्रमुपादानादिति  चेन्नापूर्वत्वात् ।

અર્થ
ચેત્ = જો કહેતા હો કે.
ઉપાદાનાત્ = ઉદ્ ગીથ આદિ ઉપાસનાઓમાં એમના મહિમાનાં સૂચક જે વચન છે તેમાં કર્મના અંગભૂત ઉદ્ ગીથ આદિને લીધે એવું વર્ણન કરવામાં આવ્યુ છે એટલા માટે.
સ્તુતિ માત્રમ્ = એ સઘળું ફક્ત એની સ્તુતિ માત્ર છે.
ઈતિ ન = તો એ વાત બરાબર નથી.
અપૂર્વત્વાત્ = કારણ કે એ ઉપાસનાઓ અને એમના ગુણ અપૂર્વ છે.

ભાવાર્થ
છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું છે કે 'આ ઉદ્ ગીથ છે તે રસોનો પણ ઉત્તમ રસ છે, પરમાત્માનું પરમ આશ્રય સ્થાન અને પૃથ્વી આદિ રસોમાં આઠમો સર્વશ્રેષ્ઠ રસ છે.’  એવી રીતે ઉદ્ ગીથનું વર્ણન કેવળ સ્તુતિ પૂરતું જ કરેલું છે કારણ કે યજ્ઞના અંગભૂત ઉદ્ ગીથને માટે એ કરાયલું છે. એવી રીતે કર્મના અંગ જેવી બીજી ઉપાસનાઓમાં પણ જે જે વિશિષ્ટ ગુણોનું વર્ણન તે તે અંગોની સ્તુતિ માત્ર જ છે, એટલે વિદ્યાને કર્મનું અંગ માનવું જોઈએ, એવી દલીલ કોઈ કરતું હોય તો તે નિરર્થક છે. કારણ કે એ ઉપાસનાઓ અને એમના ગુણ સામાન્ય નથી પરંતુ અપૂર્વ છે. એમનું વર્ણન બીજે ક્યાંય નથી મળતું. ઉપનિષદનું એ વર્ણન કેવળ સ્તુતિને માટે જ નથી કરવામાં આવ્યું. એ ઉદ્ ગીથ આદિને પ્રતીક બનાવીને એમાં આરાધ્ય દેવની ભાવના કરવાની પ્રેરણા પુરી પાડવા માટે કરાયલું છે. એ વિધિવાક્ય છે. એના જ પરથી વિદ્યા કર્મનું અંગ છે એવું નથી કહી શકાતું.

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok