શ્રી હરિવર હે પ્રેમે પધારો

શ્રી હરિવર હે ! પ્રેમે પધારો દર્શન દેવા કાજે રે,
તન-મન-અંતર થકી વધાવું શ્રદ્ધાભક્તિ સાથે રે... શ્રી હરિવર

વિષયોની યારીને મેં તો છોડી શ્રીહરિ કાજે રે,
જોડી તારે ચરણે પ્રીતિ દર્શન કરવા માટે રે... શ્રી હરિવર

ભક્તિભાવમાં લીન બનીને સ્વજનોમાંહી સમાઈ રહે,
એવી આશિષ પિતા તણી પૂરણ કરજો પરમાત્મા હે... શ્રી હરિવર

માતાને વંદન કરવાથી શુભાશિષ વરસાવે રે,
એ શુભાશિષો શ્રીહરિ તારી પાસ સદાયે લાવે રે... શ્રી હરિવર

સુયોગ્ય સમયે સુકાન સોંપ્યું કે શ્રીગુરુજીને હાથે રે,
શ્રીહરિને ચાલી મળવા સદગુરુજીની સાથે રે... શ્રી હરિવર

શ્વાસોચ્છવાસે નામ જપો તો નામી દોડી આવે રે,
સંતવચનને સત્ય ગણીને અમૃતવર્ષા લાવે રે... શ્રી હરિવર

નામસ્મરણ એક જ હું જાણું, બીજુ કૈં ના જાણું રે,
નામ નિસરણી મૂકી આનંદ નામી સાથે માણું રે... શ્રી હરિવર

આ જન્મે ને આ દેહે હું પામું શ્રીહરિ દર્શન રે,
સહાય કરજો શ્રીહરિ! મુજને, કરજો દૈવી સ્પર્શન્ રે... શ્રી હરિવર

MP3 Audio

 
રચના સમયના મનોભાવો
 
શાળામાં આચાર્યપદ સંભાળતા સંભાળતા સુરતના હરિઃ ॐ આશ્રમમાં મૌનમાં બેસવાનું બનતું. તે દિવસોમાં આ પદ લખાયું હતું.

હરિને મેળવવા જ વિષયોની યારી છોડી છે, તો હવે શ્રી હરિ મૌન મંદિરમાં દર્શન દેવા આવે તો કેવું સારું ?

મૌનમંદિરના દરેક પ્રવેશ સમયે માતાપિતાના આશીર્વાદ લેવાનું બનતું ત્યારે અમારા પિતાજી કહેતા કે, તારું જીવન ભક્તિભાવમાં તલ્લીનતા અનુભવે અને તારાં જે સ્વજનો છે તે તને સહાયક થાય એ જ ભાવના અમારી તો છે. વળી, અમારાં માતાજીનો સ્વભાવ તો ઓછાબોલો એટલે તેઓ તો હંમેશની જેમ મૂક રહીને આશીર્વાદ આપતાં. માતાપિતાના આશીર્વાદ પણ શ્રી હરિ પાસે પહોંચવામાં મદદરૂપ થાય જ છે.

જીવનમાં યુવાની પ્રવેશે જ સદગુરૂ મળી ગયાં. જાણે કે પ્રભુએ સમયસર જીવન શ્રી ગુરુના ચરણે મૂકી દીધું અને એથી જ હવે શ્રીગુરુના સહારે શ્રીહરિદર્શન થશે જ એવી શ્રદ્ધા જાગી ઊઠી. આ જન્મે જ કાર્ય પૂર્ણ કરી શકું એ માટે હરિ જ સહાય કરે એવી ભાવના આ પદમાં વણાઈ છે.
 

Add comment

Security code
Refresh

Today's Quote

You must not lose faith in humanity. Humanity is an ocean; if a few drops of the ocean are dirty, the ocean does not become dirty.
- Mahatma Gandhi
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.